રાપરના રણ વન્યપ્રાણી અભયારણ્યમાં ગેરકાયદેસર ખનન પર સપાટો
વનવિભાગની ટીમે બાલાસર સમીપે પાટાવાડા વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા ર ઈસમો સહિત અંદાજીત ર૦ લાખનો મુદ્દામાલ કર્યો કબજે
રાપર : કચ્છના વાગડ વિસ્તારમાં ખનીજ તસ્કરોએ માજા મૂકી છે. કચ્છના રણ વન્યપ્રાણી અભયારણ્ય જેવા પ્રતિબંધિત વિસ્તારોમાં પણ ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનની પ્રવૃત્તિ ધમધમી રહી હોવાની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે ત્યારે પરિક્ષેત્ર વન અધિકારીની ટીમે બિન અધિકૃત ખનનની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કચ્છ પૂર્વ વન વિભાગ હેઠળની રાપર ઉત્તર રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ભાલાસર રાઉન્ડની વાટાવાડા-૧ બીટના કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં તા.૧૦/૧૧ ના સાંજે ચાલી રહેલ ગેરકાયદેસર બિન અધિકૃત ખનન પ્રવૃત્તિમાં સંકળાયેલા બે ઈસમો ઉપરાંત ડમ્પર નંગ ૧, લોડર નંગ ૧ સહિત કુલ અંદાજિત રૂા.૧૮થી ર૦ લાખના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ વનપાલ બાલાસર તેમજ રોજમદારોને સાથે રાખી કબજે લેવામાં આવ્યો હતો. આ ગુના કામે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments