Trending News
સ્થાનિક સમાચાર

રસાયણીક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી જમીન થાય છે નબળી

07 November




ભુજ : સ્વામિનારાયણ મંદિર પ્રેરિત ગાય આધારિત ખેતી અભિયાન કચ્છને સાતત્ય સાથેનું ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે અભિયાન સાથે જોડાયેલા ખેડૂતોને સતત નવું માર્ગદર્શન મળતું રહે તેના ભાગરૂપે રાઘવનજીનો પાંચ દિવસીય પ્રવાસ યોજાઈ હતું. રાઘવનજીએ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક મેઘજીભાઈ હીરાણીના આગ્રહથી કચ્છમાં ફરી એકવાર તેમનો પ્રવાસ યોજાયો ત્યારે પ્રારંભે ખેડુતોની નમુનારૂપ વાડીએ પ્રેરણા પ્રવાસના આયોજનમાં વર્ષોથી રસાયણીક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી સાવ નબળી અને સખત બની ગયેલી જમીન અને પિયત માટેનાં સાવ નબળાં પાણીમાં પણ નિયમિત ગોબર ગેસમાં બનેલ દેશી ગોવંશના ગોબરની રબડી અને કંપોષ્ટ ખાતરના ભરપૂર વપરાશથી  વરસાદી પાણી પકડી રાખવા ઉપરાંત ખેતી માટે અતિ જરૂરી એવાં અળસિયા અને બેક્ટેરિયા ને આકર્ષવાની જબરી તાકાત સાથે માત્ર છ મહિનામાં જમીન કેવી રીતે ફળદ્રુપ અને પોચી થાય છે. ઘડાણી ગામના ખેડૂત સુરેશભાઈ પોકારે જણાવ્યું કે દોઢ વર્ષ અગાઉ પોતાની વાડીની જમીનમાં કરેલ ખાડા ખોદવાના પ્રયોગનાં અત્યારે મગફળી સહિત દરેક પાકમાં ખુબ ઓછા ખર્ચે જે અદભુત પરિણામો મળી રહ્યાં છે. સામત્રાના લક્ષ્મણભાઈ વરસાણી જણાવ્યું હતું કે, માત્ર ગાયને આધાર બનાવીને ખેતી ચાલુ કરી તો ભરપૂર યુરિયા ડીએપી વાપરતા આજુબાજુના ખેડૂતો મજાક કરતા હતા પણ આજે પરિણામ જોઈને હવે બધા આ પદ્ધતિ સ્વિકારવા વિચારતા થયા હોવાનું જણાવ્યું હતું. ભુજ મંદિરના નેજા હેઠળ અને પૂ. મહંત સ્વામીના આશીર્વાદથી આ સમગ્ર અભિયાન ચાલતું હોઈ મંદિરના મુખ્ય સભાખંડમાં આયોજિત એક દિવસીય ખેડૂત મિલનમાં અભિયાન સાથે જોડાયેલા ખેડૂતોને આશીર્વાદ આપવા પૂ. મહંત સ. ગુ. સ્વામી ધર્મનંદનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, કોઠારી સ્વામી શાંતિસ્વરૂપદાસજી, સ. ગુ. સ્વામી વિશ્વવલ્લભદાસજી, સ્વામી અક્ષરપ્રિયદાસજી, સ્વામી શ્યામચરણદાસજી સહિતના સંતો, ટ્રસ્ટી કોઠારી મુરજીભાઈ શીયાણી, મુખ્ય સમિતિના પરબતભાઈ ગોરસીયા, મેઘજીભાઈ હીરાણી સહિતના સક્રિય સદસ્યો અને પ્રવાસી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાઘવનજીએ ગાય આધારિત ખેતી વિષયે ખેડુતોને મુંઝવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ કરવા સાથેનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું. શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજીના નેતૃત્વમાં ચાલતાં આ અભિયાનની સંપૂર્ણ ગતિવિધિથી અતિ પ્રસન્ન જણાતા પૂ. મહંત સ્વામીએ ખેડુતોને આશીર્વાદ આપતાં જણાવેલ કે ગાય માતાના માધ્યમથી ધરતીમાતાને ઝેર મુક્ત કરી શુદ્ધ સાત્વિક રીતે પાકેલ અનાજથી સમગ્ર સમાજની નિરોગીતા માટે ચાલતાં આ અતિ મહત્વના પવિત્ર કાર્યમાં શ્રીનરનારાયણદેવની કૃપા આપણી સાથે જ છે તેથી નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે આ કાર્યમાં આગળ વધવા જે પણ આવશ્યકતાઓ હશે તેમાં ભુજ મંદિરનું સમગ્ર ટ્રસ્ટી મંડળ તમારી સાથે હોવાની પ્રોત્સાહક બાંહેધરી આપી હતી. જાદવજી ભગત અને કોઠારી મુરજીભાઈ પણ મહંત સ્વામીની વાતમાં સુર પુરાવતાં મુખ્ય સમિતિ અને સૌ ખેડૂતોને આ વિષયે વધુ ગતિ સાથે કાર્ય કરવા આહવાન કર્યું હતું. અભિયાનને માર્ગદર્શન કરતા મુખ્ય સમિતિના સંતો અને સૌ કાર્યકર્તાઓને પણ ખુબ જ ઉપયોગી સાબિત થયો હતો તેવું અભિયાનના સંકલનકર્તા રામજી વેલાણીની યાદીમાં જણાવાયું છે.
---------

Comments

COMMENT / REPLY FROM