Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ એસઆરપીના ડીવાયએસપી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

05 November


ગાડીમાંથી દેશીદારૂ ઝડપાયો, અકસ્માત સર્જતા હળવદ પોલીસે ગુનો દાખલ કર્યો

ગાંધીધામ : પોલીસ દારૂ પીધેલા લોકોને પકડતી હોય છે પરંતુ કચ્છ સમીપે હળવદ પોલીસના હાથે દારૂ પીધેલી હાલતમાં પોલીસ અધિકારી જ ઝડપાઈ ગયા છે. ભચાઉ એસઆરપીના ડીવાયએસપી દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતા હતા, અને અકસ્માત સર્જતા હળવદ પોલીસે પ્રોહીબીશન, અકસ્માત સહિતની કલમો તળે ડીવાયએસપી સામે ફરિયાદ દાખલ કરી છે. ભચાઉ એસઆરપી ગ્રુપ  -૧૬ માં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા મુળ દાહોદના સુરેશભાઈ સોમજીભાઈ બામનીયાએ દારૂના નશામાં અકસ્માત સર્જયો છે. ડીવાયએસપી એટલો દારૂ પી ગયા હતા કે તેમને કંઈ ભાન જ ના રહ્યું અને અકસ્માત કરી બેઠા આ દારૂ અંગ્રેજી નહી પણ દેશી હતો તેવું પોલીસનું કહેવું છે. હળવદના રણજીતગઢ પાસે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો. પોલીસે જીજે ૨૦ સીએ ૬૨૨૪ નંબરની કાર જપ્ત કરી ગાડીમાંથી દેશી દારૂ સહિત ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મોરબીથી ભચાઉ જતા સમયે અકસ્માત થયો હતો. આ બાબતે હળવદ પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હળવદ મોરબી હાઈવે પર રાત્રે એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. દારૂના નશામાં ક્રેટા ચલાવતા ડીવાયએસપી આગળ જતી બલેનો કારને ટક્કર મારતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ગાડીમાંથી ત્રણ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. અકસ્માતમાં બન્ને કારને નુકશાન થવા પામ્યું હતું. પોલીસે ડીવાયએસપી સામે દારૂ પીધેલી હાલતમાં કાર હંકારી અકસ્માત સર્જવા અને દેશી દારૂ રાખવા સંદર્ભે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બલેનો કારમાં મોરબીના વેપારી પરિવારના સભ્યોને ઈજાઓ થવા પામી હતી. જો કે તેઓએ ફરિયાદ નોંધાવી ન હતી. 

 

Comments

COMMENT / REPLY FROM