Trending News
સ્થાનિક સમાચાર

ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં સરકારી શાળાઓ વિફળ

26 October


તો કચ્છમાં સરસ્વતીના મંદિર સમાન વિદ્યાસ્થાનોને તાળાં મારવાની આવશે નોબત


સરહદી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વિકાસની ગૂલબાંગો વચ્ચે શિક્ષણની કથળેલી હાલતની વરવી વાસ્તવિકતા થઈ ઉજાગર : રાપર, અબડાસા, લખપત અને ખાવડા જેવા વિસ્તારોમાં પ્રાથમિક શાળાના છાત્રોને ગુજરાતી વાંચતા પણ નથી આવડતું : 
રાજ્ય સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવ - ગુણોત્સવ જેવા કાર્યક્રમો પાછળ કરે છે કરોડોનું આંધણ, પણ સરકારી શાળામાં બાળકોને સારૂં શિક્ષણ મળે તેની નથી લેવાતી દરકાર : માત્ર એક બે શિક્ષકોના આશરે ચાલતી શાળાઓમાં શિક્ષણની ગુતવત્તા ઘટી : ખાનગી શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવાની વાલીઓમાં વધી ઘેલછા



ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં શિક્ષકોની મોટી ઘટ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિદ્યાસહાયક કે જ્ઞાનસહાયકોની ભરતી કરી ખાના પૂર્તિ કરવાનો પ્રયાસ થયો છે, પરંતુ સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકના અભાવે શિક્ષણ અને બાળકોના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વિકાસની ગુલબાંગો વચ્ચે શિક્ષણની કથળેલી હાલતની વરવી વાસ્તવિકતા ઉજાગર થઈ રહી છે.
કચ્છ જિલ્લાના દસેય તાલુકાઓમાં પ્રાથમિક વિભાગ ધો.૧ થી ૮માં કુલ ૧,૬૯,૩૪૪ વિદ્યાર્થીઓ અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૮૧,૭૧પ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટના કારણે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પૂરૂં પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. કચ્છ જિલ્લાના રાપર, અબડાસા, લખપત, ખાવડા વિસ્તારમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધો.પ કે ૬ના બાળકોને ગુજરાતી વાંચતા આવડતું નથી. જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો જણાવે છે કે, સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ દયનિય બની છે. માત્ર એકાદ-બે શિક્ષકોના ભરોસે શાળાઓમાં ચાલતી હોય તેવામાં ગુણવત્તાસભર શિક્ષણની આશા પણ કઈ રીતે રાખી શકાય. જિલ્લા મથક ભુજ ઉપરાંત શહેરી વિસ્તારોમાં વાલીઓએ પોતાના અન્ય ખર્ચ પર કાપ મૂકી પોતાના સંતાનોને સારૂં શિક્ષણ મળે તે માટે ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવતા થયા છે.
જાગૃત વાલીઓ જણાવે છે કે, રાજ્ય સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો પાછળ કરોડોનું આંધણ કરે છે, પરંતુ સરકારી શાળામાં બાળકોને સારૂં શિક્ષણ મળે તેની દરકાર લેવામાં આવતી નથી. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોતાનું નામ લખતા - વાંચતા માંડ આવડે છે ત્યારે ઘડિયા કે દાખલાઓ વિશે ક્યાં વાત કરવી. શ્રમજીવી પરિવારો બાળકોને શાળામાં મધ્યાહન ભોજન મળતું હોવાથી જ મોકલતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો જરૂર છે, પરંતુ હજુય સ્થિતિમાં જોઈએ તેટલો સુધાર થયો નથી.
સરકારી શાળાઓ ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં નિષ્ફળ રહેતા વાલીઓમાં પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાં શિક્ષણ અપાવવાની ઘેલછા વધી રહી છે. ગ્રામીણ વિસ્તારમાંથી પણ વાલીઓ પોતાના સંતાનોને શહેરની ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવતા થયા છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી રહી છે. શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટતા છેવટે સરકારી શાળાઓને મર્જ કરી દેવામાં આવતી હોય છે, જેનો ગેરલાભ ખાનગી શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવી શકતા ગરીબ વાલીઓને થતો હોય છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં બાળકોને ખાનગી શાળાઓની સમકક્ષ જ ગુણવત્તાસભર શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ગોઠવાય તો જ સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવા પ્રત્યે વાલીઓમાં ઉભો થયેલ છોછ ઘટશે. અન્યથા નાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને પાયાનું શિક્ષણ આપતા સરસ્વતીના મંદિર સમાન વિદ્યાસ્થાનોને તાળાં મારવાની નોબત આવી જશે તેવું પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM