ભુજમાં જી.કે.ની સામે ફૂટપાથ પર ગાંજા સાથે બે યુવક ઝડપાયા
અવાર-નવારની ફરિયાદો બાદ થઈ કાર્યવાહી : ૯૯૬ ગ્રામ ગાંજો કબજે કરાયો : ગાંધીધામના કાર્ગોમાંથી માલ લીધો હોવાની કબૂલાત અપાઈ, કોને આપવાના હતા તે અકબંધ
ભુજ : શહેરમાં જી.કે. જનરલની આસપાસ માદક દ્રવ્ય વેચાતું હોવાની ફરિયાદ અવાર-નવાર સામે આવે છે. સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે એસઓજી વોચમાં હતી ત્યારે બાતમીના આધારે ગઈકાલે સાંજે ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ અંગેની વિગતો મુજબ જી.કે. જનરલ હોસ્પિટલની સામે ફુટપાથ પર ગાંજાના સાથે યુવક ઊભો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રઘુવંશીનગરમાં રહેતા પારસગર ઉર્ફે પારસ રમેશગર ગુંસાઈ અને લોટ્સ કોલોની વાલ્મિકીનગરમાં રહેતા વિજય રમેશ ટાંકને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીના કબજામાંથી દોઢ લાખની બૂલેટ અને ૯૯૬ ગાંજો કિંમત રૂા.૯,૯૬૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પુછપરછ કરતા કબૂલાત મળી કે, માલ પારસગર ગુંસાઈનો હતો. પકડાય નહીં તે માટે વિજયને ગાંજો સાચવવા માટે આપ્યો હતો. ગાંધીધામના કાર્ગો ખાતે રહેતા વ્યક્તિ પાસે ૧૦ હજારમાં માલ ખરીદ્યો હતો. જોકે, આ માલ કોને વેચાણથી આપવાના હતા તે કબૂલાત થઈ શકી નથી. હાલ બન્ને સામે ભુજ બી-ડિવિઝન પોલીસમાં એનડીપીએસની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ વી.વી.ભોલા, એએસઆઈ દિનેશભાઈ ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા, ગોપાલભાઈ ગઢવી, રજાકભાઈ સોતા, મહિપતસિંહ સોલંકી જોડાયા હતા.
..........
મુખ્ય આરોપી અગાઉ પણ બે વખત ડ્રગ્સમાં પકડાઈ ચૂક્યો છે
મુખ્ય આરોપી પારસગર ઉર્ફે પારસ રમેશગર ગુંસાઈ અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયેલ છે. તેની સામે ર૦ર૩ મા ડ્રગ્સ બાબતે બે ગુના બી-ડિવિઝન પોલીસમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રોહિબિશન, એમવીએક્ટની કલમ તળે પણ ગુના નોંધાયેલા છે. બી-ડિવિઝન પોલીસમાં તેની સામે પાંચ ગુના નોંધાયેલા છે.

Comments