સયાજીનગરીમાં અનરિઝર્વ્ડ પૅસેન્જરો સામે પગલાં લેવાને બદલે રેલવે પોલીસે હાથ ખંખેર્યા
દિવાલી હૈ, યે સબ ચલતા રહતા હૈ, હમ કુછ ભી નહીં કર સકતે
ભુજથી મુંબઈ જતી વખતે રીઝર્વ કોચમાં સુરતથી ૧૦૦ જેટલા પાસ ધારકો ચડી જતા ડખ્ખો સર્જાયો : રેલમંત્રીને ફરિયાદ કરાયા બાદ પણ પગલાં ન લેવાયા
ભુજ : રેલવેમાં અનરિઝર્વ્ડ પૅસેન્જરો રિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરે એ ગેરકાયદે છે અને રેલવેના કાયદા પ્રમાણે આવા પૅસેન્જરો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. જોકે ગઈ કાલે ભુજથી મુંબઈ આવી રહેલા સયાજીનગરી એક્સપ્રેસના પૅસેન્જરોને રેલવે પોલીસનો કડવો અનુભવ થયો હતો, જેમાં રેલવે પોલીસે સયાજીનગરી એક્સપ્રેસના એસ-વન કોચમાં સુરત સ્ટેશનથી ઘૂસી આવેલા અનરિઝર્વ્ડ પૅસેન્જરો પર ઍક્શન લેવાને બદલે ‘દિવાલી હૈ, યે સબ ચલતા રહતા હૈ, હમ કુછ નહીં કર સકતે’ કહીને પૅસેન્જરોને ઝટકો આપ્યો હતો. પોલીસના આ રવૈયાથી રિઝર્વ્ડ કોચના પૅસેન્જરો નારાજ થઈ ગયા હતા.ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વિજય મોરબિયાએ કહ્યું હતું કે ‘અમે મંગળવારે ભુજથી મુંબઈ સયાજીનગરી એક્સપ્રેસમાં આવી રહ્યા હતા. ટ્રેન સુરત પહોંચતાં જ ૧૦૦ જેટલા લોકો તેમની પાસે રિઝર્વેશન ટિકિટ ન હોવા છતાં અમારા કોચમાં ઘૂસી આવ્યા હતા. મેં તરત જ રેલવે મંત્રાલય અને રેલવે મિનિસ્ટર સુધી ત્રણથી ચાર વાર ટ્વીટ કરીને આ બાબતની ફરિયાદ કરી હતી. આ લોકોએ આખા કોચને બ્લૉક કરી દીધો હતો જેને કારણે બાળકો કે મહિલાઓ સુરતથી બીલીમોરા સ્ટેશન સુધી વૉશરૂમમાં પણ જઈ શકતાં નહોતાં. નવસારીમાં રેલવેના એક-બે કર્મચારીઓએ તેઓ જે લોકો પાસે રિઝર્વેશનની ટિકિટ નહોતી તેને ઉતારવાનું નાટક કર્યું હતું, પણ જેવી ટ્રેન શરૂ થઈ કે તરત જ રેલવે- પોલીસે એ લોકોને કહ્યું કે ‘ચડ જાઓ વાપસ.’ પોલીસનું આ વર્તન શૉકિંગ હતું એટલે મેં તરત જ ફરીથી રેલવે પ્રશાસનના સંબંધિત વિભાગમાં ફરિયાદ કરી હતી.

Comments