વાગડમાં તરખાટ મચાવનાર રાજસ્થાનની “ગરાસીયા ગેંગ” ઝડપાઇ
ટીમ પૂર્વે કચ્છ એસપીનો સપાટો : તસ્કર ટોળકીઓમાં મોટો ફળાટ
શાબાશ છે ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના નેતૃત્વ વાળી સીટની કોઠાસુઝ ભરી મહેનતને
પૂર્વ કચ્છ પોલીસનું રાજસ્થાનના જંગલોમાં દિલધડક ઓપરેશન : ૩૪ મંદિર ચોરીના ભેદ ઉકેલાયા
દસ દિવસ અગાઉ ચિત્રોડ, જેઠાસરી, કાનમેર વિસ્તારમાં મંદિરોમાંથી આભુષણો સહિત અઢી લાખની થઈ હતી ચોરી : પૂર્વ કચ્છ પોલીસે રાજસ્થાનના જંગલોમાં જઈ ગેંગના શખ્સોને ઉઠાવી લીધા : નખત્રાણાના વડવા ભોપા ખાતે થયેલી મંદિર ચોરીની પણ કરી કબુલાત : પાંચ શખ્સોને ઝડપી લેવા સાથે અમદાવાદથી ચોરીનો મુદ્દામાલ ખરીદનાર સોની પણ આવ્યો સાણસામાં : હજુ બે રીઢા શખ્સો ફરાર
ગાંધીધામ : દસ દિવસ અગાઉ વાગડ વિસ્તારમાં ૧૮ મંદિરોને નિશાને બનાવવામાં આવતા લોકોની લાગણી દુભાઈ હતી. આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પૂર્વ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં સફળતા હાથ લાગતા રાજસ્થાનના જંગલોમાંથી કુખ્યાત ગરાસીયા ગેંગના સાગરીતોની ધરપકડ કરી કચ્છ સહિત રાજ્યના ૩૪ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો મુજબ ગત ૭ તારીખે ચિત્રોડ - જેઠાસરીમાં આવેલા આઠ મંદિરોમાં સામૂહિક ચોરી થઈ હતી. ચિત્રોડ, મેવાસા, જેઠાસરી વિસ્તારમાં આવેલા ચામુંડા માતાજી, ઈશ્વરીય માતાજી, બહુચરા માતાજી, રામ મંદિર, સિધ્ધિદાત્રી માતાજી, રવેચી માતાજી, મોમાય માતાજી અને આઈદેવ માતાજીના મંદિરમાંથી તસ્કરો ૮૧ હજારના માતાજીના શણગારના દાગીના, છતર અને દાનપેટીમાં રહેલા રોકડા મળી ૯૭ હજારની ચોરી કરી ગયા હતા. આ ઘટનાની શાહી સુકાઈ નહીં ત્યાં કાનમેરમાં દેરાસરના પુજારીને માર મારી ચાવી ઝુંટવી લૂંટ કરવા સાથે વધુ આઠ મંદિરોને નિશાન બનાવાયા હતા. જેમાં દેરાસર સહિત મોમાય માતાજી, રાજબાઈ માતાજી, નાગબાઈ માતાજી, ચામુંડા માતાજી, રામજી મંદિર અને સારંગદેવી માતાજીના મંદિરમાંથી માતાજીના ૧,૪૩,પ૦૦ના ચાંદલા, છતર, મુગટ, પાદુકા તથા ૬૭૦૦ રોકડા મળી ૧,પ૦,ર૦૦ની ચોરી કરતા ફરિયાદ દાખલ થઈ હતી.
બનાવ અંગે એસપી સાગર બાગમારે આપતા જણાવ્યું કે, ચિત્રોડ વિસ્તારમાં ચોરી થતા તાત્કાલિક સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઈ હતી. એસપીના સીધા સુપરવીઝનમાં સીટના અધ્યક્ષ તરીકે ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા, સભ્ય તરીકે એલસીપી પીઆઈ એન. એન. ચુડાસમા, ગાગોદર પીઆઈ વી. એ. સેંગલ અને આડેસર પીઆઈ જે. એમ. વાળાની નિમણૂક કરાઈ હતી. બાદમાં કાનમેર ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. બન્ને ઘટનામાં સામ્યતા જણાઈ આવી હતી. બાદમાં તપાસ કરતા બનાસકાંઠા, થરાદ સહિતના વિસ્તારમાં પણ આજ પ્રમાણે ચોરી થઈ હતી. બાદમાં સચોટ બાતમીના આધારે આરોપીઓ રાજસ્થાન તરફ હોવાનું જણાઈ આવતા ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી. જેમાં સીરોહી અને ઉદયપુર પોલીસનો સહયોગ મળ્યો અને રાજસ્થાનના સામલા થલાના જંગલોમાં રાત્રીના સમયે સર્ચ કરીને ગરાસીયા ગેંગના સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં આરોપી કમલેશ અનારામ ગરાસીયા, રમેશ બાબુરામ ગરાસીયા, જીતેન્દ્ર સુનારામ ગરાસીયા, સુરેશ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા, જયરામ ઉર્ફે જેનીયા નોનારામ ગરાસીયા, તેમજ આજ ગેંગના અને હાલે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા અને ચોરીના દાગીના ખરીદનાર સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પુછપરછમાં અન્ય બે શખ્સોના નામ ખુલ્યા હતા. જે હાજર મળી આવ્યા નથી. જેમાં મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા અને રમેશ વાલારામ ગરાસીયાનો સમાવેશ થાય છે. આરોપી મેઘલારામ રીઢો ગુનેગાર છે. હત્યાના ગુનામાં તે વોન્ટેડ હતો. હજુ ગયા વરસે તે જેલમાંથી છુટયો હતો. અન્ય આરોપી સુરેશ શંકર ઉર્ફે ડાકુ પણ રાજસ્થાનના અલગ અલગ ગુનામાં સંડોવાયેલો છે. પુછપરછ દરમ્યાન વાગડમાં થયેલી ૧૮ મંદિર ચોરીનો ભેદ ઉકેલવા સાથે પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના વડવા ભોપા ખાતે થયેલી મંદિર ચોરીની પણ કબુલાત અપાઈ હતી. જેનો પણ ભેદ ઉકેલી લેવાયો છે. સારી બાબત એ છે કે, કાનમેરમાં થયેલી મંદિર ચોરીમાં તમામ મુદ્દામાલ, ચિત્રોડમાં ૭પ ટકા અને વડવા ભોપાની ચોરીમાં પણ અમુક મુદ્દામાલ રીકવર કરવામાં પોલીસને સફળતા હાથ લાગી છે.
.................
મોડસ ઓપરેન્ડી : આરોપીઓ પથ્થર કોતરણીના કારીગર
આ કામેના આરોપીઓ પથ્થર કોતરણીના કારીગર છે. તેઓ કચ્છ તેમજ અન્ય જિલ્લાઓના મંદિરોના નિર્માણમાં જોડાયેલા હતા અને કામ કર્યું હતું. જેથી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતા અને ગેંગ બનાવી જે મંદિરોમાં કોતરણી કામ કર્યું તેજ વિસ્તારોના મંદિરોમાં ચોરી કરી હતી.
.................
આ વિસ્તારોમાં કરી હતી ચોરી
આરોપીઓએ વાગડ ઉપરાંત નખત્રાણાના વડવા ભોપા તેમજ ભાભર, થરા, રાધનપુર, દીયોદર, ડીસા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓની પુછપરછ દરમ્યાન અન્ય ગુનાઓમાં સંડોવણી સામે આવતા ધરપકડ કરવામાં આવશે.
............
પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે
આરોપીઓ પાસેથી ચિત્રોડ અને જેઠાસરીમાં થયેલ ચોરીમાં ૧૦૬૬ ગ્રામ ચાંદી, કાનમેરમાં થયેલ ચોરીમાં ૧૮૧ર ગ્રામ ચાંદી, પ.૩પ ગ્રામ સોનુ, રોકડા તેમજ વડવા ભોપાની ચોરીમાં ૧.૩૬પ કિલો ચાંદીની પાટ, ત્રણ મોબાઈલ, એક બાઈક, અન્ય મંદિરોમાં કરેલ ચોરીના દાગીના વગેરે મળી ૩,૬૪,૭૩૪ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Comments