ભુજ સહિત રાજયમાં નવી ૧ર મહાપાલિકાની રચના થશે
અગાઉ ગાંધીધામ સહિત નવસારી, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણને મહાપાલિકાનો અપાઈ ચૂકયો છે દરજજો
હવે તેમાં ભરૂચ, ભુજ ઉપરાંત દ્વારીકા, ઓખા, લોથલ, ધોળાવીરા, વડનગર, અંબાજી, મોઢેરા, સોમનાથ વેરાવળ, સાણંદ, ઢોલેરા, નડીયાદ, બિલીમોરા અને વાપી આ વિસ્તારોને આવરી લઈને નવી મહાપાલિકાઓની રચના કરાશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વધતા જતા શહેરીકરણ અને તેની સમસ્યાઓમાં હજું પણ અમદાવાદ-સુરત-રાજકોટ સહિતના મહાનગરો તેની મ્યુનીસીપલ કોર્પોરેશન તરીકેની રચનામાં બે-ત્રણ દશકા બાદ પણ બહાર આવી શકયા નથી તે વચ્ચે રાજય સરકારે અગાઉ મોરબી-સુરેન્દ્રનગર સહિત છ મોટા શહેરોને મહાપાલિકાનો દરજજો આપવા માટે જાહેરાત કરી હતી.તેની પ્રક્રિયા હવે આગામી વસતિ ગણતરી બાદ શરૂ થશે તેમ માનવામાં આવે છે. જેના આધારે નવા સિમાંકન પણ અમલમાં આવશે. આ તમામ પ્રક્રિયા વચ્ચે હવે રાજય સરકાર ૧૨ નવી મહાપાલિકા બનાવવા તૈયારીમાં છે અને તેનું નોટીફીકેશન ટુંક સમયમાં બહાર પડી શકે છે. જેના કારણે હાલ આઠ મહાપાલિકાઓ છે જેના સ્થાને રાજયમાં મહાપાલિકાઓની સંખ્યા ૨૬ જેટલી થઈ જશે.આગામી વર્ષના અંતે જ હાલની આઠ મહાપાલિકાઓની ચૂંટણીઓ છે જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર એક સાથે ચૂંટણી યોજાશે. જૂનાગઢ મહાપાલિકાની ટર્મ પુરી થઈ છે પણ હાલ કોઈ સતાવાર જાહેરાત વગર જ ‘વહીવટદાર’ જેવું શાસન ચાલે છે અને આ ઉપરાંત અગાઉની જાહેરાત મુજબ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણને પણ મહાપાલિકાનો દરજજો આપીને તે અંગેની પ્રક્રિયા શરૂ થઈ છે. હવે તેમાં ભરૂચ, ભુજ ઉપરાંત દ્વારીકા, ઓખા, લોથલ, ધોળાવીરા, વડનગર, અંબાજી, મોઢેરા, સોમનાથ વેરાવળ, સાણંદ, ઢોલેરા, નડીયાદ, બિલીમોરા અને વાપી આ વિસ્તારોને આવરી લઈને નવી મહાપાલિકાઓની રચના કરાશે. આ ઉપરાંત હાલની ત્રણ મહાપાલિકાને પુરી રીતે સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાની પણ તૈયારી છે. ગુજરાતમાં જો વિકાસને નવા તબકકે લઈ જવાની તૈયારીમાં માળખાકીય સુવિધા ખૂબજ મહત્વની છે. શહેરીકરણની સમસ્યાઓ વધતી જાય છે અને ગ્રામીણ ક્ષેત્રમાંથી હિજરત પણ વધે છે. મોટા શહેરોની આસપાસના ગ્રામીણ ક્ષેત્રોમાં આડેધડ વિકાસ એ ભવિષ્યની નવી સમસ્યા બની શકે છે.
તેથી સ્માર્ટ સીટી મિશન હેઠળ આ મહાનગરોમાં પણ વિકાસને એક નવી દિશા આપવાનો પ્રયાસ છે. બાદ બીજા પાણી, ગટર, માર્ગો, વિજળી, આરોગ્ય જેવી પ્રાથમીક સુવિધાઓને પણ હવે એક આયોજીત રીતે ગ્રામીણ ક્ષેત્રમાં વિકસાવીને તે ભવિષ્યમાં મહાનગરોમાં ભળે તો આ સુવિધા મહત્વની બને તે જોવા માટે સરકારની તૈયારી છે.

Comments