મીઠીરોહર - ખારીરોહરમાં પોલીસની મોટી કાર્યવાહી મેગા કોમ્બીંગમાં ર૮ પ્રાણઘાતક હથિયારો ઝડપાયા
બી ડિવિઝન ઉપરાંત એલસીબી - એસઓજી મળી ૧૭૬ પોલીસ અધિકારી - કર્મચારીઓએ કોમ્બીંગમાં વિસ્તારને ખુંદી વળ્યા : ૪૮ ગુનેગારો અને ૬ બુટલેગરોને પણ તપાસાયા
એસપી સાગર બાગમારનો સપાટો : ગુનાહીત તત્ત્વો સામે કરી લાલ આંખ : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં ગુનાહીત પ્રવૃત્તિ અંકુશમાં લાવવા એસપીના માર્ગદર્શન હેઠળ ખાખી કટીબદ્ધ’
ગાંધીધામ : અહીં બી ડિવિઝન પોલીસની હદમાં આવતા મીઠીરોહર અને ખારીરોહર ગામમાં અવારનવાર ગુનાહિત પ્રવૃતિ થતી હોય છે. તેમજ ગુનાહિત પ્રવૃતિઓમાં આ વિસ્તારમાં રહેતા અમુક ઈસમો સંડોવાયેલા હોય છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા તહેવારો પૂર્વે સપાટો બોલાવી કાયદો - વ્યવસ્થા જાળવવા માટે પ્રયાસ કર્યો છે.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિને અંકુશમાં લાવવા માટે તથા શરીર સબંધી ગુના બનતા અટકાવવા માટે સુચના અપાઈ છે. ગેરકાયદે રીતે પ્રાણઘાતક હથિયારો રાખતા ઈસમો સામે કાર્યવાહી કરવાની સુચના અન્વયે ડીવાયએસપી મુકેશ ચૌધરીની આગેવાનીમાં બી ડિવિઝન પીઆઈ, એસ.વી. ગોજીયા, એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા, એસઓજી પીઆઈ ડી. વી. ઝાલા સહિત ૧૭૬ જેટલા પોલીસ અધિકારી - કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી. મીઠીરોહર અને ખારીરોહર ગામમાં અલગ અલગ ટીમ બનાવી કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ ગુનાહિત પ્રવૃતિમાં પકડાયેલા અને જાહેર સુલેહ શાંતિને નડતરરૂપ થઈ શકે તેવા ઈસમોના ઘરે કોમ્બીંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ્લ ર૮ પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા છે. આ ઉપરાંત કુલ્લ ૬૪ વાહન ચેક કરવામાં આવ્યા હતા, તેમજ હિસ્ટ્રીશીટર, માઈક્રો ક્રાઈમ રેકોર્ડ, સક્રિય ગુનેગાર હોય તેવા ૪૮ ઈસમોને તપાસી છ બુટલેગરોની સ્થિતિ પણ ચકાસવામાં આવી હતી. મધરાત્રે આ કોમ્બીંગ શરૂ કરવામાં આવ્યું હતું, જે વહેલી સવાર સુધી ચાલુ રહ્યું હતું. ગામની એક એક શેરીઓમાં દરોડો પાડવા સાથે લોકોના ઘરે જઈ સામાનની તપાસ કરવામાં આવી હતી. તેમજ વાહનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. એક સાથે પોલીસના ધાડેધાડા ઉતરી આવતા ગામમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. ગેરકાયદે રીતે તલવાર, ધોકા, ટામી, છરી જેવા હથિયારો રાખવા સંદર્ભે બી ડિવિઝન પોલીસમાં કાયદેસરની કાર્યવા હી કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસના સપાટાને પગલે ગુનાહિત તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
......................
ગુનાહિત પ્રવૃતિ ડામવા પાસા - તડીપાર સહિતની કરો કાર્યવાહી
ગાંધીધામ : જે રીતે પૂર્વ કચ્છમાં આયોજનબદ્ધ રીતે ગુનાઓ બની રહ્યા છે, જેમાં ખાસ કરીને પાઈપલાઈન અને ટેન્કરમાંથી ડીઝલ, ખાદ્યતેલની ચોરી, બાયોડીઝલનો ગેરકાયદે વેપલો, પોર્ટ અને કંપનીઓમાંથી સામાન ભરીને જતા ડ્રાઈવરોને લૂંટી લેવા સાથે સામાનની તસ્કરી, મોબાઈલ ચેઈનની સ્નેચીંગ ઉપરાંત ઘરફોડ, વાહન ચોરી સહિતના ગુનાઓ વધી રહ્યા છે તેમજ નજીવી બાબતે હુમલા કરી ધાક જમાવવાના પ્રયાસો થતા હોય છે. આ બન્ને ગામમાં જે કોમ્બીંગ કરાયું તેમાં મોટા ભાગના ઈસમો અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓના ઘરે પ્રાણઘાતક હથિયારો શું કામ હતા ? તે પણ એક સવાલ છે. ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપે તે પૂર્વે પોલીસે હથિયારો કબજે કરી પોલીસની ધાક બેસાડતી કાર્યવાહી કરી છે. હવે વહીવટી તંત્ર સહયોગ આપી પૂર્વ કચ્છમાં આયોજનબદ્ધ ગુનાઓ અટકાવવા માટે આવા ઈસમો સામે પાસા - તડીપાર સહિતની સખ્ત કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે.

Comments