ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવા બેંક ખાતા ભાડે આપવાના કૌભાંડમાં હતી સંડોવણી
દુબઈ ભાગી ગયેલા આદીપુરના રાજ ધનવાણીની મુંબઈ એરપોર્ટથી ધરપકડ
ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે ટ્રાન્ઝીટ વોરંટના આધારે કબજો મેળવી કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા : ઓનલાઈન કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાના અંદાજે ત્રણ મહિના પૂર્વેના બે ગુનામાં રાજની હતી મુખ્ય સંડોવણી : નાણાં કયાંથી આવતા તે દિશામાં હાથ ધરાઈ તપાસ
દીપાવલીના તહેવારો સમયે જ ફરાર રાજની ધરપકડ પાછળનું રહસ્ય શું? : દબોચાયો છે કે પછી સામેથી ગોઠવણીઓ સાથે રજુ કરાયો છે? ગોઠવણીઓ થઈ તો કોણે કરી? : ચર્ચાતા સવાલો
ગાંધીધામ : ખાતાધારકની જાણ બહાર તેનું ખાતું બારોબાર ત્રીજા પક્ષકારને વેચી તેમાં કરોડો રૂપિયાની નાણાની હેરફેર કરવાના આયોજનબદ્ધ કૌભાંડનો પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ગત ઓગસ્ટ મહિનામાં પર્દાફાશ કરી બે શખ્સોની ધરપકડ કરી હતી, જે બાદ ક્રિકેટ સટ્ટામાં નાણાની ગેરકાયદે હેરફેર માટે બેંક ખાતા ભાડે આપવાના કૌભાંડમાં પણ પોલીસે બે જણને ઉઠાવ્યા હતા. બન્ને ગુનામાં મુખ્ય આરોપી તરીકે આદીપુરના રાજ દિપક ધનવાણીનું નામ ખુલવા પામ્યું હતું. તે સમયે આરોપી દુબઈમાં ભાગી જતા શોધખોળ હાથ ધરાઈ હતી. દરમ્યાન આરોપી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે, જેને કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ જે તે સમયે ઓગસ્ટ મહિનામાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં ધ્યાને આવ્યું કે, આરોપી ગાંધીધામના નરેન્દ્ર કિશનભાઈ રાજપૂતે ગાંધીધામના ૧૮ લોકો પાસે તથા મોડાસા અને અમદાવાદના પાંચ લોકો પાસે નવું સીમકાર્ડ લેવડાવી બેંક ખાતા ખોલાવ્યા હતા. આ બેંક ખાતાની કીટ અમદાવાદમાં રહેતા પ્રમોદ ઉર્ફે આશિષ જાંગીરને આપી હતી, જે કીટ આશિષે આદિપુરના રાજ દિપક ધનવાણીને આપી હતી. આ ર૩ બેંક ખાતામાં ૧ર.ર૪ કરોડની માતબર રકમ ઓનલાઈન જમા થઈ હતી. દરમ્યાન મુળ ગાંધીધામના ગુરૂકુળની હાલે અમદાવાદમાં રહેતી હસ્મિતા મનોજભાઈ ઠક્કરની ૧૪ ઓગસ્ટના ધરપકડ કરાઈ હતી. તેણે જણાવ્યું હતું કે, તે નરેન્દ્ર અને પ્રમોદ સાથે મળીને અલગ અલગ લોકોને લાલચ આપી તેમની પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી આ ખાતાની વિગતો આદીપુરના મુખ્ય આરોપી રાજ દિપકભાઈ ધનવાણીને આપતા હતા. જે ર૩ ખાતામા ૧ર.ર૪ કરોડથી વધુ રકમની એકાઉન્ટ ધારકોની જાણ બહાર જમા કરાવાઈ હતી. જે બાદ ર૦ ઓગસ્ટના બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ક્રિકેટ સટ્ટાના નાણાની ગેરકાયદે હેરફેર કરવા માટે આઠ થી દસ હજાર રૂપિયા આપી બેંક ખાતા ભાડે લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં આદીપુરથી બે શખ્સોની ધરપકડ કરાઈ હતી. જે તે સમયે ૪૪ બેંક ખાતામાં ૧૩.પપ કરોડની રકમ ટ્રાન્સફર થઈ હોવાનો ખુલાસો થયો હતો. મુંબઈ રહેતા શખ્સને બેંક ખાતા ભાડેથી આપવા બદલ એક ખાતાદીઠ ૩૦ હજાર રૂપિયા કમીશન આપવામાં આવતું હતું. આદીપુરમાંથી નરેશ સંગતાણી અને ભરત નેનવાયાની ધરપકડ થઈ હતી. આ ગુનામાં પણ રાજ ધનવાણીનું નામ ખુલ્યું હતું. જેને ઝડપી લેવા પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. બાદમાં ધ્યાને આવ્યું કે, આરોપી દુબઈ ભાગી ગયો છે. દરમ્યાન તે દુબઈથી ભારત આવ્યો અને મુંબઈ એરપોર્ટ આવતા જ ઈમીગ્રેશનના ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો. ગાંધીધામ સાયબર ક્રાઈમના પીઆઈ અજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે, ઈમીગ્રેશન તરફથી સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરાતા પૂર્વ કચ્છથી ટુકડીએ મુંબઈ જઈ ટ્રાન્ઝીસ્ટ વોરંટથી આદીપુરના રાજ દિપક ધનવાણીની ધરપકડ કરી છે. જેને કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે. રિમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી નાણાં કયાંથી આવ્યા ? અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments