સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી મોડી કરાતા કચ્છના કિસાનોમાં કચવાટ
અભિગમ ઉત્તમ પણ સમયગાળો અયોગ્ય
સરકારી કેન્દ્ર પર લાભ પાંચમ બાદ ખરીદી શરૂ થતી હોવાથી ખેડૂતો નથી લઈ શકતા લાભ : કમોસમી વરસાદથી ખેતપેદાશોની ગુણવતા ઘટી હોઈ લાંબો સમય સંગ્રહ કરવામાં નુકશાન વધવાનું જોખમ : દિવાળીના તહેવારોમાં ખેડૂતોને નાણાની જરૂરિયાત હોઈ માર્કેટમાં જણસો વેચવાની પડે છે ફરજ : ટેકાના ભાવે ખરીદી વહેલી કરવા કિસાનોએ કરી માંગ
ભુજ : ધરતીપુત્રોને તેમની મહેનતનું સારૂં મૂલ મળે અને તેમના જીવનધોરણમાં સુધાર થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કિસાન અને ખેતીલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર ખેડૂતોને તેમની ખેતપેદાશના સારા ભાવ મળે તે માટે દર વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીના કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. ખરીફ પાકની ખરીદી માટેના કેન્દ્ર લાભ પાંચમના મુહૂર્ત બાદ નાછૂટકે માર્કેટમાં વેચવાની ફરજ પડે છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી મોડી શરૂ થતી હોવાથી ખેડૂતોને વિવિધ કારણોસર પોતાના પાક ઓછા ભાવે ઓપન માર્કેટમાં વેચવા મજબૂર થઈ રહ્યા છે.
આ અંગે વિગતો આપતા કચ્છના કિસાનોએ જણાવ્યું હું કે, સરકારે ખરીફ પાકની વિવિધ પેદાશોના ટેકાના જે ભાવો જાહેર કર્યા છે તે સારા છે પરંતુ ટેકાના ભાવે ખરીદી મોડી એટલે કે, લાભ પાંચમ બાદ કરવામાં આવતી હોવાથી ખેડૂતોનો પાક બગડી જાય છે.આ વર્ષે થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ખરીફ પાકની ગુણવત્તા ઘટી છે તેવી ખેડૂતો પાકને લાંબો સમય સંગ્રહ કરી રાખે તો બગડી જવાની ભીતિ રહે છે. આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં ખેડૂતોને પૈસાની જરૂર રહે છે તેથી નાછૂટકે ખેડતો તેમનો માલ ઓછા ભાવે વેંચવા મજબૂર બને છે. જો સરકાર દ્વારા ખરીદી વહેલી શરૂ કરવામાં આવે તો ખેડૂતો તેના લાભ લઈ શકે તેવું કિસાનો જણાવી રહ્યા છે. કચ્છના કિસાન અગ્રણીઓ જણાવે છે કે, ટેકાના ભાવે ખેતપેદાશોની ખરીદીનો સરકારનો અભિગમ સારો છે પણ ખેડૂતોને તેના લાભ મળતો નથી. લાભપાંચમથી ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ થાય જે અંદાજે એકાદ પખવાડિયું ચાલે ત્યારબાદ ખેડૂતોને ક્રમાનુસાર બોલાવવામાં આવે તે પ્રક્રિયામાં ખુબ લાંબો સમય નીકળી જતો હોય છે જે ખેડૂતો માટે આર્થિક રીતે પોક્ષણક્ષમ ન હોવાથી ખેડૂતોને લાભ મળતો નથી. સરકાર જો ખેડૂતોને ખરા અર્થમાં એમએસપીનો લાભ આપવા માંગતી હોય તો ખરીદી વહેલી શરૂ કરે તે ઈચ્છનીય છે તેવું અગ્રણીઓ વધુમાં જણાવે છે.
.................
વાતાવરણીય વિષમતાથી મગફળીની ગુણવતા ઘટી
ભુજ : કચ્છમાં નવરાત્રિના પર્વ બાદ થયેલા કમોસમી વરસાદના પગલે જિલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકશાન થયું છે. કમોસમી વરસાદ ઉપરાંત હાલે વાતાવરણીય વિષમત્તા વધી હોવાથી મગફળીના પાકની ગુણવત્તાને વધુ નુકશાન થઈ રહ્યું છે. મગફળીનો પાક લેનાર ખેડૂતોના જણાવી રહ્યા છે કે, તૈયાર પાકને વધુ લાંબા સમય માટે સંગ્રહ કરવો વ્યવહારૂ દૃષ્ટીએ યોગ્ય નથી તેથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવાની ખેડૂતો રાહ જોઈશકે તેમ નથી. હાલે કચ્છના કિસાનો પોતાના મગફળીના તૈયાર પાકને ઓછા ભાવે પણ વહેલી તકે વેચી દેવાની કવાયતમાં જોતરાયા છે.

Comments