ભુજમાં રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન પોલીસની ફરજમાં રૂકાવટ કરનારા બે સામે ફરિયાદ
બુધરમલ પેટોલ પંપ પાસે બાઈક રોકાવતા પલ્ટી ખવડાવી
ભુજ : દિવાળીના તહેવાર અનુસંધાને પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ તપાસ દરમ્યાન પોલીસની ફરજમાં રૂકાવટ કરનારા બે ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ બુધરમલ પેટ્રોલ પંપ પાસે વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બસ સ્ટેશન તરફથી બાઈક પર પુરઝડપે આવતા વાહન ચાલકને રોકાવતા તેણે બાઈક ભગાડી અને કાબુ ગુમાવતા સ્લીપ ખવડાવી હતી. બન્ને ઈસમોને કોર્ડન કરીને ઝડપી લેવાયા હતા. ટુ વ્હીલરના આધાર પુરાવા માંગતા બન્ને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. એચએફ ડીલક્ષ બાઈક નં. જી.જે.૧ર.ઈએચ ૮૬પ૮ ના આધાર પુરાવા કે લાયસન્સ મળી આવ્યું ન હતું. જેથી આરોપી જુની મચ્છીપીઠ ઘાંચી ફળિયામાં રહેતા આતીફ ઈબ્રાહીમ સમા અને આતીર ઈબ્રાહીમ સમાની ધરપકડ કરવામાં આવી છે. બન્ને ઈસમોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી વાહન ચેકીંગની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતા સરકાર તરફે ગુનો દાખલ કરાવાયો છે.

Comments