માધાપરમાં મધરાત્રે ગેસનો બાટલો ફાટતા નાસભાગ : મકાનના પતરા ઉડયા
માધાપર હાઈવે પર ઈન્ડિયન ગેસના ગોડાઉન બહાર એલસીબીએ ગેરકાયદે રીતે રાંધણગેસના બાટલામાંથી કોમર્શીયલ ગેસના બાટલા ભરવાની ઝડપી હતી પ્રવૃતિ : માધાપરમાં ઈન્ડિયન ગેસનો જ બાટલો ફાટતા તરેહ તરેહની ચર્ચા : ‘ઈન્ડિયન’ ગેસના ધારકો સાવચેતી રાખે તે જરૂરી
સદ્નસીબે મોટી જાનહાની ટાળી : મકાન અને ફર્નિચરમાં ભારે નુકશાન : ભચાઉના ફુલવાડી વિસ્તારમાં ગેસ લીકેજની ઘટના સામે આવી
ભુજ : તાલુકાના માધાપરમાં મધરાત્રે ગેસનો બાટલો ફાટતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં મકાનના પતરા ઉડી જતા ભારે નુકશાન થવા પામ્યું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ માધાપરમાં કેશરબાગ બગીચા પાસે આવેલા કોલીવાસમાં બનાવ બન્યો હતો. રાતના ૧૧.પપ કલાકે ઘરે એલપીજી સીલીન્ડરમાં બ્લાસ્ટ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમે સ્થળ પર પહોંચી ઘરમાંથી બ્લાસ્ટ થયેલ સીલીન્ડર અને બીજો ભરેલો ગેસનો બાટલો બહારે કાઢયો હતો. ઘરના લોકોનું કહેવું છે કે, ગેસનો બાટલો આવ્યો ત્યારથી વાસ આવતી હતી. કોને જાણ કરવી ? તેની ખબર ન હતી, તેવામાં રાત્રે બાર વાગ્યે ધડાકો થયો હતો. જેમાં મકાનના પતરા ઉડી જવા સાથે દિવાલ તુટી ગઈ. ફ્રીઝ, પંખો, કબાટ સહિત રાચ રચીલામાં ભારે નુકશાન થવા પામ્યું છે. ઈન્ડિયન ગેસનો બાટલો ફાટયો હતો. જેમાં ગેસ કંપનીની બેદરકારી છે. કંપનીએ વળતર આપવું જોઈએ. તહેવારના દિવસોમાં બનેલી ઘટનાથી પરિવાર વ્યથીત થયો હતો. દરમ્યાન ભચાઉના ફુલવાડી વિસ્તારમાં સાંઈ રેસીડેન્સીમાં એક ઘરમાં અચાનક ગેસનો સીલીન્ડર લીક થતા આજુબાજુમાં ભય ફેલાયો હતો. ભચાઉ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી સીલીન્ડરને બહાર કાઢી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો
હતો. અત્રે મહત્વનું છે કે, તાજેતરમાં ભુજના માધાપર હાઈવે પર ઈન્ડિયન ગેસના ગોડાઉન બહાર પોલીસે દરોડો પાડી રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીતે ગેસ કાઢી કોમર્શીયલ ગેસના બાટલામાં ભરી ફરી સીલ લગાવવામાં આવતું હતું. માધાપરમાં ઈન્ડિયન ગેસનો બાટલો જ ફાટયો છે. ગેરકાયદે રીતે ગેસ કાઢી સીલ લગાવાતું. આ ઘટનામાં એ બંધ બેસતું સીલ લગાવેલું ગેસનું સીલીન્ડર અપાયું હોય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. વધુ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. અન્ય લોકોને પણ બાટલા પહોંચ્યા હશે. અન્ય કોઈ જગ્યાએ બનાવ બને તે પૂર્વે તટસ્થ તપાસ જરૂરી છે.

Comments