વાગડ પટ્ટામાં ખનીજચોરો બેફામ ? : વન અભ્યારણ્યમાં વનતંત્રની કામગીરી માત્ર પાસેરામાં પુણી સમાન
થોડા સમય પહેલા જવનવિભાગની ટીમે બાલાસર સમીપે પાટાવાડા વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા ર ઈસમો સહિત અંદાજીત ર૦ લાખનો મુદ્દામાલ કબજે કરતી વખતે સુચક ઈશારો : વનવિભાગે હકીકતમાં ખનીજ ઉપરાંત ગેરકાયદેસર મીઠ્ઠાના દબાણવાળાઓની સામે પણ બોલાવી જોઈએ સંયુકત તવાઈ : જાણકારોનો ઈશારો
ગાંધીધામ :રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સોંદર્યતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં ખનીજની પણ અલભ્ય સંપદાઓનો મોટો ખજાનો ધરબાયેલો રહ્યો છે પરંતુ આ જિલ્લામાં ઠેર ઠેર ખનીજ માફીયાઓ બેફામ બનેલા છે. સરકારને જેટલા પ્રમાણમા રોયલ્ટીની આવક થવા પામવી જોઈએ તેનાથી અનેક ઘણી તો અહી ચોરી કરવામાં આવી રહી હોવાની સ્થીતી સર્જાતી રહી છે. વિવિધ સરકારી તંત્ર પણ છુટી છવાઈ કામગીરી કરતી હોય છે પરંતુ તે માત્ર નાટક અને સમ ખાવા પુરતી જ થવા પામતી હોય છે. જો તંત્ર કડકાઈથી કાર્યવાહી કરે તો હકીકતમાં આવા ખનીજના મોટા કૌભાંડાનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. આ વાત જાણકારવર્ગમાં હાલના સમયે એટલે સામે આવવા પામી રહી છે કે, તાજેતરમાં જ રાપરના વન્ય અભ્યારણ્ય વિસ્તારમથી વનવિભાગે એકાએક જ કાર્યવાહી કરી અને બે શખ્સોને ર૦લાખના મુદામાલ સાથે ખનીજ ચોરી વનવિભાગની જમીનમાંથી કરતા ઝડપી પાડયા હતા. પરંતુ જાણકારો તો એમ કહી રહ્યા છે કે, આ કામગીરી માત્ર અને માત્ર પાસેરામાં પુણી સમાન છે. કચ્છના વન અભ્યારણ વિસ્તારમાં અતિક્રમણ હોય કે ખનીજ કે પછી મીઠાવાળાઓના ગેરકાયદેસર અડીંગા તે વિષય કયા કોઈથી છાનો રહ્યો છે? વનવિભાગે હાલમાં જે કાર્યવાહી કરી છે તે આવકારદાયક જ કહી શકાય પરંતુ તેનો વ્યાપ હકીકતમાં વધારવાની પણ જરૂરીયાત રહેલી છે. જો વનવિભાગ આ દીશામાં ખરેખર કાર્યવાહી કરવા ઈચ્છતી હોય તો સામુહીક તવાઈ જ અહી બોલાવવાની તાતી જરૂરીયાત રહેલી છે. જો આમ કરવામાં આવશે તો વનવિભાગની જમીન પર રહેલા ગેરકાયદેસર અડીંગાના મોટા વ્યાપક અને સુનિયોજીત ષડયંત્રનો પણ ખુલાસો થવા પામી શકે તેમ છે.

Comments