ગઢશીશામાં બાઈક સ્લીપ થતા યુપીના યુવાનનો જીવ ગયો
નેત્રાથી મધ્યપ્રદેશ જતા પાટીદાર અગ્રણીનું અકસ્માતમાં મોત
ગાંધીધામ : જિલ્લામાં માર્ગ અકસ્માતની અલગ અલગ ત્રણ ઘટનાઓ સામે આવી છે. માંડવી તાલુકાના ગઢશીશાથી શેરડી જતા રોડ પર શેરડી નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. મુળ ઉત્તર પ્રદેશનો ર૦ વર્ષિય ગોલુસિંહ ઓમકારસિંહ ચૌહાણ નામનો યુવાન બાઈક લઈને જતો હતો. બાઈક ફુલ સ્પીડમાં હોતા સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જ્યારે અંજારમાં જીઆઈડીસી એપીએમસી માર્કેટ જતા રોડ પર અજાણ્યા વાહન ચાલકે જયંતીભાઈ હરીભાઈ બારોટની બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું. હતભાગી યુવાન વરસામેડીની કંપનીમાં દિવાળી બોનસ લેવા જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. દરમિયાન નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આયોજિત લક્ષ્મી નારાયણ મંદીરના અમૃત મહોત્સવમાં સહભાગી થવા આવેલા અને પરત જતા મૂળ ટોડિયાના હાલે મધ્યપ્રદેશના હરદામાં સોમીલ ચલાવતા સંદિપ પ્રેમજી દડગાનું અકસ્માતમાં મોત થયું હતું. નેત્રાથી કાર લઈને જતા હતા ત્યારે કથલાલ અને નડિયાદ વચ્ચે ગાડીમાં પંચર થતા ટાયર બદલતા હતા ત્યારે નડિયાદથી પુરપાટ આવતી બાઈકના ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. બનાવને પગલે સમાજમાં શોક ફેલાઈ ગયો છે. હતભાગી હરદા પાટીદાર સમાજના ઉપપ્રમુખ હતા.

Comments