રોમાન્સ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘અજબ રાતની ગજબ વાત’ની સ્ટાર કાસ્ટ બની ગાંધીધામની મેહમાન
ભુજ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરસમાં કલાકારોએ હાજરી આપી ફિલ્મ વિશે આપી માહિતી
ગાંધીધામ : ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે. અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ડૉ. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ ઘણી જૂદા- જૂદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ અજબ રાતની ગજબ વાત લઈને આવી રહ્યા છે. ૧૫મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ રોમેન્ટિક, કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી આરોહી પટેલે કચ્છમાં ઉતરેલી પ્રેમજી રાઈસ ઓફ વોરિયર ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મમાં તેમને ઘણા બધા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ફિલ્મના પ્રોમોશન અર્થે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ તથા અભિનેતા દીપ વૈદ્ય ઉપરાંત દિર્ગ્દર્શક પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમાર ગાંધીધામના આંગણે આવ્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.આ ઉપરાંત ગાંધીધામમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શૉ પણ યોજાયો હતો.
ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દિર્ગદર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મના પ્રોજેક્ટ હેડ જૈમીલ શાહ છે. ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં યશ્વી મહેતા, દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ ભવ્ય ગાંધી, આરોહી પટેલ, દીપ વૈદ્ય, યશ્વી મહેતા, આરજે હર્ષ તથા આરજે રાધિકા આ તમામ લોકોની રોલર કોસ્ટર રાઇડ છે અને એક રાત્રિમાં માત્ર થોડા કલાકોમાં તેમના જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે તે દર્શાવે છે. ડૉ. જયેશ પાવરાએ જણાવ્યું હતું કે, એક પ્રોડ્યુસર તરીકે હંમેશા હું એ વિચારું છું કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને કેવો કન્ટેન્ટ પસંદ આવશે, એ નક્કી કર્યા બાદ જ અમે ફિલ્મનું નિર્માણ શરૂ કરીએ છીએ. અમારી આ ફિલ્મમાં રોમાન્સ, કોમેડી , ડ્રામા બધું જ છે તેથી આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ બની રહેશે. ફિલ્મ ૧૫મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ સૌ દર્શકમિત્રોને આકર્ષવા તૈયાર છે.બીજી તરફ ભુજના એનવાય સિનેમા ખાતે યોજોલ ફિલ્મના પ્રિમિયર શો પહેલા ફિલ્મના કલાકારો પત્રકાર મિત્રોને મળ્યા હતા, જેમાં કચ્છ ઉદય સાંધ્ય દૈનિક સાથે ભવ્ય ગાંધીએ વાત કરતા જણાવ્યું હતું કે, મારી પાંચમી ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેમાં મિત્રતાની સાથે પ્રેમની વાત પણ વણાયેલી છે. નાની સ્ક્રિનની સફળતા સાથે આપણે ગુજરાતીઓ ગુજરાતની ફિલ્મને પ્રોત્સાહન આપીએ. નાના પડદાથી મોટા પડદાની સફર પડકારરૂપ હોય છે, પરંતુ અભિનયમાં પ્રાણ પૂરી સારી ફિલ્મો નિર્માણમાં સહભાગી બનીએ છીએ. મુખ્ય અભિનેત્રી આરોહી પટેલે જણાવ્યું હતું કે, અમારો પરિવાર ફિલ્મ નિર્માણ દિગ્દર્શન ક્ષેત્ર સાથે જોડાયેલ રહ્યો છે. ગુજરાતી લોકોનો ખુબ પ્રેમ અને સરાહના મળવાથી સફળતા તરફ જઈ રહી છું. આ ફિલ્મમાં એક પોતાના વિચારને તુરંત અમલવારમાં મૂકનાર યુવતીનું પાત્ર ભજવું છું. સાથી કલાકાર દીપ વૈદ્યે જણાવ્યું કે, જીવનમાં અનેક પ્રકારના મિત્રો હોય છે. મિત્રો કઈ પરિસ્થિતિમાં કેમ ઉપયોગી બને તે ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક પ્રેમ ગઢવીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ મનોરંજન ફિલ્મ છે. પાત્રોને ન્યાય આપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. તેમની સાથે સંજય જગેશીયા, કિલ્લોલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આમ ગુજરાતી ફિલ્મો ફરી લોકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ થઈ રહી છે ત્યારે અજબ રાતની ગજબ વાત સંપૂર્ણ મનોરંજનથી ભરપુર ફિલ્મ ગુજરાતીઓને ફરી સિનેમા તરફ વાળશે.
--------

Comments