Trending News
સ્થાનિક સમાચાર

રાપરના બેલા નજીકથી ખનીજ ચોરી પકડાઈ : ૪પ લાખનો મુદ્દામાલ સીઝ

26 October



ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં બેફામ બનેલા ખનીજ ચોરો સામે વનતંત્રએ કરી લાલઆંખ  



ખનીજ ચોરી કરતા બે ડમ્પર, એક જેસીબી, એક ટ્રેક્ટર, 
લોડર સહિતના મશીનો અને વાહનો ઝડપી પાડ્યા 


ભુજ : વાગડના વિસ્તારમાં ખનીજ ચોરી બેફામ બની હોવાની વ્યાપક ઉઠતી ફરિયાદો વચ્ચે વનતંત્રની ટીમે રાપર તાલુકામાં ખનીજ ચોરો પર સપાટો બોલાવ્યો હતો. રાપર તાલુકાનો મોટા ભાગનો વિસ્તાર ધુડખર અભયારણ્યમાં આવે છે પરંતુ વન તંત્ર અને પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી દરરોજ લાખો ટન ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાંથી ચાઈનાક્લે જેવા ખનીજનું ખનન કરી મોરબીના કારખાના તથા મહેસાણા, અમદાવાદ, સુરત, પુના, મુંબઈ સહિતના વિવિધ શહેરોમાં મોકલવામાં આવે છે. વન વિભાગે બેફામ બનેલા ખનીજ ચોરો પર લાલ આંખ કરી છે. ગઈકાલે રાપર ઉત્તર રેન્જ દ્વારા બેલા બીટના વિસ્તારમાં આવતા સુકનાવાંઢ અને હનુમાનવાંઢના ધુડખર વન્ય પ્રાણી અભયારણ્યમાંથી ખનીજ ખોદી ચોરી કરતા બે ડમ્પર, એક જેસીબી, એક ટ્રેક્ટર, લોડર સહિતના મશીનો અને વાહનો ઝડપી પાડ્યા હતા.  આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ વનવિભાગના ડીએફઓ ગોવિંદસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ રાપર ઉત્તર રેન્જના આરએફઓ કે.બી.ભરવાડ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડમ્પર નં. જીજે૧૨બીઝેડ ૪૦૪૪, જીજે૩૪-ટી-૩૨૭૦, નંબર વગરના જેસીબી અને ટ્રેકટર લોડર જે તમામ વાહનોની કિંમત અંદાજે ૪પ લાખનો મુદ્દામાલ કબજે કરી બાલાસર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. આરોપી ડ્રાઈવરોની અટક કરવામા આવી છે. જેમાં રબારી પરબત ધારાભાઇ (રહે. હનુમાનવાંઢ બેલા), વજીર હેતા ન્યાલચંદ (ફતેહગઢ), બ્રહમા યાદવ (ઉતર પ્રદેશ), અજય બબેરીયા (મધ્ય પ્રદેશ)નો સમાવેશ થાય છે. 
રાપર ઉતર રેન્જ કચ્છ વન્ય અભયારણ્ય વિસ્તાર છે તથા ખડીર સહિતનો સંપૂર્ણ વન્ય રક્ષિત વિસ્તાર છે. આ રેન્જના આરએફઓની જગ્યા છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ચાર્જના હવાલે છે. જેમાં રાપર ઉતર રેન્જના આરએફઓ પાસે એસીએફનો ચાર્જ હતો ત્યારે ભાગ્યે જ રેન્જ વિસ્તારમાં આવ્યા હતા. આરએફઓને પ્રમોશન સાથે બદલી વડોદરા થઈ જતાં ભુજ સાઉથ આરએફઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે.  રાપર ઉત્તર રેન્જના અભયારણ્ય વિસ્તારમાંથી દરરોજ ૩૦૦ ગાડી ખનીજ ચાઈનાકલે, માટી તથા પથ્થર ચોરી થઈ રહી છે.



...................



વન વિભાગની કામગીરી તરકટ સમાન 


બેફામ બનેલી ખનિજચોરીને ડામવા એકલ દોકલ કિસ્સામાં કામગીરી અપુરતી : સ્થાનિક જાગૃતોનો મત 



ભુજ : પૂર્વ કચ્છનો વાગડ વિસ્તાર ખનિજ તસ્કરી કરતા તત્ત્વો માટે સ્વર્ગ સમાન બની ગયો છે. આ વિસ્તારમાં વનતંત્રની જમીનો પર લાંબા સમયથી કિંમતી ખનિજની બેફામ ચોરી થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. પ્રતિબંધિત વિસ્તારમાં જયાં સામાન્ય લોકોને પ્રવેશ કરવા પર પરવાનગી મેળવવી પડતી હોય છે તેવા વિસ્તારોમાં ખનિજ ખનન માટેની મશીનરી, મોટા વાહનો કઈ રીતે બેરોકટોક ફરી શકે તેવા સવાલ વાગડના જાગૃતો ઉઠાવી રહ્યા છે. મોટા પ્રમાણમાં થતી ખનિજચોરી છાને પગલે થઈ જ ન શકે. વનતંત્ર અને અન્ય ખાતાઓની નજર સામે જ મોટા પ્રમાણમાં ખનિજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદો અવાર નવાર અખબારોના માધ્યમથી ઉઠી હતી, તેવામાં વનતંત્રએ કરેલી કામગીરી માત્ર તરકટ સમાન જ હોવાનું વાગડમાં ચર્ચાઈ રહ્યું છે. આ વિસ્તારમાં કિંમતી ખનિજ ભરેલા વાહનો દરરોજ પ્રતિબંધિત વિસ્તારોમાંથી દોડી રહ્યા છે પણ તંત્રને તે દેખાતું નથી. બેફામ બની ગયેલા ખનિજ તસ્કરો સામે એકલ દોકલ કિસ્સામાં કાર્યવાહી કરવાથી આ ગેરપ્રવૃતિ પર અંકુશ આવી શકે નહીં તેવી વન વિભાગ અને સબંધિત તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવે તો જ ખનિજચોરોમાં કાયદાનો ભય પ્રસ્થાપિત થશે તેવું જાણકારો કહી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM