ગુગલ-પે એકાઉન્ટ બ્લોક થતા ચાલુ કરાવવામાં નાગલપરની મહિલાએ દોઢ લાખ ગુમાવ્યા
ઓનલાઈન ગુગલ-પે કસ્ટમર નંબર પર તપાસ કરતા સામાવાળાએ વોટ્સએપ ફોન કરી સ્ક્રીન શેર કરીને ખાતામાંથી રૂપિયા કાઢી લીધા
અંજાર : સાયબર ગઠીયાઓ અલગ અલગ બહાના બતાવી ઓનલાઈન છેતરપીંડી કરતા હોય છે ત્યારે અંજાર તાલુકાના નાની નાગલપરના મહિલાનું ગુગલ-પે એકાઉન્ટ બ્લોક થતા ચાલુ કરાવવા માટે સ્ક્રીન શેર કરાવી ખાતામાંથી દોઢ લાખ રૂપિયા કાઢી લેવાયા હતા. ફરિયાદી નાની નાગલપરમાં રહેતા હેમીકાબેન વિક્રમભાઈ ચોટારાએ જણાવ્યું કે, તેમનું ગુગલ-પે એકાઉન્ટ બ્લોક થતા અંજારની એચડીએફસી બેંકમાં ગયા હતા, જ્યાં બેન્ક દ્વારા એકાઉન્ટ ચાલુ કરાવવા માટે કસ્ટમર કેરમાં ફોન કરવા જણાવાયું હતું. ગુગલમાં કસ્ટમર કેરનું નંબર તપાસતા સામાવાળાએ હિન્દીમાં હું મારા અધિકારી સાથે વાત કરાવું છું. તેમ કહી ફોન કાપી નાખ્યો, બાદમાં સિનિયર અધિકારીને ફોન આપ્યો અને પોતે યુપીઆઈ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફરિયાદીએ વ્યથા જણાવતા સામાવાળાએ વોટ્સએપ ફોન કર્યો હતો અને સ્ક્રીન શેર કરાવી હતી. થોડીવારમાં ફોન કપાઈ ગયો અને એચડીએફસી બેંકના ત્રણ મેસેજ આવ્યા જેમાં ખાતામાંથી દોઢ લાખ રૂપિયા કપાઈ ગયા હતા. જે બાબતે તાત્કાલિક બેંન્ક ખાતુ બંધ કરાવી ૧૯૩૦ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી હતી. મો.૯૦૧૪૯ ૩પરર૪ ના ધારકે ફરિયાદીને ફોન કરી વોટ્સએપમાં સ્ક્રીન શેર કરાવી ખાતામાંથી દોઢ લાખ રૂપિયા કઢાવી લીધા હતા. જેથી અંજાર પોલીસમાં ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Comments