મચ્છુનગરમાં થયેલી ૬.૬૪ લાખની ચોરીમાં આરોપી ઝડપાયો
ખારીરોહરના શખ્સને ઝડપી મુદ્દામાલ રિકવર કરાયો’
ગાંધીધામ : તાલુકાના ખારીરોહરમાં આવેલ મચ્છુનગરમાં હનુમાન ડેરીની બાજુમાં રહેતા પરિવારના બંધ મકાનના તાળા તોડી ૬.૬૪ લાખના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. જે ગુનામાં આરોપીને ઝડપી લેવાયો છે.
બી ડિવિઝન પોલીસના જણાવ્યાા પ્રમાણે રૈયાભાઈ વિશાભાઈ ભરવાડના બંધ મકાનનો લાકડાનો દરવાજો નીચેથી તોડી લોખંડના કબાટમાં રાખેલ ૩.પ૦ લાખનો સોનાનો હાર, એક લાખની ચેઈન, ૧.૭૩ લાખની બીજી ચેઈન, ૧પ હજારની વીંટી, ૧ હજારના ચાંદીના કડલા તેમજ મોટાભાઈ પોલાભાઈના મકાનનું તાળુ તોડી તિજોરીમાંથી રપ હજારની સોનાનો કુકરવો તસ્કરો ચોરી ગયા હતા. જેના આધારે આરોપીને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસે આ ગુનામાં ખારીરોહરમાં રહેતા યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિંગામણાની ધરપકડ કરી છે. તેના કબજામાંથી દાગીના રિકવર કરવામાં આવ્યા છે. યુનુસ સામે અગાઉ ઘરફોડ ચોરી અને મારામારીના ગુના દાખલ થઈ ચુકયા છે. આરોપીને ગામમાંથી ઝડપી પોલીસે ગણતરીના સમયમાં સો ટકા મુદ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Comments