કંડલાની ઈમામી કંપની મોત કાંડ
યે પૈસા બોલતા હે...યે પૈસા બોલતા હે..!રૂ
પોલીસ-વહીવટીતંત્ર કંપનીના ઘુંટણીયે..! હેલ્થ એન્ડ સેફટી તંત્ર-ફેકટરી ઈન્સપેકટર કંપનીને કેમ ન દેખાડે ધ્રુજારો..!
મોડી રાતે ટેન્કરમાં શ્રમિકોને ઉતારવાનું ઓપરેશન હાથ ધરવાની શું જરૂર પડી? કોણે આ શ્રમિકોને સલામતી-સુરક્ષા સાધનો-વ્યવસ્થાના અભાવની વચ્ચે મોતના મુખમાં ધકેલી દીધા? ફેકટરી ઈન્સપેકટર આદિપુરનાઓ આ કંપનીની સામે ધાક બેસાડતી લાલઆંખ કરવામાં કેમ કરી રહ્યા છે પાછીપાની? હેલ્થ એન્ડ સેફટી કચેરીના ડે.ડાયરેકટરશ્રી પણ પાંચ શ્રમિકોના મોત બાદ કંપની સામે કાર્યવાહી કરવામાં કેમ ઢીલુઢફ? : પાંચ-પાંચ ગરીબ-શ્રમિકોના મૃત્યુ થયાને ર૦ દીવસથી વધુના વાણા વીતી ગયા છતા કંપનીના લાપરવાહોનો વાળ પણ વાંકો નથી થઈ શકયો? તેની પાછળનુ રહસ્ય શું?
ખરેખર તો આ કંપનીને શ્રમિકોના જીવ સાથે ખેલ ખેલવા બદલ લાખોની તગડી પેનલ્ટીનો દંફ ફટકારવો જોઈએ અને લાપરવાહી જેની પણ ફીટ થતી હોય કંપનીમાથી તેઓને સખ્ત રાહે જેલની લગાવી જોઈએ ફટકાર : હેલ્થ એન્ડ સેફટી વિભાગ કારખાના ધારા હેઠળની કલમ (૯ર) તળે આવી ચમરબંધી કંપનીઓને સરકાર-સરકારીતંત્રની શકિતનો આપે પરચો..
મૃતકોના વીસેરા જામનગર મોકલ્યા છે, એફએસએસ રીપોર્ટ આવતા સમય લાગશે, તે આવ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે : શ્રી ઈન્દ્રજીત વાળા(પીઆઈ કંડલા પોલીસ મથક) : પ્રારંભીક તપાસ કરી લેવાઈ છે, ધોરણસરની કાર્યવાહી ચાલુમાં જ છે : હેલ્થ એન્ડ સેફટી આસીસટન્ટ ડાયરેકટરશ્રી અદિપુર
પોલીસ તંત્ર પણ કેમ ફોજદારી રાહે ફરીયાદ નોંધવામાં સારા મુર્હતની જોઈ રહ્યુ છે રાહ..! : નારોલની ગેસ ગળતરની ઘટનામાં બે શ્રમિકોના મોત બાદ ત્વરિત જ પોલીસે ફોજદારી ફરીયાદ નોધી દીધી, જયારે કંડલામાં ગેસગળતરની ઘટનામાં થઈ રહ્યા છે નવા નવા તુત-તરકટ?
ખાટલે મોટી ખોટ : રાત્રીના સમયે ટેન્કમાં રસ્સા-દોરડા મારફતે શા માટે ઉતાર્યા? તે તો કોઈ પુછો કે ટેન્કમાં ઉતારતા પહેલા શું પગલા લેવા જોઈએ? કેમ ન લેવાયા?
ગાંધીધામ : ઠન..ઠન..કી સુનો ખનકાર, યે દુનીયા હે કાલા બજાર, યે પૈસા બોલતા હે..યે પૈસા બોલતા હે..આ પ્રસિદ્ધ ઉકિત તાજેતરમાં જ કંડલા સંકુલની એક મહાકાય કંપનીમાં પાંચ-પાંચ શ્રમિકોના મોતની બનેલી ગંભીર અને કરૂણ ઘટના બાદ જાણે કે, કંપની સામે કાર્યવાહી કરવામાં ઉણાં ઉતરતા તંત્રને માટે બંધ બેસતી પુરવાર થઈ રહી હોય તેમ જોવાઈ રહ્યું છે. વાત સહેજ ફોડ પાડીને કરીએ તો ગત ૧૬ તારીખે કંડલા ખાતે આવેલ ઈમામી એગ્રોટેક કંપનીના સ્લજ ઓઈલ ટેન્કમાં સફાઈ માટે ઉતરેલા સુપરવાઈઝર સહિત પાંચ લોકોના ઝેરી ગેસથી ગુંગળાઈ જવાના કારણે મોત થયા હતા. જે ઘટનાને ર૦ દિવસ ઉપરાંતનો સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. પોલીસનું કહેવું છે કે, એફએસએલ રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે.ઈમામી એગ્રોટેક કંપનીના કંડલા સ્થિત પ્લાન્ટમાં સોયાબીન અને પામ ઓઈલ જેવા ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે. ખાદ્યતેલના શુદ્ધિકરણ બાદ જે નકામો કચરો (સ્લજ) નિકળે છે, તે ટેન્કમાં ભેગો થાય છે. આ ટેન્કની સફાઈ કરવાની હતી. સુપરવાઈઝર સિદ્ધાર્થ તિવારી સીડી મારફતે ટેન્કમાં ગયો ત્યારે ઝેરી ગેસની અસરથી ગુંગળાઈ જતાં અન્ય હેલ્પરો બચાવવા માટે ગયા હતા. જયાં એક બાદ એક પાંચ લોકોના મોત થયા હતા. બનાવ બાબતે કંડલા મરીન પોલીસે માત્ર જાણવા જોગ દાખલ કરી છે. હજુ સુધી કંપનીના જવાબદારો સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ કંપનીની સામે કાર્યવાહી કરવામાં પૂર્વ કચ્છ પોલીસતંત્ર અને વહીવટીતંત્ર કેમ ઉદાશીન દેખાઈ રહ્યુ છે? કે પછી આખુય તંત્ર આવી કંપનીઓના ઘુંટણીયે જ પડી જવા પામ્યુ છે? આવા વેધક સવાલો હવે ઉઠવા પામી રહ્યા છે. કારણ કે, જે રીતે પાંચ શ્રમિકોના મોત નિપજવા પામ્યા છે તે ઘટનાક્રમ જોતા તો અહી હેલ્થ એન્ડ સેફટી, કામદારોની સલામતી સુરક્ષાની કેાઈ જ પરવા કરાઈ નથી તેવુ સ્પષ્ટ જ દેખાય છે. જે ટેન્કમાં કામદારોને ઉતારવામાં આવ્યા હતા તે ટેન્ક, જે સમયે ઉતારવામા આવ્યા તે સમય, સહિતની સ્થિતી આ કંપનીમાં ઘણુ બધુ લોલમલોલ જ ચાલી રહ્યુ છે તે જણાવી દેવા માટે પુરતુ છે. નહી તો વિચાર કરો કે રાત્રીના બાર વાગ્યે સ્લજના ટેંકમાં રસ્સાની મદદથી એટલે કે દોરડાથી કર્મચારીઓને ઉતારીને ઓપરેશન પાર પાડવાની કયા જરૂર પડે? ઉતારાયા તો પણ કામદારોની સલામતી કે સુરક્ષા માટે કોઈ જ વ્યવસ્થાઓ મોજુદ ન હતી? ખરેખર તો આવી કંપનીની સામે હેલ્થ એન્ડ સેફટી વિભાગે કડકાઈથી કાર્યવાહી કરવી જોઈએ, ઉપરાંત પોલીસ તંત્રએ પણ વિના વિલંબે ફોજદારી ફરીયાદ દાખલ કરી દેવી જોઈએ. પરંતુ આ બાબતે તદન નિરસતાની સ્થિતી સર્જાયેલી હોવાથી આ વિભાગોની મનસાને લઈને પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે.તો વળી આ ઘટનાક્રમ બાબતે કંડલા મરીનના પીઆઈ શ્રી વાડાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મૃતકોના વીસેરા જામગનર મોકલેલા છે અને તે રીપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરી શકાશે. જયારે કે બીજીતરફ હેલ્થ એન્ડ સેફટી વિભાગ આદિપુરના આસીસટન્ટ ડાયરેકટરશ્રીની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, નિયમ અનુસાર-ધારાધોરણો મુજબની તપાસ કરવામાં આવી છે અને તે પ્રમાણેની જ કાર્યવાહી ચાલી રહી છે.
.................
પોલીસ ખુદ કેમ ફરીયાદી નથી બનતી?
IG શ્રી SP શ્રી આ બાબતે શા માટે નથી વિચારતા..?
ગાંધીધામ : કંડલાની ઈમામી કંપનીમાં જે પાંચ શ્રમિકોના મૃત્યુ નિપજયા છે તેમાં કંપનીના જવાબદારોની ઘોર બેદરકારી છત્તી થવા પામી જ રહી છે, તે સ્ષષ્ટ દેખાય છે. તેમ છતા પણ પોલીસ ફોજદારી રાહે કાર્યવાહી કરવાના બદલે સમય વ્યતિત કરી રહી હોય તેમ દર્શાય છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી તથા એસપીશ્રી પણ આ બાબતે કેમ પોલીસને જાતે ફરીયાદી બનાવીને એફઆઈઆર નથી નોધતા? શું કંપની પૈસાવાળી છે એટલે અહી શરમ આવી રહી છે?
................
શું ગરીબ હોવુ એ કોઈ ગુનો છે.?
મૃત કામદારોના આત્માનો આક્રંદ..!
ગાંધીધામ : સમરથ કો નહી દોષની ઉકિત કંડલા ઈમામી કંપનીના કિસ્સામા સાચી ઠરતી જોવાઈ રહી છે. અહી નીતી નિયમો અને કામદારોના જીવની પરવા કર્યા વિના તેમને મોતના મુખમાં ધકેલી દેનારી કંપની અને તેના માલીકો અથવા તો જવાબદારોની સામે મોતકાડની ઘટનાના ર૦ દીવસ બાદ પણ કોઈ જ પગલા નથી લેવાયા. શું મૃતકો ગરીબ હતા એટલે કોઈના પેટનુ પાણી નથી હાલતુ? શું ગરીબ હોવુ કોઈ ગુનો છે? ચમરબંધી કંપનીએ ખુદના ખોટા બચાવ માટે જવાબદારોના મોઢે કયાંક ને કયાંક ભ્રષ્ટાચારના ડુચ્ચાઓ ભરાવી દીધા એટલે જ તો તંત્રના માટીપગા અધિકારીઓ કંપની સામે લાલઆંખ કરવામાં પાછીપાની કરી રહ્યા હોય તેમ દર્શાય છે.
....................
ખ્યાતિ હોસ્પિ.મોત પ્રકરણમાં સરકાર ફરીયાદી બને તો
કંડલા ઈમામી કાંડમાં કેમ શ્રી સરકાર ફરીયાદ નહીં..!
ગાંધીધામ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દાખવોલી બેદરકારીના પગલે દર્દીઓના સગાસબંધીઓ તથા રાજયના પૂર્વ મુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલ સહિતનાઓએ દોષિતોને કડકમાં કડક સજા થવાની માંગ કરી તે બાદ હવે સરકાર દોડતી થઈ ગઈ હોય તેમ આ કેસમાં ખુદ ફરીયાદી બનવા પણ તૈયાર જ થઈ ગઈ છે. હોસ્પિટલની સામે પગલા લેવાશે, બેદરકાર તબીબોને નશ્યત કરવામા આવશે સહિતની ખાત્રીઓ આપી દીધી છે. અહી તો બે લોકોના મોત થયા છે તેમ છતા પણ જો સરકાર ખુદ ફરીયાદી બની શકતી હોય તો પછી કંડલામાં ઈમામી કંપનીના કેસમાં તો પાંચ-પાંચ શ્રમિકોના મોત નિપજી જવા પામ્યા છે, અહી કેમ દોષીતો, કંપનીના બેદરકારોને નશ્યત કરવા માટે સરકાર શ્રી સરકાર ફરીયાદ કેમ દાખલ નથી કરતી? શા માટે આ બાબતે હજુય વિલંબ જ થવા પામી રહ્યો છે?
.................
NHRCએ સ્ટોરેજ ટાંકીમાં પાંચ કામદારોના મૃત્યુ અંગે રિપોર્ટ માંગ્યો
ગાંધીધામઃ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (દ્ગૐઇઝ્ર) એ કચ્છ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને ગયા મહિને ખાદ્ય તેલના એકમમાં ટાંકીની અંદર પાંચ મજૂરોના ગૂંગળામણ અંગેના પગલા-વાર અહેવાલ માંગ્યા હતા.ઘટનાના અખબારના અહેવાલોના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ દ્ગૐઇઝ્રએ ૧૨ નવેમ્બરે નોટિસ જારી કરી હતી. નોટિસમાં સત્તાવાળાઓને ચાર અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. ફરિયાદીએ અખબારના અહેવાલોને ટાંકીને આક્ષેપ કર્યો હતો કે, બેદરકારી અને સલામતીના પગલાંના અભાવને કારણે મજૂરોના મોત થયા હતા. ફરિયાદીએ દ્ગૐઇઝ્રને આ બાબતની તપાસ કરવા, પીડિત પરિવારોને વળતર ચૂકવવામાં આવે તેની ખાતરી કરવા અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, કંડલામાં ઇમામી એગ્રોટેકના એક યુનિટમાં મૃત્યુ થયા છે. કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં આકસ્મિક
મૃત્યુના અહેવાલમાં જણાવાયું હતું કે તેલના સંગ્રહની ટાંકી સાફ કરતી વખતે પાંચ કામદારોને ગૂંગળામણ થઈ હતી. પાંચેય પીડિતો અન્ય રાજ્યોના કામદારો હતા.
.............
કંઈક તો શર્મ કરો-માટીપગા અધિકારીઓ..! દુનીયા આખીય
દિવાળી ઉજવી અને આ હતભાગીઓના ઘરે હોળી સર્જાઈ હશે.!
ગાંધીધામ : કંડલાની ઈમામી કંપનીમાં પાંચ પાંચ કામદારોના મોત નિપજી જવા પામ્યા છે છતા કાર્યવાહી કરવા કોઈના પેટનું પાણી પણ નથી હાલતુ. રાતના સમયે કોઈપણ ભોગે ખાદ્યતેલના શુદ્ધિકરણ બાદ ભેગા થયેલા કચરાની સફાઈ માટે આદેશ અપાયો હતો. તે કેટલા અંશે ઉચિત છે? કંપની દ્વારા સેફટીના કોઈ સાધનો આપવામાં આવ્યા ન હતા. જેના કારણે આ ઘટના બની હતી. વળતર આપીને સંતોષ માની લેવાયો છે. રૂપિયા આપવાથી કોઈનો વ્હાલસોયોે દિકરો તો પાછો નહીં આવે. દુનિયા આખીય દિવાળી ઉજવી ચુકી છે અને આ હતભાગીઓના ઘરે હોળી જેવો તાલ કંપનીની બેદરકારી અને તંત્રની લાપરવાહીના કારણે સર્જાયો છે. ગેસ ગળતરની શક્યતા હોવા છતાં ઈમામી કંપનીના જવાબદારો દ્વારા કર્મચારીઓને સુરક્ષાના પુરતા સાધનો આપવામાં આવ્યા ન હતા. જે ગંભીર બેદરકારી છે. અને તેને સાંખી જ ન લેવાય.
.............
સત્તાપક્ષને તો લાજ નડે, પણ કચ્છમાં વિપક્ષને કેમ
સાપ સુંગી ગયો છે? કંપની સામે કેમ હલ્લાબોલ નહી?
ગાંધીધામ : કંડલા જેવા મહાબંદરના વિકાસને આડે આવતા અમુક દબાણોને પ્રશાસન નીતી નિયમો અનુસાર દુર કરે તો વિપક્ષના અમુક છાપેલા કાટલા સમાન શખ્સો ગરીબોના મસીહા બનીને આગળ આવતા દેખાવવા પામી ગયા હતા, તો પછી શું ઈમામી કંપનીમાં જે શ્રમિકો -કામદારોના મોત થયા છે તેઓના ઘરે તેલના કુવા છે? તેઓ પણ સાધારણ જીવન ગુજરાનારા વ્યકિતઓ જ હતા. પરંતુ અહી કંપની જાણે કે ચમરબંધી છે એટલે તો કયાંક ને કયાંક વિપક્ષના અમુક બની બેઠેલાઓને કયાંક લાજ-શરમ કાઢવાની સ્થિતી નથી આવી રહી ને? આવો વેધક સવાલ પણ સંકુલનો પ્રબુદ્ધવર્ગ કરી રહ્યો છે. સતાપક્ષના આગેવાનો તો કદાચ આવા કિસ્સામાં કંપની સામે આક્રમક લડત અને બાંયો ન ચડાવી શકાય, તેમને નડતી શરમાશરમી તો સમજી શકાય છે પરંતુ વિપક્ષના બની બેઠેલા આગેવાનો પણ આ કંપનીના કાન ખેંચવા, શ્રમીકોને ન્યાય અપાવવા કયાંય રોડ-રસ્તા પર ઉતરતા કે પછી કંપની સામે હલ્લાબેાલ કરતા જોવા ન મળતા સવાલો ઉઠવા પામી રહ્યા છે. વિપક્ષ કેમ માત્ર કાગળીયા પર કંપની સામે આવેદાનો આપીને ન્યાય અપાવી દીધાનો સંતોષનો ઓડકાર ખાઈને બેસી ગયા છે?
.........................

Comments