Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં નકલી બિયારણ, ખાતર અને જતુંનાશક દવાનો ધૂમ વેપલો

18 November

રવિપાકના વાવેતરની સીઝન ટાંકણે કૃષિકારોને લાલબતી





કચ્છના વિવિધ એગ્રો સેન્ટરમાં તપાસનો ધમધમાટ : જિલ્લાના વિવિધ સ્થળોએથી એકત્ર કરાયેલા સેમ્પલો પૈકી કેટલાક નમુનાઓ પરીક્ષણમાં ફેઈલ : નકલી બિયારણ, ખાતર અને દવાના ઉપયોગથી કૃષિકારોને પડે છે આર્થિક ફટકો : પાક નિષ્ફળ જવાની સાથે ખેડૂતે કરેલી મહેનત પણ જાય છે એળે 



સબ સ્ટાન્ડર્ડ અથવા હલકી ગુણવતાવાળું બિયારણ, જંતુનાશક દવા અને ખાતરના કારણે ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર કોણ ચુકવશે ? વેધક સવાલ




ભુજ : ખેતી એ કચ્છ જિલ્લાનો સૌથી વધુ રોજગાર આપતો વ્યવસાય છે. કચ્છમાં કૃષિ અને બાગાયતી ક્ષેત્રે વિકાસ માટે સરકાર અને સહકારી કક્ષાએથી ભરપુર પ્રયાસો થયા છે. જેના થકી મર્યાદિત પરંપરાગત જળસ્ત્રોત ધરાવતા કચ્છ જિલ્લામાં ખેતી અને બાગાયતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી છે. ખેતીક્ષેત્રે થયેલા વિકાસનો લાભ લેવા કચ્છમાં લેભાગુ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. જિલ્લામાં નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેંચાણનું મોટું નેટવર્ક ગોઠવાયુંં છે. આવા બનાવટી બિયારણ, ખાતર કે દવાઓના વપરાશથી કૃષિકારોને મોટું આર્થિક નુકશાન થઈ રહ્યું છે. જિલ્લામાં બનાવટખોરોને ડામવા તંત્ર દ્વારા સમયાતરે પગલાંઓ લેવાય છે તેમ છતાં નિર્દોષ ખેડૂતોને શીશામાં ઉતારતા નકલખોરો પોતાનો ગોરખધંધો બેરોકટોક ચલાવી રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં હાલે રવિપાકના વાવેતરની સિઝન શરૂ થઈ છે. કચ્છના કિસાનો હાલે રવિપાકના વાવેતર માટે બિયારણોની ખરીદીમાં વિવિધ એગ્રો સેન્ટરમાં પહોંચી રહ્યા છે. કચ્છના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં નિર્દોષ ખેડૂતોને સ્થાનિકે બિયારણ મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ છે, પરંતુ નકલી બિયારણ વેચતા તત્ત્વો પણ જિલ્લાની ભૌગોલિક વિશાળતાનો લાભ લઈ દુર્ગમ વિસ્તારોમાં ખેડૂતોને બજાર ભાવે કે તેથી સસ્તા ભાવે નકલી બિયારણ ધાબડી દેવા સક્રિય થયા છે. ખેડૂતોને ગુણવતાયુક્ત બિયારણ, દવાઓ અને ખાતર મળી રહે તે માટે તંત્ર દ્વારા પણ તપાસનો દોર આરંભાયો છે.તાજેતરના દિવસોમાં ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાંથી બિયારણના ૪પ૦ થી વધુ જંતુનાશક દવાઓના ર૭૦ અને ખાતરના ૩૦૦ જેટલા સેમ્પલો લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. કચ્છમાં હાલે ૭૮૩ જેટલા એગ્રો સેન્ટર કાર્યરત છે. ખેતીવાડી વિભાગના ઈન્સ્પેકટરોની ટીમ દ્વારા સમગ્ર જિલ્લાના એગ્રો સેન્ટરોમાંથી નમુનાઓ એકત્ર કરી પરીક્ષણ માટે મુકવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાંથી એકત્ર કરાયેલા નમુનાઓ પૈકી બિયારણના પાંચ, જંતુનાશક દવાઓના ૮ અને ખાતરના ૧૧ નમુનાઓ પરીક્ષણમાં ફેઈલ થયા હતા. નમુના ફેઈલ આવતા સબંધીતો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ખેતીવાડી વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતીમાં નકલી બિયારણ કે ખાતર આવી જાય તો ખેડુતના પાકને નુકશાન થતું હોય છે. આ ઉપરાંત નકલી જંતુનાશક દવાઓના ઉપયોગથી તૈયાર થવાની કગારે પહોંચેલો પાક નિષ્ફળ જતો હોય છે. આવા કિસ્સાઓમાં ખેડૂતોને આર્થિક નુકશાનની સાથે ખેડાણથી માંડી વાવેતર અને પાકના જતન માટે કરેલી મહેનત પર પાણી ફરી વળે છે. રવિપાકની સીઝન શરૂ થઈ છે ત્યારે તંત્ર દ્વારા નકલખોરો સામે સઘન તપાસનો દોર વેગવાન કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM