કચ્છના સરકારી આરોગ્ય કેન્દ્રોનું ‘ચેકઅપ’ કરવા દિલ્હીથી આવશે ટીમ
સ્ટાફ ઘટની બિમારીગ્રસ્ત
૧૯થી ર૩મી નવેમ્બર દરમ્યાન કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની કોમન રિવ્યુ ટીમ કચ્છના સરકારી દવાખાના - હોસ્પિટલોનું કરશે નિરીક્ષણ : સ્થળ તપાસ સાથે આરોગ્ય સેવા અંગે સ્થાનિક લોકો પાસેથી મેળવશે પ્રતિભાવ
કચ્છના સરકારી આરોગ્ય માળખાની ઉણપો અંગે સમયાંતરે ઉઠતી રહે છે ફરિયાદ : તપાસ ટીમ આવશે ત્યારે કચાશ બહાર આવશે કે, તંત્ર દ્વારા ઢાંકપીછોડા કરી ‘સબ સલામત’નું ચિત્ર ઉભું કરાશે : જાગૃત નાગરિકોનો વેદ્યક સવાલ : લખપતમાં ભેદી તાવ વખતે પણ કેન્દ્રની ટીમે ધામા નાખ્યા હતા
ભુજ : ભૌગોલિક દ્રષ્ટિએ દેશના વિશાળ જિલ્લાઓની સૂચિમાં સમાવિષ્ટ સરહદી કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે વિરોધાભાસી પરિસ્થિતિ જોવા મળે છે. કચ્છના શહેરી વિસ્તારોમાં આરોગ્ય માળખુ ખુબ સુદ્રઢ બન્યું છે. જિલ્લાના પાટનગર ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર, માંડવી, મુંદરા વગેરે જેવા શહેરી વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી અને સંસ્થાઓની અનેક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો કચ્છવાસીઓને મહાનગરો જેવી જ અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ પુરી પાડે છે, તો બીજીતરફ કચ્છના ગ્રામ્ય અને અંતરિયાળ વાંઢ વિસ્તારોમાં લોકો સુધી હજુ પણ પુરતી પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પહોંચી નથી. દિવાળી પહેલા લખપત તાલુકામાં ભેદી તાવ વખતે કેન્દ્રની ટીમે ધામા નાખ્યા હતા. કેન્દ્રીય ટીમના આગમન પૂર્વે જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ - કર્મીઓની મહત્ત્વપૂર્ણ બેઠક પણ મળી હતી, જેમાં ટીમના આગમન પૂર્વે જરૂરી તૈયારીઓ અંગે પરામર્શ કરાયો હતો. જોકે, આ બેઠકમાં દૂર-દૂરથી આવેલા આરોગ્યકર્મીઓની ભોજન સહિતની વ્યવસ્થામાં કચાશ રહી ગઈ હોવાનો કચવાટ પણ ઉઠ્યો હતો.લોકોને સારી આરોગ્ય સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી સરકારની રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્ય કલ્યાણ માટે દર વર્ષે કરોડો ખર્ચ સાથે અનેકવિધ આરોગ્યલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચે તેવી જવાબદારી જિલ્લા આરોગ્ય તંત્રની રહે છે, પરંતુ કચ્છનું આરોગ્ય તંત્ર ખુદ સ્ટાફ ઘટની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યું છે. જેથી જિલ્લાના દુર્ગમ અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ લોકોને પ્રાથમિક સારવાર માટે શહેરોની વાટ પકડવાની ફરજ પડતી હોય છે. કચ્છ જિલ્લામાં આવેલા સામૂહિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં નિષ્ણાત તબીબો સહિતના સ્ટાફની મોટી ઘટ કાયમી ધોરણે નિવારી શકાઈ નથી. આવી સ્થિતિમાં કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા થયેલા પીએચસી - સીએચસી સેન્ટર પર દર્દીઓને પુરતી સારવાર ઉપલબ્ધ થઈ શકતી નથી. કચ્છના ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે ત્રુતીઓની ફરિયાદ સમયાંતરે ઉઠતી રહે છે, પરંતુ આ સમસ્યાઓનું કાયમી ધોરણે નિરાકરણ થયું નથી તેવામાં હવે આગામી સપ્તાહે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની ઉચ્ચ સ્તરીય ટીમ કચછની મુલાકાતે આવી રહી છે. ત્યારે કચ્છના આરોગ્ય ક્ષેત્રની ઉણપો બહાર આવશે કે, તંત્ર દ્વારા હંગામી ઢાંકપિછોડા કરી સબ સલામતનું ચિત્ર ઉભું કરાશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. દિલ્હીથી ૧૯મીએ આવી રહેલી કેન્દ્રીય ટીમ ર૩મી નવેમ્બર સુધી કચ્છ જિલ્લામાં રોકાશે. આ પ્રવાસ દરમ્યાન તપાસ ટીમ વિવિધ સહકારી હોસ્પિટલો, દવાખાનાઓ, સ્થાનિક લોકોની મુલાકાત લેશે. દિલ્હીની કોમન રિવ્યુ ટીમ સ્થાનિક લોકો પાસેથી ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અંગેનો અભિપ્રાય મેળવશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર આરોગ્ય સેવાના વિવિધ પ્રકલ્પો માટે દર વર્ષે કરોડોની ગ્રન્ટ ફાળવે છે. આ ગ્રાન્ટનો સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા કઈ રીતે ઉપયોગ કરાય છે અને લોકો સુધી તેનો કેટલો લાભ પહોંચે છે તેનું તપાસ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે વિવિધ સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. મફત ડાયાલિસીસથી માંડી નાના - મોટા ઓપરેશનો પણ સંસ્થાઓની હોસ્પિટલોમાં મફતમાં કરી આપવામાં આવે છે. જિલ્લાના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આવી હોસ્પિટલો આશિર્વાદરૂપ બની છે, તો બીજીતરફ સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્ર માત્ર સામાન્ય બિમારીઓના ઉપચાર માટે બન્યા હોય તેમ ગંભીર પ્રકારની બિમારી સમયે બિનઉપયોગી બની રહે છે. ગ્રામ્ય મહિલાઓને પ્રસુતિ માટે તથા કિડની સબંધી રોગના દર્દીઓ માટે આવા કેન્દ્રો પર પુરતી સુવિધાનો અભાવ હોવાથી નાછૂટકે દર્દીઓને ખાનગી કે, સંસ્થાઓનો હોસ્પિટલ પર જવાની ફરજ પડતી હોય છે. કેન્દ્રીય તપાસ ટીમ આવી રહી છે, ત્યારે કચ્છવાસીઓને હવે સ્ટાફ ઘટની બિમારીથી પીડાઈ રહેલા સરકારી આરોગ્ય કેન્દ્રના ‘ચેકઅપ’ બાદ હાલતમાં સુધાર થશે તેવો આશાવાદ બંધાયો છે. દિલ્હીની તપાસ ટીમ આવે ત્યારે તપાસ કઈ દિશામાં અને કેટલી તટસ્થતાથી થશે તે જોવું રહ્યું અન્યથા દિલ્હીની તપાસ ટીમનો રિપોર્ટ સરકારી ફાઈલોમાં અટવાયેલો રહી જશે અને કચ્છના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોની હાલત ઠેરની ઠેર જ રહી જશે.

Comments