પાલારા જેલમાંથી પેરોલ જમ્પ કરનાર નકલી કલેકટર ઝડપાયો
અઢી વર્ષથી ફરાર શખ્સને ભોપાલથી ઝડપી લીધા બાદ ફરી પાલારા જેલમાં જ મુકાયો : મોરબીમાં પોતે આઈએએસ હોવાનું કહી ૧૩.૮૦ કરોડની આચરી હતી છેતરપિંડી
ગાંધીધામ : મોરબીમાં ૪ વર્ષ પહેલા એક શખ્સેે પોતે આઈએએસની પરીક્ષા પાસ કરી કલેકટર માટે સિલેક્ટ થયા હોવાનો દાવો કરી મોરબીમાં અલગ અલગ લોકો પાસેથી ૧૩.૮૦ કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હતી. જે આરોપી ભુજ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયાના અઢી વર્ષ બાદ ફરી પોલીસની ઝપટે ચડયો છે. જેને ફરી એકવાર ભુજ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ આરોપીએ એક શખ્સને બેંકનો નકલી અધિકારી પણ બનાવી દીધો હતો અનેે લોકો સમક્ષ રજૂ કરી અન્યોનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં પોલ છતી થઇ જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો, તેમ છતાં કળા ભૂલાઇ ન હતી અને પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.વર્ષ ૨૦૧૯માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આરોપી વસંત કેશવજી ભોજવિયા પોતે આઇએએસ બની અને કલેકટર હોવાનો દાવો કરી રૂપિયાની જરૂર હોવાથી ફરિયાદી પાસેથી કટકે કટકે ૧૩.૮૦ કરોડ જેટલી માતબર રકમ લઇ લીધી હતી. તેમજ અન્ય એક આરોપી સાથે મળી તેને નકલી બેંક અધિકારી બતાવી નકલી ડીડી બનાવી છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે જેતે સમયે આરોપીને જેલ હવાલે કર્યો હતો. જે બાદ આરોપીને ભુજ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ત્યાંથી તેને થોડા સમય માટે પેરોલ પર મુક્ત કરાયા બાદ હાજર થવાને બદલે તે નાસી ગયો હતો. જો કે કોર્ટે ૨૩-૦૩-૨૦૨૨ના રોજ હાજર થવા હુકમ કર્યો હોવા છતાં ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસે વસંતને એમપીના ભોપાલ સિટીમાંથી ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરતા કોર્ટના આદેશથી ફરી ભુજની ખાસ પાલારા જેલમાં ધકેલી દેવાયો છે.

Comments