માધાપરના યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવનાર મહિલા વકિલ દોઢ વર્ષે પકડાઈ
એલસીબીએ નાની નાગલપરની મહિલાને ભુજથી દબોચી
ભુજ : તાલુકાના માધાપર ગામે રહેતા આહીર યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવી ચાર કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ યુવાને દેશલપર નજીક ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચારી બનાવમાં ફરિયાદ નોધાઈ હતી. જે તે સમયે મુખ્ય સુત્રધાર પાલારા જેલમાં કેદ મનીષા ગોસ્વામી સહિતના આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ગુનામાં જે મહિલાને મહોરૂં બનાવાઈ તેને ફરિયાદ નોંધાવવા માટે સમજ આપનાર અંજારના વકીલ દંપતિ સામે ફરિયાદ દાખલ થઈ હતી. જો કે દોઢ વર્ષથી નાસ્તી ફરતી વકીલ હવે પકડાઈ છે.નખત્રાણા પોલીસમાં દાખલ થયેલા હનીટ્રેપના ગુનામાં આરોપી પકડવા માટે અપાયેલી સુચના અંતર્ગત અંજાર તાલુકાના નાની નાગલપર ગામે જેઠવા ફાર્મ વાડી વિસ્તારમાં રહેતી કોમલ ડો/ઓ દયારામ જેઠવા તથા વા/ઓ શેખરભાઈ પરમાર ભુજમાં હોવાની બાતમી આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, જે તે સમયે આ કેસમાં કુલ્લ ચાર વકીલના નામ બહાર આવ્યા હતા. જેમાં ભુજના વકીલ વી.આર. જાડેજા, મનીષા ગોસ્વામીના વકીલ આસીફ અંસારી, તેમજ કોમલના સાથીદાર આકાશ મકવાણાની ધરપકડ કરાઈ હતી. કોમલ છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતી. આટલા સમય સુધી કયાં છુપાતી રહી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ ગુનામાં મનીષા ગોસ્વામીનો પતિ ગજુગીરી ગોસ્વામી અને વડોદરાનો આખલાક પઠાણ હજુ સુધી પકડાયા નથી.

Comments