Trending News
સ્થાનિક સમાચાર

બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે એવા પ્રસ્તાવિક સુધારાને ફોકિયાનો આવકાર

12 November


વારંવાર રાજ્ય સરકારમાં કરેલી ઠોસ રજુઆતનો આખરે પડઘો પડતા આનંદ

ભુજ : દેશના ગણ્યા ગાંઠયા રાજ્યો પૈકી ગુજરાતમાં ખેતીની જમીન ન ખરીદી શકે એવા જમાના જુના નિયમને તિલાંજલી આપીને હવે બિન ખેડૂતો પણ આવી જમીન ખરીદી શકશે એવા નોંધપાત્ર રિફોર્મ્સ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે તેને આવકાર આપીને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસટ્રીઝ એસોસિએશન (ફોકિયા)એ સરકારમાં શ્રેણીબદ્ધ રીતે કરવામાં આવેલી રજુઆતનો પડઘો પડ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં અને તેમાં પણ કચ્છ જેવા દેશના સૌથી મોટા રાજ્યમાં જમીનને લગતા કેટલાક જમાના જુના કાયદાઓને કારણે વિકાસની રફતારમાં અવરોધો પેદા થતા હતા. આ સમસ્યા જાણીને ફોકિયા દ્વારા તેને વારંવાર વાચા આપવામાં આવી હતી અને પત્ર વ્યવહાર તથા મિટીંગના માધ્યમથી સરકારના કાને આ વાત પહોચાડવામાં આવી હતી. તેના નિરાકરણ માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિ રચવામાં આવી હતી અને સમિતિએ પણ ખેતીની જમીનો બિન ખેડૂત ખરીદી શકે એવી ભલામણ કરી હોવાનું મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ જણાવીને રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ સંદર્ભે જાહેરાત કરશે એવું જણાવ્યું હતું. આવું થવાથી વિકાસની અમાપ શક્યતાઓ ધરાવતા આ જિલ્લામાં સોનાનો સુરજ ઉગી શકે એમ ફોકિયાના મેનેજિંગ ડાયરેકટર નિમિષ ફડકેએ જણાવ્યું હતું.
તેમના કહેવા મુજબ આ પ્રશ્નનો નિવેડો આવવાની આશા ઉભી થઇ છે તે વચ્ચે જમીનોને લગતા બીજા પણ કેટલાક મુદ્દાઓ હજી ઉભા જ છે તેનો પણ તાત્કાલિક નીવેડો આવે એ જરૂરી છે. એવી જ રીતે એનએ થયેલી જમીનમાં મર્જર કે ફેરફારના કિસ્સામાં લેવામાં આવતા ૧૦ ટકા પ્રીમીયમનું ખોટું અર્થઘટન સુધારવા, કંપનીથી કંપનીને થતા જમીન વેચાણ માટે રેવન્યુ કાયદામાં બદલાવ લાવવા, સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોય તેવા સંજોગોમાં કોર્ટના નિર્ણયને અરજદાર માન્ય રાખશે એવી શરત ઉમેરીને એનએ માટે પરવાનગી આપવા, પ્રતિબંધિત પ્રકારની જમીનોના કેસમાં સમાન પ્રકારની બીજી જમીન ખરીદીને માલિકને આપવા ઉપરાંત જંત્રી મુજબ વધારાનું વળતર ચુકવવાની જોગવાઈ દાખલ કરવા,  કલમ ૮૯ માટે ઓનલાઈનમાં સુધારો કરવા બાબત, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે કલમ ૮૯ની મુદત ગણવા અંગે માર્ગદર્શન આપવા અંગે, પ્રોજેક્ટ વચ્ચે આવતા સીમ માર્ગ, ગાડામાર્ગમાં ડાયવર્ઝન બાબતે, એનએ પરવાનગી પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે, કચ્છમાં હાલે જંત્રી ખુબ જ ઉંચી હોવાથી નજીકના ભવિષ્યમાં જંત્રીના દરોમાં કોઈ પણ ફેરફાર ન કરવા અંગે પણ અગાઉ ઉચ્ચ સ્તરે રજૂઆત કરાયેલી છે.
----

Comments

COMMENT / REPLY FROM