સિનુગ્રામાં ઘરે થતી ગાંજાની ખેતી ઝડપાઈ
આરોપી ન મળ્યો પણ ઘરમાંથી ગાંજાના ૩૮ લીલા છોડ તથા પપ૧ ગ્રામ ગાંજો મળી પોણા બે લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ગાંધીધામ : અંજાર તાલુકાના સિનુગ્રા ગામે ઘરે ગાંજાના છોડ વાવ્યા હોવાની બાતમી આધારે એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપી ન મળ્યો પરંતુ ગાંજાના ૩૮ છોડ અને પપ૧ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ સિનુગ્રા ગામે આંબેડકર નગર તળાવની બાજુમાં આવેલા મકાનમાં આરોપી દેવડીયા નાકાના જાગરીયા ફળિયામાં રહેતા મહમદહાજી મહમદ હુસેન સૈયદે ગાંજાના છોડ વાવ્યા હોવાની બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પર જતા ફળિયામાં ગાંજાના છોડ વાવ્યા હતા. કુલ્લ ૩૮ છોડ હોવાનું સામે આવ્યું હતું. જેથી એફએસએલને તપાસ માટે બોલાવાઈ હતી. ટીમ દ્વારા નમુના લેવાતા આ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જેથી ગાંજાના ૩૮ છોડ, કુલ્લ વજન ૧પ.૭૦૦ કિલો કિંમત રૂા. ૧,પ૭,૦૦૦ તથા ૩૦૦ ગ્રામ માટી, તેમજ પપ૧ ગ્રામ ગાંજો કિંમત રૂા. પ૧૧૦, એક વજન કાંટો મળી ૧,૬૩,પ૧૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેડ દરમ્યાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. આરોપી દ્વારા ગાંજાનું છુટક વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. કેટલા સમયથી ગાંજાનો વેપલો થતો ? છોડ કયાંથી મેળવ્યા ?કોને માલ આપવામાં આવતો ? તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. હાલમાં આરોપી સામે અંજાર પોલીસમાં એનડીપીએસની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments