સરકારની આયુષ્માન યોજના ખાનગી હોસ્પિટલો માટે કમાઉ દીકરો
જો...જો... ક્યાંક કચ્છમાં ન થાય અમદાવાદવાળી...
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ કચ્છમાં મહત્વાકાંક્ષી પીએમજેએવાય યોજના ફરી બની ચર્ચાનું કેન્દ્ર : ખ્યાતિ કાંડ બાદ રાજ્યમાં માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ હેઠળ અપાતી સર્જરી સારવાર સામે તકાઈ શંકાની સોય
૧ ખાનગી હોસ્પિટલોમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ મારફતે આયુષ્માન કાર્ડ ધારક દર્દીને તારવી બિન જરૂરી સર્જરીની મોડસ ઓપરેન્ડીના ભાંડાફોળ બાદ કચ્છની રપ હોસ્પિટલમાં તપાસની ઉઠી માંગ
ભુજ : કેન્દ્ર સરકારની આયુષ્માન મા કાર્ડ યોજના ખાનગી હોસ્પિટલો માટે કમાઉ દીકરો સાબિત થઈ રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામના બે દર્દીઓના મોત થતા આ યોજના થકી ખાનગી હોસ્પિટલોમાં ચાલી રહેલી ગેરરીતિનો ફરી એક વખત ભાંડાફોળ થયો છે.
કેન્દ્ર સરકારની આયુષ્માન મા કાર્ડ યોજનામાં અગાઉ રૂા.૩ લાખ ત્યારબાદ રૂા.પ લાખ અને હવે રૂા.૧૦ લાખ સુધીની સર્જરીની તમામ સારવાર ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મફતમાં કરવામાં આવે છે. આ યોજના છેલ્લા ઘણા સમયથી કચ્છ સહિત ગુજરાતના તમામ શહેરોમાં આવેલી ખાનગી હોસ્પિટલો માટે કમાઉ દીકરો બની ગઈ છે. ર૩ મી સપ્ટેમ્બર, ર૦૧૮ ના રોજ કચ્છમાં તત્કાલિન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરાયો હતો. કચ્છમાં હાલે રપ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આ યોજના અંતર્ગત સારવાર આપવામાં આવી રહી છે. હૃદયરોગની સારવારમાં એક સ્ટેન્ડ નાખવાના રૂા.૬૦ હજાર અને ૩ સ્ટેન્ડ માટે રૂા. ૧.પ૦ લાખનું પેકેજ હોસ્પિટલને આપવામાં આવે છે. તે મુજબ જે-તે દર્દીને આપવામાં આવેલ સારવારના કલેમના નાણા હોસ્પિટલ કે તબીબના બેંક ખાતામાં સીધા જમા થતા હોય છે. દર્દીને સામાન્ય ગભરામણ કે શ્વાસ ઉપડતાની સાથે હૃદયની નળીઓ બ્લોક હોવાનું માની એન્જિયોગ્રાફી અને સ્ટેન્ડ મુકવા સુધીના ઓપરેશનની સારવાર કરવાનું ચલણ ખાનગી હોસ્પિટલોમાં વધી રહ્યું છે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ કચ્છ જિલ્લામાં પીએમજેવાય યોજના હેઠળ કરવામાં આવતી સારવારની તપાસ થવી જરૂરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં યોજાતા નિઃશુલ્ક નિદાન કેમ્પ બાદ કરવામાં આવેલ સારવારની વિગતો ચકાસવાની કામગીરી હાથ ધરાવામાં આવી છે. કચ્છ જિલ્લામાં પણ આ યોજના હેઠળ આવતી હોસ્પિટલના રેકર્ડની તપાસણી કરવામાં આવે તે જરૂરી છે. હોસ્પિટલો દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પોના આયોજન થકી આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને અલગ તારવી તેવા દર્દીઓને હૃદય રોગની સર્જરી કરાવવાની સલાહ આપવાની મોડસ ઓપરેન્ડીને ભાંડાફોળ રાજ્યમાં થયો છે ત્યારે ખાનગી હોસ્પિટલ માટે કમાણીનું મોટું સાધન બની ગયેલ આયુષ્માન યોજના હેઠળ દર્દીઓને બિનજરૂરી સર્જરીની સારવાર આપી તેમના જીવન સાથે ચેડા થતા અટકાવવા તંત્ર સર્તક બને તે ઈચ્છનીય હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
..............
આયુષ્માન યોજના સંલગ્ન હોસ્પિટલોમાં મેડિકલ કેમ્પ પર રોક
ભુજ : ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના તબીબી સેવાઓના અધિક નિયામક દ્વારા પરિપત્ર બહાર પાડી આયુષ્માન પીએમજેએવાય યોજના સાથે સંલગ્ન હોસ્પિટલોમાં યોજાતા મેડિકલ કેમ્પ પર રોક લાદી દેવામાં આવી છે. તબીબ સેવા વિભાગે સ્પષ્ટ જણાવ્યું કે, પીએમજેએવાય અંતર્ગત યોજનાની માર્ગદર્શિકા મુજબ આ યોજના સાથે સંકળાયેલ હોસ્પિટલો દ્વારા થતા મેડિકલ કેમ્પને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું નથી અને આ યોજના સાથે સંલગ્ન હોસ્પિટલો દ્વારા મેડિકલ કેમ્પ કરવામાં આવશે તો તે હોસ્પિટલ વિરૂદ્ધ યોજનાની ગાઈડલાઈન અનુસાર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન યોજના સંલગ્ન તમામ હોસ્પિટલો દ્વારા કરવામાં આવતા મેડિકલ કેમ્પો પર રોક લગાવી દેવામાં આવી છે.

Comments