Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સહકારી મંડળીઓના ચાલતા પેટ્રોલ પંપો દ્વારા ડીઝલની કાળાબજારીનું મોટું કૌભાંડ

29 October

જિલ્લા વહિવટી, પુરવઠા અને પોલીસ તંત્ર કેમ છે અજાણ ?




સહકારી મંડળીઓને ડીઝલ માટે અપાતી સરકારી સબસિડીનો કેટલાક લુભાગે તત્તવો અંગત સ્વાર્થ માટે લઈ રહ્યા છે ગેરલાભ : સહકારી મંડળીના ડીઝલ પંપ કેટલાક ભ્રષ્ટાચારી હોદ્દેદારો માટે બની ગયા કમાણીનું સાધન
’
જિલ્લામાં બેઝ ઓઈલ અને બાયોડીઝલના કાળા કારોબાર બાદ વધુ એક ગોરખધંધાથી માન્ય ડીલરો માટે વધી મુસીબત : નિયમાનુસાર માત્ર મંડળીના સભ્યોને આપવાના ડીઝલનો ઓપન માર્કેટમાં થાય છે વેપલો : મંડળીઓને સબસિડી સાથે અંદાજે ૭ર રૂપિયે પ્રતિ લીટરના દામે મળતું ડીઝલ ભ્રષ્ટાચારીઓ મોટા નફાનો ગાળો રાખી કરી રહ્યા છે તગડી કમાણી

જિલ્લા પુરવઠા તંત્રની ઉદાસીનતાથી લેભાગુ તત્ત્વોને મળ્યું મોકળું મેદાન : જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક તટસ્થ તપાસ કરાવે તો બહાર આવે મોટું કૌભાંડ 



ભુજ : ગુજરાતનું સહકારી ક્ષેત્ર લોકોના જીવનમાં આર્થિક અને સામાજિક વિકાસ લાવતું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. ગુજરાતની સહકારી ક્ષેત્રની સફળતા દેશમાં સર્વોત્તમ મનાય છે. કચ્છ જિલ્લામાં પણ સહકારી ક્ષેત્રનું માળખું ખૂબ મજબૂત છે. સહકારી ક્ષેત્રના માધ્યમથી અનેક કચ્છવાસીઓના જીવનધોરણમાં સુધાર આવ્યો છે. ખાસ કરીને સહકારી મંડળીઓના કારણે વિવિધ ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિ પણ જોવા મળી છે. ગુજરાત સરકાર સહકારી મંડળીઓને જુદી-જુદી સહાય અને સબસિડી આપે છે, પરંતુ કચ્છમાં સહકારી લાભનો કેટલાક લેભાગુઓ પોતાના અંગત સ્વાર્થ માટે ગેરઉપયોગ કરતા હોવાનું બહાર આવી રહ્યું છે. 
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લામાં ધમધમતા સહકારી મંડળીના ડીઝલ પંપ કેટલાક લેભાગુ તત્ત્વો માટે કમાણીનું સાધન બની ગયા છે. મંડળીઓના ડીઝલ પંપો પર થતી ગેરપ્રવૃત્તિના કારણે માન્ય પેટ્રોલ પંપ સંચાલકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. કચ્છ જિલ્લામાં બેઝ ઓઈલ અને બાયોડીઝલનો ગેરકાયદેસર કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. જિલ્લામાંં બેઝઓઈલ અને બાયોડીઝલના ગોરખધંધાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં ઉજાગર થયા છે તેવામાં હવે મંડળીઓ દ્વારા શરૂ થયેલ ગેરપ્રવૃત્તિએ જિલ્લાના માન્ય પેટ્રોલ પંપ ધારકો માટે મોટી મુસીબત ઉભી કરી છે. 
કચ્છ જિલ્લાની સહકારી મંડળીઓના ડીઝલ વેચાણ કેન્દ્ર મારફતે નિયમાનુસાર માત્ર મંડળીના સભ્યોને ડીઝલ પૂરૂં પાડવાનું હોય છે. આવી મંડળીઓને સરકાર દ્વારા મળતી સબસિડી બાદ ડીઝલનો પ્રતિ લીટર ભાવ ૭૪ રૂપિયા જેટલો હોય છે. જ્યારે બજારમાં ડીઝલની કિંમત તમામ કરવેરા સાથે રૂા.૯૦ની આસપાસ થાય છે. ભાવમાં મોટો તફાવત હોવાથી કેટલાક ભ્રષ્ટાચારી લેભાગુ તત્ત્વો મંડળીઓનું ડીઝલ મોટા નફાનો ગાળો રાખી નિયમોને નેવે મૂકી વાહન ચાલકોને વેચાણ કરી દેતા હોય છે. કચ્છમાં હાલે ભુજ-ભચાઉ રોડ પર શેખપીરથી દુધઈ પટ્ટામાં અને મુંદરા તેમજ ભચાઉ તાલુકાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ધમધોકાર ચાલ ીરહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જિલ્લાના માન્ય ડીલરો જણાવે છે કે, મંડળીઓની ગેરપ્રવૃત્તિના કારણે તેમના વ્યવસાયને મોટું નુકસાન થઈ રહ્યું છે. કેટલીક ભ્રષ્ટ મંડળીના હોદ્દેદારો નિયમોને નેવે મૂકી ડીઝલની કાળાબજારી કરી રહ્યા છે. જિલ્લા પુરવઠા તંત્ર કે સહકારી  મંડળીઓની કચેરી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો જિલ્લા વ્યાપી મોટા કૌભાંડનો ખૂલાસો થઈ શકે. જિલ્લા કલેક્ટર અને પૂર્વ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડીઝલ મંડળીઓના વ્યવહારોની ચકાસણી કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે. મંડળીઓ પાસે કેટલું ડીઝલ આવ્યું અને તે ડીઝલ કોને-કોને અને કેટલા જથ્થામાં વેચાણ થયું તેની તપાસ થવી જરૂરી છે. મંડળીઓના બિલના ક્રોસ વેરીફિકેશન કરવામાં આવે તો કેટલા ભૂતિયા બિલ બન્યા છે તેનો ખૂલાસો થઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM