નવનિર્મિત રૂદ્રમાતા પુલને વહેલી તકે ખુલ્લો મૂકવા ઉઠી માંગ
કચ્છ રણોત્સવનો પ્રારંભ થતા ભુજ-ધોરડો માર્ગ પર પ્રવાસી વાહનોની અવરજવરમાં થયો વધારો : ખાવડાથી દોડતા નમક અને આરઈ પાર્કના મહાકાય વાહનોની સતત અવરજવરથી પ્રવાસી વાહનોને પડી રહી છે મુસીબત : નવા પુલનું કામ મહદઅંશે પૂર્ણ થયું હોઈ સત્વરે વાહનોની અવરજવર માટે પુલ ખુલ્લો મુકાય તેવી પ્રવાસી જનતાએ વ્યક્ત કરી લાગણી
ભુજ : દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલા કચ્છ રણોત્સવનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. કચ્છના પ્રવાસનને આગવી ઓળખ આપનાર કચ્છ રણોત્સવ વેળાએ દર વર્ષે લાખો સહેલાણીઓ ધોરડોના સફેદરણની મુલાકાત લેવા પહોંચતા હોય છે. દિવાળી વેકેશન બાદ ક્રિસમસ અને ન્યૂયર અને ઉત્તરાયણની રજાઓના દિવસોમાં પ્રવાસીઓ ખુબ ધસારો રહે છે. આ વર્ષે કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ટેન્ટસિટી ખુલ્લી મૂકાયા બાદ ૧ લી ડિસેમ્બરથી ક્રાફટ બજાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા મથક ભુજથી ધોરડોને જોડતા માર્ગ પર આવેલ રૂદ્રમાતાના નવનિર્મિત પુલને વહેલી તકે ખુલ્લો મૂકવામાં આવે તેવી લાગલાગણી પ્રવર્તી રહી છે. કચ્છના સૌથી મોટા રૂદ્રમાતા ડેમનો જુનો પુલ જર્જરિત થતા તેના સ્થાને નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા પુલનું કામ મહદઅંશે પૂર્ણ થયું છે અને હાલે ફાઈનલ ટચ-અપની કામગીરી ચાલી રહી છે. રણોત્સ્વનો પ્રારંભ થયા બાદ ભુજથી ધોરડો રોડ પર પ્રવાસી વાહનોની અવરજવરમાં ખુબ વધારો થયો છે. આ ઉપરાંત આ માર્ગ પરથી નમકના મોટા વાહનો, ખાવડા આરઈ પાર્કને મટેરીયલની આપૂર્તિ કરતા મોટા વાહનોનની પણ સતત અવરજવર રહેતી હોય છે. મોટા વાહનોનની ભારે અવરજવરના કારણે નાના પ્રવાસી વાહનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવનિર્મિત પુલ તૈયાર થઈ ગયો છે ત્યારે બાકી રહેતું નાનુ કામ સત્વરે આટોપી લઈ આ પુલને વાહનોની અવરજવર માટે ઝડપભેર ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ પ્રવાસી જનતામાંથી ઉઠી રહી છે. જિલ્લ્ના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્ર, એનએચએ, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત તંત્રો પ્રવાસીઓની સુવિધાને ધ્યાને લઈ વહેલી તકે નવનિર્મિત રૂદ્રમાતા પુલને ખુલ્લો મૂકવાની દિશામાં પ્રયાસો કરે તે તે ઈચ્છનીય છે.
....................
સી-પ્લેન સેવા કચ્છ સુધી લંબાવો
રણોત્સવની સમીપે રૂદ્રાણી ડેમમાં સી-પ્લેન એરપોર્ટ બને તો કચ્છ પ્રવાસનને થાય મોટો લાભ : ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ-ઈન્ડસ્ટ્રીઝ એન્ડ લો દ્વારા મુખ્ય મંત્રીને કરાઈ રજૂઆત
ભુજ : ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી બંધ પડી ગયેલી સી-પ્લેન સેવાને પુનઃ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હાલે સી-પ્લેનની સેવા માટે સાબરમતી રિવર ફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, શેતરૂંજી નંદી, લક્ષદીપ ટાપુ, દ્વારકાના શિવરાજપુર બીચ સહિત ૧૬ રૂટ પસંદ કરવામાં આવ્યા છે. ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ લોના પ્રમુખ રાજેન્દ્રભાઈ ટાંકે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી સી-પ્લેનની સેવાને કચ્છ લંબાવવા માંગ કરી છે.
શ્રી ટાંકે રજૂઆતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વીઝન થકી કચ્છ જિલ્લો રાજ્યના પ્રવાસન ક્ષેત્રે મહત્ત્વનો જિલ્લો બન્યો છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રે મહત્ત્વનો જિલ્લો બન્યો છે. દર વર્ષે દેશ-વિદેશના લાખો સહેલાણીઓ કચ્છની મુલાકાતે આવે છે ત્યારે સી-પ્લેન સેવાને કચ્છ સાથે સાંકળી લેવામાં આવે તો કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ મળી શકે છે. તેમણે સૂચન કરતા જણાવ્યું હતું કે, કચ્છના રૂદ્રમાતા ડેમમાં સી-પ્લેન લેન્ડ કરી શકાય તેમ છે. આ ડેમ ધોરડોના સફેદરણની તદન નજીક હોવાથી રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સુવિધા વધી શકે. આ ઉપરાંત રોટ ટુ હેવન માર્ગે થઈ પ્રવાસીઓ ધોળાવીરા સુધી જઈ શકે. કચ્છ પ્રવાસનને વેગ મળે તે માટે સી-પ્લેનની સેવા કચ્છ સુધી લંબાવવા અને નરેન્દ્રભાઈ મોદીના હૈયે કચ્છ વસેલું છે ત્યારે સત્વરે કચ્છને સી પ્લેનની ભેટ આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

Comments