સતાપર ગોવર્ધન પર્વતની શુભેચ્છા મુલાકાત લેતા પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા
અંજાર : ચાંદ્રાણી મુકામે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત કથાના વ્યાસપીઠ ઉપર બિરાજમાન પ્રસિદ્ધ કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા કે જેમને ભાઈશ્રીના નામથી સંબોધવામાં આવે છે તેમણે સતાપર નજીક આવેલા પવિત્ર યાત્રાધામ તથા પ્રવાસન ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા સચ્ચિદાનંદ સંપ્રદાયના આસ્થાના પ્રતિક સમાન ગોવર્ધન પર્વતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગોવર્ધન પર્વતમાં હજારો વૃક્ષોને લહેરાતા જોઈ નંદનવન સમાન હરિયાળી તથા ગોકુળ - મથુરા પાસે આવેલા ગોવર્ધન પર્વતની આબેહૂબ પ્રતિકૃતિ સમાન અને ગોવર્ધનની માટી લાવીને બનાવેલા અદ્દભૂત ગોવર્ધનની પરિક્રમા કરતા પૂજ્ય ભાઈશ્રીએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. ગોવર્ધન પર્વતની અંદર આવેલા તીર્થધામોના દર્શન કર્યા બાદ ત્રિકમદાસજી મહારાજ સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં ગોવર્ધન પર્વતમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ, ગૌશાળા, નંદીશાળા તથા હજારો વૃક્ષોની માવજત કરી પર્યાવરણ જાળવણી તથા છોડમાં રહેલ રણછોડરાયની પૂજા કરી પ્રકૃતિ પ્રેમ સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિને વેગ આપવામાં આવે છે, જે બાબતે જાણકારી અપાઈ હતી અને દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિતના દેશના પ્રતિષ્ઠીત લોકો આ પર્વતની મુલાકાત કરી ગયા હોવાનું તેમજ હાલમાં રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આ પવિત્ર યાત્રાધામ માટે ૧૯ કરોડ જેટલી માતબર રકમ ફાળવાઈ હોઈ ભવિષ્યમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે ગોવર્ધન પર્વત સમગ્ર ભારત વર્ષમાં મોખરાનું સ્થાન મેળવશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.પૂજ્ય ભાઈશ્રી દ્વારા પણ પોતે આ સ્થળે આવ્યા ત્યારથી ગોવર્ધન પર્વત વૃંદાવનમાં પરિક્રમા કરતા હોય તેવો ભાવ હૃદયમાં પ્રગટ થઈ રહેલ છે. વૃક્ષોની, ગાયોની તથા નંદીઓની સેવા જે રીતે ત્રિકમદાસજી મહારાજ કરી રહ્યા છે તે સનાતન હિન્દુ ધર્મની ખૂબ મોટી સેવા હોઈ ત્રિમદાસજીને ધર્મની જ્યોત સતત જલતી રાખવા આહ્વાન કર્યું હતું. સચ્ચિદાનંદ સંપ્રદાયના વર્તમાન મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા ગોવર્ધન પર્વતની મુલાકાતે પધારેલા પૂજ્ય ભાઈશ્રીને મોમેન્ટો આપી, પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાળીને સન્માન કરાયું હતું. તેમની આ મુલાકાત સમયે કથા આયોજન સમિતિના અધ્યક્ષ અરજણભાઈ સધાભાઈ કાનગડ, શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળના અધ્યક્ષ નારાણ સામત બકુત્રા, કિરણભાઈ નારાણભાઈ બકુત્રા, અર્જુનભાઈ નારાણભાઈ બકુત્રા, ગોપાલભાઈ કાનજીભાઈ માતા, મહાદેવભાઈ બતા, કાનજીભાઈ કારાભાઈ માતા, મેહુલભાઈ ઠક્કર, હમીરભાઈ માતા, શામજીભાઈ માતા, હરિભાઈ કેરાશિયા, સામતભાઈ ડાંગર, રાજેશભાઈ માતા સહિતના ગોવર્ધન પર્વતના સ્વયંસેવકો હાજર રહ્યા હતા.
----

Comments