દીકરાને ટીવીમાં લાવવાની લાલચ આપી રપ લાખની ઠગાઈ કરાઈ
ચેક બાઉન્સ બાબતે ભુજ કોર્ટમાં કરેલા કેસમાં સમાધાનના નામે ફરી પાંચ લાખ કઢાવી લેવા ફરી ધમકી અપાઈ
ભુજ : તાલુકાના સુરજપર ગામે રહેતા પટેલ પરિવાર સાથે ઠગાઈ થતા માનકૂવા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતે ભાવનાબેન વિનોદભાઈ વિશ્રામભાઈ હિરાણીના જણાવ્યા પ્રમાણે આરોપી મીરજાપરના હિતેશ વેલજી પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદીને તથા તેના પતિને પોતે પ્રોડ્યૂસર હોવાનું જણાવી દીકરા મયંકને ટીવી સિરિયલમાં તથા જાહેરાતમાં રોલ અપાવવાની વાત કરી વિશ્વાસમાં લઈ અલગ અલગ સમયે બેન્ક મારફતે તથા રૂબરૂમાં ફરિયાદી અને પતિ પાસેથી રૂા.રપ,૧૦,પ૬પ પડાવી લઈ ઠગાઈ-વિશ્વાસઘાત કર્યા હતા. ફરિયાદી અને તેમના પતિ પાસે કોરા ચેક છેતરપીંડી કરીને પડાવી લીધા હતા. જે ચેક બેંકમાં નાખતા બાઉન્સ થયો હતો. જે કેસમાં સમાધાન કરવા માટે અને સજામાંથી બચવાનું કહીને આરોપીએ ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયા બળજબરીથી કઢાવી લેવા માંગણી કરી હતી. તેમજ સાહેદ શૈલેષભાઈને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી માનકૂવા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments