Trending News
સ્થાનિક સમાચાર

અલ્લાહબંધ ફોલ્ટ બન્યો સક્રિય : અવાર નવાર અનુભવાતા આંચકા ખતરારૂપ

15 November




તાજેતરમાં અનુભવાયેલા આંચકા પર કચ્છ યુનિવર્સિટીના ભૂ-વિજ્ઞાનીએ અભ્યાસ કર્યો : અવાર નવાર અલગ અલગ ફોલ્ટ પર અનુભવાતી ધ્રુજારીને લઈને આડેધડ કરાતા બાંધકામો પ્રત્યે વ્યક્ત કરી ચિંતા : ભૂકંપને ખતરાની ઘંટી સમજી ભૂકંપપ્રુફ બાંધકામ થાય તે દિશામાં કરવા જોઈએ પ્રયાસો 


ભુજ : ભૂકંપ ઝોન પાંચમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અવાર નવાર આંચકાઓ અનુભવાતા રહે છે. ગત ૫ાંચમી નવેમ્બર ૨૦૨૪ના રોજ લખપતથી ૫૩ કિલોમીટર દૂર ઉત્તર - પશ્ચિમમાં ૩.૪ની તીવ્રતાનો આંચકો અંકિત થયો હતો. જેને અર્થક્વીકની ભાષામાં સ્પોટ ટુ મોડલ કહેવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, જે ફોલ્ટલાઈન પર ભૂકંપનો આંચકો આવ્યો તે અલ્લાહબંધ ફોલ્ટ લાઈન છે. ૨૨૦ વર્ષ પહેલા ૧૮૧૯માં જે ફોલ્ટ લાઈન પર ભૂકંપ આવ્યો હતો તે ફોલ્ટલાઈન પર ફરી પાછો આંચકો નોંધાયો હતો. એટલે જ આ આંચકાનું મહત્વ છે. કચ્છ ફોલ્ટ લાઈનોમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન વધુ એક્ટિવ છે. તે જ રીતે આ અલ્લાહબંધ ફોલ્ટલાઈન પણ સક્રિય છે તેવું કહી શકાય કારણ કે આ જ ફોલ્ટલાઈન પર બીજીવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. વધુમાં ગૌરવ ચૌહાણે કહ્યું હતું કે, હાલ જે રીતે રણમાં ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે એ યાદ રાખવું જોઈએ કે આ એરીયા પણ ભૂકંપ ઝોન માટે એક્ટિવ છે. અહીં ૨૦૦થી વધુ વર્ષ પહેલા પણ આવી જ જાહોજલાલી હતી, આ એરિયામાં કસ્ટમ કલેક્શન સેન્ટર, મોટા મોટા કિલ્લા, લોખંડ - કોપરની ફેક્ટરીઓ હતી. ૧૬મી જુન ૧૮૧૯ના રોજ સાંજે પોણાં સાત કલાકે આવેલા ભૂકંપના કારણે એક જ મિનીટમાં નષ્ટ થઈ ગઈ હતી. એક જ મિનીટમાં ડેમોગ્રાફી બદલાઈ ગઈ હતી. ત્યારે ફરી પાછો એ જ ફોલ્ટ લાઈન પર બીજી વાર આંચકો નોંધાયો છે. જે લખપત નજીક આવેલી પાકિસ્તાન બોર્ડર પાસે પાકિસ્તાનમાં આંચકો આવ્યો હતો. આ એરિયાને પાછો એક્સપોઝ કરી રહ્યા છીએ. શ્રી ચૌહાણે ભુકંપ સંદર્ભે વધુ વિગતો આપતા જણાવેલ કે, વર્ષ ૨૦૦૧માં જે ભૂકંપ આવ્યો હતો તે પથ્થર ઉપર આવ્યો હતો જે ભચાઉની જમીન પર આવ્યો હતો. આ ભૂકંપમાં પથ્થરો ફુટ્યા, ઘર પડ્યા હતા, પરંતુ જો રણમાં ભૂકંપ આવે તો રણની સાથે કચ્છના કેટલાક વિસ્તારમાં પણ તેની અસર થઈ શકે. એક ભૂકંપના કારણે ૯૦ કિલોમીટર લાંબો, ૧૬ કિલોમીટર પહોળો અને ૬ મીટર રણની જમીન ઉપસી ગઈ હતી. તેની સામે જે સીંધડીનો તળાવ છે તે એક સમયમાં મોટો કિલો હતો. જેની ૧૦થી ૧૨ ફુટ જેટલી ઉંચી દિવાલો હતો. 
આ કિલો ભૂકંપના કારણે આખે આખો પાણીમાં આવી ગયો હતો. રણમાં ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે તેમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, જો વધારે ભૂકંપના આંચકા આવે તો તેને મોટી નુકશાની ન થઈ શકે. કચ્છનો આ વિસ્તાર ક્રિકની નજીક છે. માંડવી - લખપતનો દરિયા કિનારો છે તેની વેસ્ટમાં આ ફોલ્ટલાઈન એક્ટિવ છે. વર્ષ ૧૯૪૫ - ૫૦માં જે સુનામી આવી હતી. તેની અસર ખાવડાના રણ સુધી પહોંચી હતી. ભવિષ્યમાં કદાચ લખપત - નારાયણ સરોવર વેસ્ટમાં સુનામી આવે તેમજ ભૂકંપના કારણે એક્ટિવીટી થાય તો રણમાં થતા ડેવલોપમેન્ટને અસર કરી શકે. અલ્લાહબંધ ફોલ્ટમાં આવેલા ભૂકંપના આંચકાને એલાર્મ સમજીને ડેવલોપમેન્ટમાં આગળ વધવું જોઈએ. આપણને શીખવાની જરૂર છે કે, જે ડેવલોપમેન્ટ કરીએ એ અર્થક્વીક અને સુનામીપ્રૂફ થવું જોઈએ. તેમણે કહ્યું કે, મારા મત પ્રમાણે ક્રિક જમીનની અંદર મેક્સીમમ મેન્ગ્રુની પ્લાન્ટેશન કરવું જોઈએ. જેથી સુનામી આવે તો સુનામીના વેવની ગતિ ધીમી પડે. આપણને એ માનવું જોઈએ કે ૪૦-૫૦ વર્ષે મોટો ભૂકંપ 
આવે છે. કચ્છ યુનિવર્સિટીના ગૌરવ ચૌહાણે કહ્યું હતું કે, જે રીતે જાપાનમાં અવાર નવાર ભૂકંપ આવે છે ત્યારે ત્યાં કંઈ ખાસ નુકશાની થતી નથી. કારણ કે ત્યાંની ધરતી પર ભૂકંપપ્રૂફ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ત્યારે કચ્છમાં જે ડેવલોપમેન્ટ કરશું તે અર્થક્વીકને ધ્યાનમાં રાખીને કરશું તેવી સલાહ આપી હતી. અને કચ્છને સતર્ક રહેવાની જરૂર છે તેવું અંતમાં ઉમેર્યું હતું.

 

Comments

COMMENT / REPLY FROM