ગાંધીધામમાં તલાટી તરીકે નોકરી આપવાનું કહી ૬પ હજાર પડાવી લેવાયા
આરોપીએ પોતે સરકારી રેવન્યુ વિભાગમાં કામ કરતો હોવાની આપી હતી ઓળખ
ગાંધીધામ : એકતરફ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુકત વહીવટની વાતો કરવામાં આવે છે. પચાસ વર્ષથી વધુની આયુના અને ખાતાકીય તપાસ ચાલુ હોય અથવા ભ્રષ્ટાચારના આક્ષેપો હોય તો ઓપરેશન ગંગાજળ હેઠળ આવા અધિકારીઓને નિવૃત કરવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર મુકત વહીવટના દાવાઓ વચ્ચે ગાંધીધામમાં તલાટી તરીકે નોકરી આપવાનું કહી ૬પ હજાર પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શહેરના મહેશ્વરી નગરમાં રહેતા કાનજીભાઈ નારાણભાઈ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી દિપકભાઈ પટેલે પોતાની સરકારી રેવન્યુ વિભાગના કર્મચારી તરીકેની ઓળખ આપી ફરિયાદીની દિકરી શારદાને ગુજરાત રાજય તલાટી કમમંત્રીમાં નોકરીએ લગાવી દેવાનું કહી વિશ્વાસ અને ભરોસો આપી અલગ અલગ સમયે ૬પ હજાર મેળવી લીધા હતા. બાદમાં નોકરીએ ન લગાવી આપી, વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે પૂર્વ કચ્છ એસપી દ્વારા તાજેતરમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં છેતરપિંડીનો ભોગ બનેલ લોકોને રજુઆત કરવા જણાવ્યું હતું. જેમાં આવેલી અરજીઓ બાદ એક બાદ એક ફરિયાદો દાખલ થઈ રહી છે.

Comments