Trending News
ક્રાઈમ

ચિત્રોડ વિસ્તારમાં થયેલ મંદિર ચોરીના બનાવ સ્થળની પોલીસવડાએ લીધી મુલાકાત 

08 November




રાપર : તાલુકાના ચિત્રોડ અને આસપાસના વિસ્તારમાં ૮થી ૯ મંદિરનાં તાળાં તૂટતાં  શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી. મંદિરોમાંથી આભૂષણો, રોકડની ચોરી થઈ હતી. ત્યારે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, ગાગોદર ઇન્ચાર્જ પીઆઇ જે.એમ. વાળા સહિત અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ વડાએ સ્થાનિક પોલીસને વિવિધ સુચના આપી હતી. ચિત્રોડ, જેઠાસરી સહિત આસપાસના વિસ્તારમાં સામૂહિક ચોરીના બનાવમાં તાત્કાલીક ટીમો બનાવી ભેદ ઉકેલવા માટે સુચના આપી હતી.ગાગોદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ચિત્રોડ ગામે સાત થી આઠ જેટલા અલગ અલગ દેવ મંદિરોમાં ચોરીની ઘટના બની છે. જેમાં આઈ દેવ માં નું મંદિર, જેઠા શ્રી ગોગા મહારાજ, મોમાય માતાજી મંદિર, વાળંદ સમાજનું મંદિર, પ્રજાપતિ સમાજનું મંદિર, પટ્ટણી સમાજનું મંદિર, રાજપૂત સમાજનું મંદિર અને કોલી સમાજના મંદિરનો સમાવેશ થાય છે. દરમ્યાન ચિત્રોડમાં રહેતા વસંતભાઈ ગોકળભાઈ પ્રજાપતિએ આ બાબતે ગાગોદર પોલીસમાં ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, કોઈ અજાણ્યા ઈસમોએ ચિત્રોડ અને જેઠાસરી ગામે અલગ અલગ મંદિરોમાં દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા, સાંઢણી, છતર, રામરામી, કુકડો, મુગટ, ત્રિશુલ મળી ૮૧ હજારના દાગીના અને દાનપેટીમાં રહેલા અંદાજે રૂા. ૧૬ હજાર મળી કુલ્લ ૯૭ હજારની મતાની ચોરી કરી ધાર્મિક લાગણી દુભાવી હતી. જેથી ગાગોદર ઈન્ચાર્જ પીઆઈ જે. એમ. વાળાએ તપાસ હાથ ધરી છે. પોલીસે સી.સી.ટી.વી. કેમેરા તપાસવા સહિતની આગળની તપાસ હાથ ધરી હતી.
શિયાળાની શરૂઆત થતાં જ પૂર્વ કચ્છમાં મોટાભાગે તસ્કરો સક્રિય થયા છે. ચોરી કે લૂંટના બનાવોને અંજામ આપતા થયા છે. ત્યારે પોલીસ પોતાનું પેટ્રોલિંગ વધારે તે પહેલાં નિશાચરોએ સામૂહિક ચોરીના બનાવને અંજામ આપીને પોતાની હાજરી પૂરાવી છે. પૂર્વ કચ્છમાં અગાઉ થયેલી અનેક મંદિરચોરીના બનાવોનો ભેદ ઉકેલ લાવવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ત્યારે ચિત્રોડ અને આસપાસના વિસ્તારમાં નવ મંદિરોમા ચોરીના બનાવ બન્યો હતો. ત્યારે આજે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર ઘટના સ્થળ પર પહોંચી પોલીસને જરૂરી સુચનો કર્યા હતા. ચોરીના બનાવને અંજામ આપનાર ગેંગ સામે તાત્કાલિક પગલાં લેવા ચક્રો ગતિમાન કરવા માટે સુચના આપી હતી. વાગડ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ કડક બનાવવા માટે સુચના આપી હતી.
-------

Comments

COMMENT / REPLY FROM