ભચાઉમાં પાણીના ટાંકામાં ડૂબી જતા પાંચ વર્ષિય બાળાનું મોત
મુંદરામાં છુટાછેડાના કેસનું મનમાં લાગી આવતા યુવાનનો આપઘાત
ભુજ : જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા છે. જેમાં ભચાઉમાં પાણીના ટાંકામાં ડુબી જતા પાંચ વર્ષિય બાળાનું મોત થયું હતું. જયારે મુંદરામાં છુટાછેડાના કેસનુ મનમાં લાગી આવતા યુવાને આપઘાત કરી લીધો હતો.
આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભચાઉના વાદીનગર ખાતે આવેલા કારખાનામાં આ બનાવ બન્યો હતો. પાંચ વર્ષિય ધનીસા મુકેશભાઈ વસુનીયા રમતી હતી, એ દરમ્યાન અચાનક ખુલ્લા પાણીના ટાંકામં પડી જતા ડુબી જવાના કારણે તેમનું મોત થયું હતું. ગઈકાલે બપોરે ૧૧ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જેને પગલે પરિવારમાં અરેરાટી છવાઈ જવા પામી હતી. જયારે મુંદરાના અંબિકાનગરમાં રહેતા યુવાને ગઈકાલે બપોર બાદ પોતાના ઘરે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. હતભાગી ૩૪ વર્ષિય નિખિલ પરેશ જોશીએ ઘરે પંખામાં ચુંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો. મરણજનારનો તેની પત્નિ સાથે છુટાછેડાનો કેસ ચાલુમાં હતો, જેનું મનમાં લાગી આવતા પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુંદરા પોલીસે એડી દાખલ કરી બનાવ બાબતે તપાસ હાથ ધરી છે.

Comments