Trending News
સ્થાનિક સમાચાર

કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છની મુલાકાતે

18 November

અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છમાં અમલીકરણ, જિલ્લામાં વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી મેળવી

ગાંધીધામ : કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ગાંધીધામ ખાતે કચ્છ કલેક્ટર અમિત અરોરા, મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રોહિત વિનોદ, સમાજ સુરક્ષા અધિકારી એન.એસ. ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રિય રાજ્યમંત્રીએ બેઠક યોજી હતી. 
મંત્રી રામદાસ આઠવલે ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  સબકા સાથ સબકા વિકાસ આપેલ સુત્રને સાર્થક કરી ગરીબી રેખાની નીચે જીવતા રપ કરોડ લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવ્યું છે. આ ઉપરાંત રોડ, એરપોર્ટ, રેલવે કનેકટીવીટી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. ૮૦ કરોડ લોકોને અનાજ, જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવીને ભારતનો ઝંડો લહેરાવ્યો છે. કોંગ્રેસના શાસનમાં આ કામ થયું ન હતું, જે નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમીતભાઈ શાહે કરી બતાવ્યું છે. પ્રધાનમંત્રીનું વિઝન દેશને ર૦૪૭ સુધીમાં નવી ઉંચાઈએ લઈ જવાનો છે. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, જનધન યોજના સહિતની લોક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લા અંગેની પ્રાથમિક વિગતો કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલેને આપી હતી. ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને નર્મદાના અવતરણથી આવેલા પરિવર્તનની માહિતી જિલ્લા કલેકટરે આપી હતી. અનુસૂચિત સહકારી મંડળીઓને જમીનના હક્કો અપાવવા, અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છમાં અમલીકરણ, અનુસૂચિત જાતિની જિલ્લામાં વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી જિલ્લા કલેક્ટરે આપી હતી.
 સમાજ કલ્યાણની કચ્છ જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓ અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણશ્રી રોહિત વિનોદે અવગત કરાવ્યા હતા. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજદરે આર્થિક સહાય, સમાજ કલ્યાણની હોસ્ટેલ સુવિધા, કસ્તુરબા ગાંધી વિદ્યાલયો, આંતરજ્ઞાતિય લગ્ન સહાય અંગે જાણકારી મેળવીને કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીએ સમાજ કલ્યાણ વિભાગ કચ્છની કામગીરી બિરદાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમગ્ર ટીમની કામગીરીની કેન્દ્રિય રાજ્યમંત્રીએ સરાહના કરી હતી. દિવ્યાંગ અને વૃદ્ધોને સમાજ કલ્યાણની યોજનાઓ અંતર્ગત આવરી લઈને મહત્તમ લાભ આપી તેમના જીવનમાં પરિવર્તન લાવવા કેન્દ્રિય રાજ્યમંત્રીએ સૂચના આપી હતી. કચ્છમાં એટ્રોસિટી એક્ટના અમલીકરણ બાબતે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકે પોલીસની કામગીરી અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીને માહિતીગાર કર્યા હતા. બેઠકના અંતે કચ્છમાં અનુસૂચિત જાતિ કલ્યાણ માટેના વિવિધ મુદ્દાઓની રજૂઆત ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કરી હતી. કેન્દ્ર અને રાજ્યની અનુસૂચિત જાતિની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પાત્રતા ધરાવતા નાગરિકોને લાભ લેવા કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીને આવકારવા અને કચ્છના વિકાસની વિગતોથી જિલ્લા ભાજપના અગ્રણીઓએ વાકેફ કર્યા હતા. આ અવસરે જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ નગરપતિ તેજસ શેઠ, ગાંધીધામ ભાજપ પ્રમુખ  પંકજ ઠક્કર સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
----

Comments

COMMENT / REPLY FROM