Trending News
સ્થાનિક સમાચાર

ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગના વેંઈગ સ્કેલ્સને  રી-વેરીફિકેશનમાંથી મુક્તિનો ઉડતો છેદ 

29 October

તોલમાપવાળાઓની દિવાળી... !




કેન્દ્ર સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન અને ઈન્સ્પેકટર રાજમાંથી મુક્તિ અપાવવા ઈન્ડસ્ટ્રીયલ વપરાશના વેઈગ સ્કેલ્સને રી-વેરીફીકેશનમાંથી આપી છે મુક્તિ : મોટાભાગની ઈન્ડસ્ટ્રીઓ આ નિર્ણયથી અજાણ હોવાથી તોલમાપ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ લઈ રહ્યા છે લાભ 



તોલમાપવાળાઓ તેમની બેનંબરની કમાણી માટે ગમે તેમ સમજાવી કે, કેસની ધમકી આપી રીવેરીફાઈડ કરાવવા કરી રહ્યા છે મજબૂર : કચ્છમાં ધમધમતી ઈન્ડસ્ટ્રીઓમાં આવા હજારો વેઈંગ અને મેજરિંગ સાધનો મોજુદ : દર વર્ષે રિ-વેરીફિકેશનના નામે વ્યવસાયકારોને લાખોનો ફટકો 


ભુજ : કેન્દ્ર સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ઈન્સ્પેકટર રાજમાંથી મુક્તિ અપાવવાના ભાગરૂપે વર્ષ ર૦ર૧માં ઈન્ડસ્ટ્રીયલ આંતરિક વપરાશના વેઈગ સ્કેલ્સને રી-વેરીફીકેશન કરાવવામાંથી મુક્તિ આપી છે, પરંતુ મોટાભાગની ઈન્ડસ્ટ્રીઓ આ નિર્ણયથી અજાણ હોવાથી તોલમાપ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અજાણતાનો ગેરલાભ લઈ રહ્યા છે. આ અંગે પ્રાપત વિગતો અનુસાર  કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ કન્ઝયુમર અફેર્સ ફુડ એન્ડ પબ્લિક ક્રિસ્ટ્રીબ્યશનના નોટીફિકેશનમાં નવી જોગવાઈ મુકી સુધારો કર્યો છે, જેમાં ઈન્ડસ્ટ્રીઝમાં આંતરિક વપરાશના એવા વજન અને માપો કે, જે ગ્રાહકને અપાતા સમાનની કવોન્ટીટીને અસર કરતા ન હોય તેમને રીવેરીફિકેશન કરાવવામાંથી મુક્તિ આપી છે. વજન અને માપની વ્યાખ્યામાં વેંઈગ અને મેઝરીંગ ઈન્સ્ટુમેન્ટનો સમાવેશ થાય છે. આ અગાઉ ઈન્ડસ્ટ્રીઝમાં આંતરિક વપરાશના ઈલેકટ્રોનિક વેઈંગ સ્કેલ્સ અને મેજરીગ ઈન્સ્ટુમેન્ટસને દર વર્ષે તોલમાપ ઈન્સ્પેકટર પાસેથી સર્ટીફાઈડ કરાવવા જરૂરી હતા. કચ્છમાં નાની - મોટી ઈન્ડસ્ટ્રીઝમાં આવા ઉપકરણોની સંખ્યા હજારોમાં થાય છે. આવા વેઈંગ અને મેજરીંગ મશીનોના રીવેરીફિકેશન માટે ઈન્ડસ્ટ્રીઝવાળાઓને દર વર્ષે લાખો રૂપિયાની સરકારી ફી ભરવી પડે છે. ઉપરાંત રીવેરીફિકેશન કરાવવાના કામે વચેટિયા એજન્ટોને સરકારી ફી કરતા ત્રણથી દસ ગણી વધારાની રકમ ખર્ચવી પડે છે. અગાઉ તોલમાપ તરીકે અને હાલે કાનૂની માપ વિજ્ઞાન ખાતા તરીકે ઓળખતા વિભાગના ઈન્સ્પેકટરોને નક્કી કરેલ વહિવટ ચુકવવામાં આવે ત્યારે જ સબંધિત અધિકારી તેને વેરીફાઈડ કરે છે. તો વહિવટ ન અપાય તો કોઈને કોઈ ખામી કાઢીને તે વજનમાપને રીજેકટ એટલ કે, નામંજૂર કરી દેવામાં આવે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઈન્સ્પેકટરોને અપાતા વહિવટની વહેંચણી વડી કચેરી, સચિવાલય સુધી જાય છે. કેન્દ્ર સરકારે ઈન્ડસ્ટ્રીઝના હિતમાં કરેલો આ કાયદાકીય સુધારાનો ચૂસ્તપણે અમલ થતો ન હોવાથી રાષ્ટ્રીય કન્ઝયુમર પ્રોટેકશન એજન્સી નામક સંસ્થાએ કેન્દ્ર સરકાર  સમક્ષ રજૂઆત પણ કરી છે. ભ્રષ્ટાચાર ચાલુ રાખવા ગુજરાતમાં અમલ થતો નથી, જેના કારણે અહીંની ઈન્ડસ્ટ્રીઝ પર આર્થિક બોઝ પડે છે. જાણકારો કહે છે કે, ઈન્ડસ્ટ્રીઝ પર ખર્ચો વધે તો તેની વસૂલી કિંમતો વધારી છેવટે તો ગ્રાહક પાસેથી જ કરવામાં આવે છે. નફામાં કાપ મુકી કોઈ ઈન્ડસ્ટ્રીઝ આવા ખર્ચા કરે નહીં. સરકારે કરેલા સુધારાનો અમલ કચ્છ - ગુજરાતમાં કેમ થતો નથી. કેન્દ્ર અને ગુજરાત સરકારમાં એક જ પક્ષની સરકાર હોવા છતાં અમલવારી ન થવીએ આશ્ચર્યજનક બાબત છે.  જાણકારો વધુમાં કહે છે કે, કચ્છ - ગુજરાતમાં મોટાભાગના ઈન્ડસ્ટ્રીઝવાળાને આ કેન્દ્રીય સુધારાની અને તેમના હિતમાં કરાયેલી જોગવાઈની ખબર જ નથી. તોલમાપવાળાઓ તેમની બેનંબરની કમાણી માટે ઈન્ડસ્ટ્રીઝવાળાઓને ગમે તેમ સમજાવી કે, કેસની ધમકી આપી વેઈંગ સ્કેલ્સને રીવેરીફાઈડ કરાવવા મજબૂર કરી રહ્યા છે. આમેય ધંધાદારીઓ સરકારી અધિકારીઓથી ગભરાતા જ હોવાથી તોલમાપવાળા તેનો ગેરલાભ લઈ રહ્યા છે.


 

Comments

COMMENT / REPLY FROM