ગાંધીધામ સંકુલમાં વાહનોની ચોરી કરતો સમીનો શખ્સ પકડાયો
ગાંધીધામ-આદિપુરમાં ચોરાયેલી ૬ બાઈકો કબજે કરાઈ
ગાંધીધામ : સંકુલમાં ખાસ કરીને નોકરિયાત વર્ગ બસ સ્ટેશનમાં પોતાના વાહનો પાર્ક બસમાં અપડાઉન કરતા હોય છે ત્યારે તસ્કરો બસ સ્ટેશનમાં પાર્ક થયેલા વાહનોની ચોરી કરતા હોઈ અલગ અલગ ફરિયાદો દાખલ થઈ હતી. દરમિયાન ગાંધીધામ બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બાઈક ચોરાઈ જતા બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસ આરોપીને શોધવામાં હતી ત્યારે ચોરાઉ બાઈક સાથે યુવકને ઝડપી લેવાયો હતો. જેની પુછપરછમાં તેણે આદિપુર અને ગાંધીધામના બસ સ્ટેશનમાંથી અન્ય પાંચ બાઈકો ચોરી હોવાની કબૂલાત આપી હતી. જેથી પાટણ જિલ્લાના સમી તાલુકાના મુજપુર ગામના હેતુભા મહોબ્બતસિંહ વાઘેલાને ઝડપી તેના કબજામાંથી અલગ અલગ છ બાઈકો કબજે કરવામાં આવી છે. તપાસ કરતા આરોપી સામે ગાંધીધામ બી-ડિવિઝન, આદિપુર અને ભરૂચ સી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

Comments