કચ્છમાં જળ સંચયના કામોમાં કરોડોની ખનિજ તસ્કરીની ગંધરૂ
લખપત ડેણમાં ટ્રસ્ટ મારફતે બેન્ટોનાઈટની ગેરકાયદેસર નિકાસના ભંડાફોળ બાદ સિંચાઈના કામોમાં થઈ રહેલ ગેરપ્રવૃત્તિનો મુદ્દો ફરી ચર્ચાનું કેન્દ્ર : સિંચાઈ, પવનચક્કી જેવા કામોમાં ખોદકામ પૂર્વે તંત્રની એનઓસી લેવાનું અનિવાર્ય : જો સૂચિત સ્થાન પર ખોદકામ કરતા ખનીજ મળી આવે તો ખાણખનીજ વિભાગને સૂચિત કરવાનો નિયમ
કચ્છ જિલ્લામાં વિરોધાભાસી ચિત્ર : સિંચાઈ અને જળસંચયના કામોમાં ગેરરીતિ અને ખનીજ ચોરીની સમયાંતરે ઉઠતી ફરિયાદો ઠેરની ઠેર : તંત્રની ઉદાસીનતાના પગલે મોટાભાગની અરજીઓ સરકારી ફાઈલોમાં જ રહી જાય છે કેદ : પશ્ચિમ કચ્છના અબડાસા અને લખપત પંથકમાં ખનીજ ચોરીનું દુષણ વ્યાપક : તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાય તો કરોડોના કૌંભાડનો થાય પર્દાફાશ : સ્થાનિક જાણકારોએ વ્યક્ત કર્યો મત
ભુજ : કચ્છ જિલ્લાના પેટાળમાં કિંમતી ખનીજનો પુષ્કળ જથ્થો ધરબાયેલો છે. કચ્છમાંથી મળી આવતા ખનીજના ખનનથી સરકારી તિજોરીને વર્ષે કરોડોની આવક થતી હોય છે. આ સાથે કચ્છમાં ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિ પણ બેફામ બની છે. જ્યાં એક તરફ માથાભારે ખનીજ માફિયાઓ મંજૂરી કે રોયલ્ટી વિના કિંમતી ખનીજનું મોટા પ્રમાણમાં ખનન કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે ત્યાં બીજી તરફ રાજ્ય સરકારની જ સિંચાઈ, જળસંયની સુજલામ સુફલામ જેવી વિવિધ યોજનાઓનો થકી ગેરકાયદેસર ખનીજનું ખનન થતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે. ખાસ કરીને ખનીજ સંપદાથી સમૃદ્ધ એવા લખપત અને અબડાસા પંથકમાં આવી પ્રવૃત્તિઓ બેફામ બની છે. લખપત તાલુકાના ડેણ ગામે તળાવની કામગીરીમાં બેન્ટોનાઈટનું ખનન થયાનો કારસો પ્રકાશમાં આવ્યા બાદ ફરી એક વખત કચ્છમાં સિંચાઈ અને જળસંચયની પ્રવૃત્તિમાં ખનીજ તસ્કરીનો મુદ્દો લોકચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સામાન્ય રીતે સરકારી નિયમો અનુસાર સિંચાઈને લગતી કોઈપણ કામગીરી હોય, પવનચક્કીના ઈન્સ્ટોલેશનની કામગીરી હોય તેવા કામોમાં ખોદકામ કરતા પૂર્વે વિવિધ તંત્રોની મંજૂરી મેળવવાની રહે છે. ખાસ કરીને મોટા ખોદકામ વખતે ખાણખનીજ કચેરીની એનઓસી લેવાનું અનિવાર્ય રહે છે. સુચિત સ્થળ પર કોઈ ખનીજનો જથ્થો મળી આવતો હોય તેવા સ્થળો પર ખોદકામની મંજૂરી અપાતી નથી. તેમ છતાં કચ્છમાં ચાલતી સિંચાઈની વિવિધ યોજનાઓમાં તળાવ, ચેકડેમ, વગેરે કામોમાં મોટા પ્રમાણમાં ખનીજોનું ખનન કરી નખાયું છે. જમીનના પેટાળમાંથી મળતી ખનીજ સંપદાની માલિકી સરકારની હોય છે. જો સુજલામ સુફલામના કામોમાં કોઈ ખનીજ મળતી આવે તો નિયમ અનુસાર તેની જાણ ખાણ ખનીજ વિભાગને કરવાની થતી હોય છે પરંતુ કચ્છ જિલ્લામાં તેનાથી વિરોધાભાસી ચિત્ર જોવા મળી રહ્યું છે. જળસંચયના કામોમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો તંત્ર સમક્ષ થતી હોય છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં આવી અરજીઓ સરકારી ફાઈલોમાં જ અટાવયેલી રહી જતી હોય છે. સ્થાનિક રહેવાસીઓ અને જાગૃત્ત લોકો દ્વારા જળસંચયના કામોમાં થતી ગેરરીતિઓ અને ખનીજ ચોરીની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. ઠેઠ ગાંધીનગર કક્ષા સુધી ઉઠતી ફરિયાદોમાં ભાગ્યે જ કાયદેસરના પગલાં લેવામાં આવતા હોય છે. લખપત તાલુકાના ડેણમાં તંત્ર દ્વારા બેન્ટોનાઈટની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો પર્દાફાશ થય છે. જેમાં ૧રપ મેટ્રીક ટન ખનીજન ગેરકાયદેસર નિકાસના લીઝધારક ટ્રસ્ટને દંડ ફટારવામાં આવ્યો છે. એલસીબીએ ઝડપી પાડેલ કૌભાંડમાં દંડનીય કામગીરી થઈ છે ત્યારે આ ટ્રસ્ટ ક્યારથી કાર્યરત છે અને તેમના હોદ્દેદારો કોણ છે. ટ્રસ્ટના નેજા હેઠળ અન્ય કયા કામો થયા છે તેની સઘન તપાસ પણ થવી જરૂરી છે. આ ઉપરાંત કચ્છમાં જળ સંચયની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ તમામ એનજીઓની કામગીરીની તપાસ થાય તો પશ્ચિમ કચ્છના અબડાસા અને લખપત પંથકમાં રપ કરોડથી વધુના ખનીજ ચોરીના કૌભાંડો ઉજાગરો થાય તેવું સ્થાનિક જાણકારોએ જણાવી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ થશે કે આવા પ્રકરણોમાં ભૂતકાળની જેમ દંડનીય કાર્યવાહી કરી ભીનું સંકેલી લેવાના પ્રયાસો થશે તેવો સવાલ પણ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.
...............
લખપતના દેનમા ગામે તળાવ ખોદકામ દરમ્યાન મળેલું બેન્ટોનાઈટ ગેરકાયદે નિકાસ કરાયું
અબડાસા - લખપત સરહદી વિસ્તાર વિકાસ ટ્રસ્ટ નામના લીઝ ધારકને ૬૬ હજારનો દંડ કરાયો
ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા માટે જવાબદાર એવા ખાણ ખનિજ વિભાગના જવાબદારો કુંભકર્ણી નિંદ્રામાં હોવાથી સરકારને થતું નુકશાન અટકાવવા માટે પોલીસ દોડતી રહે છે. તેવામાં બાતમી આધારે લખપત તાલુકાના દેનમા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ટ્રસ્ટને તળાવ ખોદકામની મંજુરી મળી હતી. જેમાં ખોદકામ દરમ્યાન બેન્ટોનાઈટ મળી આવ્યું હતું. જે સંગ્રહ કરીને રાખવાના બદલે તેમાંથી ગેરકાયદે નિકાસ કરી ખનિજ ચોરી કરવામાં આવતા એલસીબીએ ખાણ ખનિજને બોલાવીને દંડ કરાવ્યો છે.
પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા અપાયેલી સુચના અંતર્ગત એલસીબી પીઆઈ એસ. એન. ચુડાસમા અને પીએસઆઈ ટી. બી. રબારીના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલીંગમાં હતી તેવામાં લખપત તાલુકાના દયાપર પોલીસની હદમાં આવતા દેનમા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં સર્વે નં. ૧૮ માં બેન્ટોનાઈટનો જથ્થો રાખેલો હતો. આ જથ્થામાંથી ગેરકાયદે બેન્ટોનાઈટ નિકાસ કરવામાં આવતા ખાણ ખનિજને બોલાવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં અંદાજે ૧રપ.૬પ૯ મેટ્રીક ટન બેન્ટોનાઈટ ખનિજ પરમીટ વિસ્તારમાંથી ગેરકાયદે નિકાસ કરાયું હોવાનું ધ્યાને આવતા અબડાસા - લખપત સરહદી વિસ્તાર વિકાસ ટ્રસ્ટને ૬૬૯૦૧ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખરેખર તળાવ ખોદકામ તેમજ મંજૂરી લીઝ વિસ્તારમાં ખનિજનું ખનન યોગ્ય રીતે થાય છે કે કેમ તે સહિતની ચકાસણી કરવાની જવાબદારી ખાણ ખનિજ ખાતાની હોવા છતાં આ વિભાગ દ્વારા સબ સલામતની આલબેલ પોકારી ખનીજ ચોરીને આડકતરી રીતે પ્રોત્સાહન અપાતું હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

Comments