કચ્છમાં અમુક પેટ્રોલપંપ પર ઈંધણમાં ગ્રાહકોને ચુનો : પુરવઠા-તોલમાલતંત્ર અંધારામાં કે, પછી ભ્રષ્ટ આંખમિંચામણા?
ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી એન્ફોર્સમેન્ટ અધિનિયમ ર૦૧૧ની સરેઆમ ઐસીતૈસી
પેટ્રોલ પંપ માલિકો અને કાનૂની માપ વિજ્ઞાનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠથી ચાલતું રાજ્યવ્યાપી કૌભાંડ : ગ્રાહકોને ઓછું ઈંધણ આપી પંપ માલિકો કમિશન ઉપરાંત મહિને ર થી ૪ લાખની કરી રહ્યા છે બેનંબરી કમાણી : કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આવેલા મોટા ટેન્ક સ્ટોરેજના મેજરમેન્ટમાં પણ ગોલમાલની ચર્ચા, તો કચ્છમાં ચાલતા મોટા વાહનોમાં આવેલા ટેન્કોની પણ તપાસણીના નામે મીંડુ
તોલમાપના વાર્ષિક ઈન્સ્પેક્શન વખતે ઈન્સ્પેક્ટરોને નોઝલ દીઠ રકમ ફાળવી દઈ વેરિફિકેશન સર્ટીફિકેટ મેળવાતા હોવાની ચકચાર : ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરોના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ફ્રીમાં ફુલ કરાતા હોવાની પણ ચર્ચા : તંત્ર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરાય તો કરોડોના કૌભાંડનો થાય ખૂલાસો : જાણકારોએ વ્યક્ત કર્યો મત
ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં કેટલાક પેટ્રોલ અને ડીઝલ પંપ પર ગ્રાહકોને ઓછું ઈંધણ મળતું હોવાથી ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. ઈંધણ પુરાવવા આવતા વાહનોમાં ચોક્કસ માત્રામાં ઓછું ઈંધણ ભરી આપી કેટલાક પંપ માલિકો મહિને રથી ૪ લાખની બેનંબરી આવક ઉભી કરી રહ્યા છે.
ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી એન્ફોર્સમેન્ટ અધિનિયમ ર૦૧૧ના નિયમોને નેવે મૂકી પેટ્રોલ પંપ માલિકો કે વહિવટદારો ગેરરીતિ આચરતા હોય છે અને તંત્રના ઈન્સ્પેક્ટરોને તેના વ્હીકલમાં મફત પેટ્રોલ કે ડીઝલ પૂરી દઈ અને નોઝલ દીઢ ચોક્સ રકમ આપી ગેરરીતિ આચરી રહ્યા છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે, રાજ્યભરમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને ગ્રાહકોને ઓછું ઈંધણ પૂરી આપી આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલ પંપોએ કાનૂની માપ વિજ્ઞાન ઈન્સ્પેક્ટરો દ્વારા વાર્ષિક ચકાસણી કરી સરકારી પ્રમાણપત્રો અપાય છે. તે ચકાસણી વખતે જ મોટાભાગે પ લીટરના જથ્થામાં ૧૦ થી ર૦ મિલીલીટર ઓછી ડિલીવરી રખાય છે. આ રીતે ઓછી ડિલીવરી રાખતા પંપો પર થતાં વેચાણ પ્રમાણે મહિને સંબંધિત પંપ માલિકો, વહિવટકર્તાઓને ર થી ૪ લાખની બેનંબરી આવક મળવાપત્ર કમિશન ઉપરાંત થાય છે. ચકાસણી વખતે કાનૂની માપ વિજ્ઞાન ઈન્સ્પેક્ટરોને પંપના માલિકો દ્વારા નોઝલ દીઠ રૂા.ર હજાર સુધીની રકમ આપવામાં આવે છે. આ ઉપરાંત પંપ પર ઈન્સ્પેક્ટરોના વાહનમાં પેટ્રોલ કે ડીઝલ મફતમાં ફુલ કરી આપવામાં આવે છે. સૂત્રો જણાવે છે કે, તંત્રની સાંઠગાંઠના કારણે જ ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલ પંપોએ ઓછી ડિલીવરી આપવાના કેસો થતાં જ નથી.ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી રૂલ્સ, ર૦૧૧ના નિયમ-ર૩ પ્રમાણે ઈન્સ્પેક્ટરે આપેલું વેરિફિકેશન સર્ટીફિકેટ જ્યાં સંબંધિત વજન માપ વપરાતા હોય ત્યાં સહેલાઈથી દેખાઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાનું રહે છે, પરંતુ મોટા ભાગના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના યુનિટો કે જ્યાંથી ગ્રાહકોને તેની ડિલીવરી અપાય છે ત્યાં પ્રદર્શિત કરવામાં આવતા નથી. મોટાભાગે પંપ માલિકો ખરાઈ પ્રમાણપત્ર પેટ્રોલ પંપની ઓફિસમાં કે ફાઈલોમાં જ રાખી મૂકવામાં આવે છે. વેરીફિકેશન સર્ટીફિકેટ યોગ્ય પ્રદર્શિત થતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હોવા છતાં કોઈ કાયદેસરના પગલાં લેવાયા નથી.કચ્છ - ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પંપો પર ચાલતી ગેરરીતિ અંગે રાષ્ટ્રીય કન્ઝયુમર પ્રોટેક્શન એજન્સી દ્વારા રાજ્યના પુરવઠા વિભાગ અને કાનૂની માપ વિજ્ઞાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને ઓછું ઈંધણ ઉપરાંત પંપો પર ગ્રાહકોને નિઃશુલ્ક આપવાની થતી ફ્રી સેવા જેવી કે શુદ્ધ પાણી, વ્હીકલમાં હવા ભરવાની સુવિધા, સ્વચ્છ ટોયલેટ, ફર્સ્ટ એડ બોક્સ, પ્રોડક્ટના ભાવ દર્શાવતું બોર્ડ, ફરિયાદ બુક વગેરેનો અભાવ જોવા મળે છે. તોલમાપ ઈન્સ્પેક્ટરો દ્વારા તેમના કાર્યક્ષેત્ર વિસ્તારના પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપો પર વાર્ષિક સ્ટેમ્પીંગ બાદ સમયાંતરે ડિલીવરીઓની ચેકીંગ રૂબરૂ કે થર્ડ પાર્ટી મારફતે કરવામાં આવે તેવી માંગ કરી છે. ગાંધીનગરની વડી કચેરી પર ફલાઈંગ સ્કવોર્ડના ઈન્સ્પેક્ટરોની જગ્યા ખાલી પડી છે, જેથી લોકલ ઈન્સ્પેક્ટરો તેમના હપ્તા અને ગરેરીતિ ચાલુ રાખી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સત્વરે જરૂરી પગલાં લેવાય તો પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપો પર ચાલી રહેલ ગેરરીતિ પર અંકુશ આવી શકે તેવું જાણકારો જણાવી રહ્યા છે.

Comments