હિમાચલ પ્રદેશના બે કારીગરો ભુજમાંથી રપ કિલો ચાંદી લઈને પલાયન
જીઆઈડીસીમાં આવેલી ચાંદી રીફાઈનરીની બારી તોડી ૧૬.૭૦ લાખની કાચી ચાંદી ઉઠાવી ગયા
ભુજ : એકતરફ ચાંદીના ભાવ એક લાખને આંબી ગયા છે, તેવામાં ભુજમાં હિમાચલ પ્રદેશના બે કારીગરો રપ કિલો ચાંદી લઈને ભાગી જતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. મુળ મહારાષ્ટ્રના હાલે ડાંડા બજારમાં રહેતા અને છેલ્લા ૩પ વર્ષથી ભુજમાં ચાંદીકામ સાથે સંકળાયેલા રામચંદ્ર કાકાસાળુખેએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કંસારા બજારમાં શ્રીરામ સીલ્વર ટચ એન્ડ રીફાઈનરી નામની દુકાન આવેલી છે અને જીઆઈડીસીમાં ચાંદી રીફાઈનરીંગ કરવામાં આવે છે. તેમની જીઆઈડીસી સ્થિત દુકાનમાં કામ કરતા હિમાચલ પ્રદેશના કારીગરો સપ્ટેમ્બર મહિનામાં સામાજીક કામ પતાવવા માટે વતન ગયા ત્યારે ફરિયાદીએ તેમની અવેજમાં ચાંદી કામ કરતા માણસોને મોકલવા કહ્યું હતું જેથી હિમાચલ પ્રદેશના અજયકુમાર લછુરામ ઠાકુર અને રમેશચંદ ત્રિલોકચંદ ઠાકુર આવ્યા, જેઓને ચાંદી રીફાઈનીંગનું કામ આપ્યું હતું. ગત તા. ૧૧-૧૦ ના રપ કિલો ચાંદી મોકલાવી હતી, જે પ્રોેસેસીંગમાં હતી, બીજા દિવસે દુકાને જતા બારી તુટેલી હાલતમાં અને કામદારો જોવા મળ્યા ન હતા. જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે, રપ કિલો ચાંદી ગાયબ છે અને બન્ને કારીગરો ફોન ઉપાડતા ન હતા. બન્ને જણા ચાંદી ચોરી ગયા હોવાની શંકા હતી. તપાસ કરી અને જુના માણસો મારફતે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ અતોપતો ન મળતા આ બન્ને કામદારો ૧૬.૭૦ લાખનું રપ કિલો કાચી ચાંદી લઈને ભાગી જતા ફરિયાદ નોંધાવાઈ છે.

Comments