Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં કસ્ટમ્સે ગારનેટનો ૪૦ કરોડનો જથ્થો ઝડપ્યો

07 November


ગાંધીધામ :  કચ્છમાં ગારનેટના પાંચ કન્ટેનર SIB  ઝડપ્યા છે. કસ્ટમ્સની SIB  શાખાએ ગારનેટના પાંચ કન્ટેનર ઝડપ્યા છે. આ કન્ટેનર રાજસ્થાનથી દુબઈ મોકલવાનું આયોજન હતું. કચ્છમાં કસ્ટમ્સ વિભાગે લગભગ ૧૪૦ ટન જેટલો કાર્ગો ઝડપ્યો છે.ગાર્નેટને બેન્ટોનાઇટ જાહેર કરીને આ જથ્થો મોકલવામાં આવતો હતો. કસ્ટમ્સ વિભાગે અંદાજે ૪૦ કરોડનો જથ્થો કબ્જે કર્યો છે. કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે ઘણા ગઠિયાઓ નિકાસની રાહતનો ફાયદો ઉઠાવવા માટે ડમી કંપનીઓ બનાવીને સરકારે વર્ગીકૃત કરેલી પ્રોડક્ટ્‌સની નિકાસ બતાવે છે, પરંતુ તે વાસ્તવમાં બીજો જ જથ્થો મોકલતા હોય છે જે સરકારની યાદીમાં હોતો નથી. મુખ્યત્વે તેઓએ બહાર મોકલેલી વસ્તુ પરનો વેરો ઊંચો હોય છે, પરંતુ તેઓ તેને જકાતમુક્ત પ્રોડક્ટ તરીકે દર્શાવે છે.આ રીતે તેઓ એક રીતે નિકાસ જકાત બચાવે છે. આને એક પ્રકારની દાણચોરી જ કહી શકાય. કચ્છમાં આ પ્રકારે દાણચોરી પકડાતા કસ્ટમ્સ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. તેના પગલે કચ્છમાં હવે નિકાસ માટે આવતા કસ્ટમ્સના તમામ શિપમેન્ટની ચકાસણી કરવાની સંભાવના પણ વિભાગ નકારી કાઢતું નથી.કસ્ટમ્સ વિભાગ આ નવા પ્રકારની હરકતના પગલે સાબદુ બની ગયું છે. તેઓએ હવે નિકાસ માટે આવતા મોટા અને મધ્યમ પ્રકારના કન્સાઇનમેન્ટની રેન્ડમલી નહીં પણ નિયમિત રીતે ચકાસણી આગામી સમયમાં કરવા વિચારી રહ્યુ છે. કસ્ટમ્સ વિભાગનું કહેવું છે કે આમ કરનારી કંપનીને જંગી પેનલ્ટી પણ લાગશે અને તેની સામે કસ્ટમ્સ એક્ટ 
ઉપરાંત ફોજદારી કાયદા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ જો કે હજી સુધી આ પ્રકારના પ્રોડક્ટ મોકલનારી કંપનીનું નામ જણાવ્યું નથી. આમ છતાં જણાવ્યું છે કે આ કેસની તપાસ શરૂ કરી દેવાઈ છે અને આ તપાસમાં આગળ જતાં મોટો ફણગો ફૂટે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. એકાદ આવા ઠગના પગલે બીજા નિકાસકારોએ હવે કસ્ટમ્સની હેરાનગતિનો સામનો કરવાનો આવી શકે છે.

.............



આ ખનિજ બોકસાઈટ હોવાની ચર્ચા ગરમાઈ

મુંદરા પોર્ટ પર કસ્ટમ દ્વારા જે પાંચ કન્ટેનર સીઝ કરાયા છે, તેમાં ૧૪૦ ટન પ્રતિબંધિત લાલરેતીની નિકાસ થવાની હતી. જેની કિંમત રૂા. પ૦ કરોડ આંકવામાં આવી છે. આ રેતીની ચીનના ઉદ્યોગમાં ભારે માંગ હોય છે. કન્ટેનરમાં બેન્ટોનાઈટનો પાવડર હોવાનું જાહેર કરી ગેરકાયદે લાલ રેતીની નિકાસ કરવામાં આવતી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ખરેખર લાલરેતી બોકસાઈટ હોવાની ચર્ચા ગરમાઈ છે, પરંતુ ખનિજનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. જોવાનું એ છે કે આ ખનિજ ક્યાંથી ખનન કરવામાં આવી છે. ત્યાં સ્થાનિક તંત્રની શું ભૂમિકા રહે છે તે તપાસનો વિષય રહેશે. આમ તો કચ્છ સહિત રાજ્યમાં બોકસાઈટ ખનન પર લાગેલો પ્રતિબંધ સરકારે હટાવી લીધો છે પરંતુ હજુ સુધી જીએમડીસી સિવાય કચ્છમાં અન્ય કોઈ ખાનગી પક્ષકારને બોકસાઈટની લીઝ મળવા પામી નથી. જેથી ગેરકાયદે માલ ઉસેળવામાં આવતો હોય છે. આ દિશામાં તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

Comments

COMMENT / REPLY FROM