Trending News
સ્થાનિક સમાચાર

લખપત-નખત્રાણામાં પાણી પુરવઠા કચેરી  એટલે મસમોટા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર 

25 October

દિવાળી ટાણે જ જળ સંકટની મોકાણ 


રવાપર - દયાપર સહિતના ગામડાઓ શિયાળામાં તરસ્યા : મોટર રિપેરિંગ - પાઈપલાઈન તથા ડિઝલ ચોરીની તપાસ જરૂરી : સંકલનમાં ધારદાર રજૂઆત : લખપતમાં સરપંચો, આગેવાનો દ્વારા ધરણા છતા પાણી સમસ્યા યથાવત : ભ્રષ્ટ અધિકારીઓના પાપે પ્રજા બેહાલ 

લખપતમાં રિસોર્ટ-પેટ્રોલપંપ અને સ્કૂલે ગેરકાયદે પાણી કનેક્શન મેળવી ૮.૪પ લાખની ચોરી કરી

તાલુકાના પીવાના પાણીની અછત વચ્ચે ગેરકાયદે કનેક્શન ધરાવનાર લોકો સામે પોલીસ ફરિયાદ શરૂ કરાઈ : નામ-ઠામ ખબર હોવા છતાં માત્ર સંચાલક લખીને પાણી પુરવઠા વિભાગે પોલીસ પર ઠીકરૂં ફોડયું



નખત્રાણા : કચ્છના ભાગ્ય વિધાતા મેઘરાજાએ લખપત, નખત્રાણા તાલુકામાં અનરાધાર વરસાદ વરસાવ્યો છે. સ્થાનિક સોર્સ-ડેમ, તળાવો છલોછલ શિયાળાનો પ્રારંભ અને દિપાવલિ જેવો મહાપર્વ ઉબંરે ઊભો છે, ત્યારે નખત્રાણા, લખપત તાલુકામાં જળસંકટની માનવ સર્જીત સમસ્યા ઊભી થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોના જણાવ્યા મુજબ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ જતા નર્મદાના પાણીનો જથ્થો વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. નખત્રાણા, લખપત વિસ્તારના દુરના ગામડા સુધી નર્મદાનું પાણી પહોંચેએ માટે એક્સપ્રેસ લાઈનો બેસાડી કરોડો લિટરના ટાંકા બનાવવામાં આવ્યા છે. પણ આ ટાંકા પાણીથી ભરાય છે કે નહીં તે રામ જાણે. અબડાસાના મંગવાણાથી લખપતના નેત્રાથી નર્મદાના પાણી વિતરણ કરાય છે પણ ત્યાં નર્મદાનું પાણી મળતું નથી તેવી બૂમરાડ ઉઠી છે. પાણી પુરવઠા તંત્ર તો એમ જ કહે છે પાણી નિયમીત મળે છે. જો પાણી જાય છે તો ક્યાં જાય છે તે તપાસનો વિષય છે. દયાપરમાં તો તાલુકાના સરપંચો, અગ્રણીઓ આઠ દિવસ ઉપવાસ પર બેઠા છતા પરિણામ ન આવ્યું. રવાપરના સમગ્ર ગામ લોકો પ્રાંત સહિત કચેરીએ મોરચો માંડ્યો પણ પાણી ન મળ્યું તે ન જ મળ્યું અને આજે પણ એ જ સ્થિતિ ગામડાઓની છે.  સૂત્રો આગળ વાત કહેતા કહે છે કે, નખત્રાણા, લખપત પાણી પુરવઠાની કચેરી એટલે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ભ્રષ્ટ અધિકારી કોઈને દાદ જ આપતા નથી. પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારી દિવાળી પછી નિવૃત્ત થવાની અણી ઉપર છે એટલે તેઓ મોટા ભાગે રજા ઉપર છે, જ્યારે નીચેના તાલુકા કક્ષાના મરૂછાપ અધિકારી અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે તેવા આક્ષેપો ઉઠ્યા છે. ટેન્કર તથા મોટર રીપેરીંગ કામ, પાઈપલાઈન તેમજ ડીઝલ ચોરી કરવામાં આવે છે. પાણી પુરવઠાના ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા ગામડાઓના પાણી પહોંચાડવા માટે માત્ર કાગળો પર ખોટા ખર્ચ બતાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટચાર આચરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ટેન્કર રીપેરીંગ અને મોટર રિપેરીંગના પણ બોગસ બિલો રજૂ કરી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં લખપતમાં ડીઝલ કૌભાંડમાં ર કર્મચારીની સંડોવણી ખુલતા ગાંધીનગર તપાસ બાદ બરતરફીનું આકરૂં પગલું ભરવામાં આવ્યું હતું ત્યારે હાલે ઊંડાણ પૂર્વક નિષ્ઠાથી તપાસ થાય તો અનેક અધિકારી સાથે કર્મચારીને પણ ઘરે બેસવાનો વખત આવે તેમ છે. ટુંકમાં દિવાળીના પર્વ બંને તાલુકાના પાણીનો કકડાટ તાકીદે નિકળે તે જરૂરી છે. 



..............


ભુજ : સરહદી લખપત તાલુકામાં પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે. ભુજથી પુરવઠો મોકલવામાં આવે છે પરંતુ રસ્તામાં ગેરકાયદે કનેકશનો મારફતે મોટા ભાગનું પાણી ચોરાઈ જતું હોવાથી લખપતના ગામડાઓ તરસ્યા છે. દયાપરમાં ખુદ ભાજપના લોકોએ અઠવાડિયાથી વધુ સમય સુધી ધરણા કર્યા બાદ પાણી પુરવઠા વિભાગની આંખ ખુલી હતી અને અલગ અલગ ટીમો બનાવી ગેરકાયદે કનેક્શનો કાપવા સાથે વડી કચેરીએથી પોલીસ ફરિયાદની સુચના અપાતા ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે.
પાણી પુરવઠા વિભાગના સુપરવાઈઝર હિંમતસિંહ ભુપતસિંહ જાડેજાએ દયાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, નાની વિરાણી આશા હેરીટેજ રિસોર્ટ, દોલતપર ફાટકે આશોપાલવ પેટ્રોલપંપ અને દયાપર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સંચાલકોએ પાણી ચોરી કરી હતી. રિસોર્ટ સંચાલકે જુમારાથી ઘડુલીની પીવાના પાણીની લાઈનમાં ૯૦ એમએમનું કનેકશન લઈ ૩,૯૧,૯૭૦, પેટ્રોલ પંપ સંચાલકે ખીરસરાથી દોલતપર પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદે ૧ર.૦પ એમએમનું કનેકશન લઈ ર૦,૭૧૦ અને શાળા સંચાલકે જુમારાથી ઘડુલીની પીવાના પાણીની લાઈનમાં ડાયરેકટ પ૦ એમએમનું કનેકશન લઈ ૪,૩ર,૪૪૯ રૂપિયાની પાણી ચોરી કરી હતી. પાણી પુરવઠા બોર્ડની મુખ્ય પાઈપલાઈનમાં નુકશાન પહોંચાડવામાં આવતા દયાપર પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.  મહત્વની બાબત એ છે કે, પાણી પુરવઠા વિભાગે જે તે સંસ્થાનું નામ બતાવ્યું છે પરંતુ તેના જવાબદાર માલિકના નામ ફરિયાદમાં લખાવ્યા નથી. માત્ર સંચાલક લખીને છટકી જવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ૧૦ - ૧ર દિવસમાં રપ ગેરકાયદે કનેક્શન કપાયા છે. પરંતુ ફરિયાદ માત્ર ત્રણ લોકો સામે જ કરવામાં આવી છે. જેથી તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે.


..............

લખપતમાં પાણીના પાપે ‘કમળ’નું ફુલ કરમાય તેવી વકી 

ભાજપ સદસ્ય અભિયાનમાં જોડાવવા અને લક્ષ્યાંક પૂર્ણ કરવા ભાજપની મત બેંક જ્ઞાતિ ‘નનૈયો’ ભણ્યો 



નખત્રાણા : લખપતમાં પાણીની સમસ્યા વિકરાળરૂપ ધારણ કર્યું છે અને ભાજપના આગેવાનોને દોડતા કર્યા છે તેવી વાત સપાટી પર આવે છે.  સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકાના સરપંચો તથા આગેવાનો દયાપર પાણી પુરવઠા કચેરીએ આઠ દિવસ સુુધી ધરણા - ઉપવાસ કર્યા છતાં ભાજપનું પ્રતિનિધિ મંડળે ગંભીરતા ન લેતા અમુક ચોક્કસ જ્ઞાતિના ભાજપની વોટ બેંક ગણાતી પોકેટ મતો વાળી કોમ ભાજપ સદસ્યા અભિયાનમાં જોડાવવા નનૈયો ભણી દીધો હતો. એટલું જ નહીં ઉચ્ચ કક્ષાના નેતાને રોકડું પરખાવી દીધો હતો કે તમને અમારી જરૂર ના હોય તો અમને પણ ભાજપની જરૂર નથી, જો પાણી માટે ઉપવાસ - ધરણા કરવા પડે તે વ્યાજબી નથી. ભષ્ટ્ર અધિકારીને બદલવા પણ આગ્રહ કર્યો તે પણ ન થયું એટલે ભાજપના અન્ય પદાધિકારી પણ સમજાવવાના પ્રયાસો કર્યા હતા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. 



..................



લખપતમાં દિવાળી પછી પાટીદારોના ખેલ મહોત્સવમાં હજારો જોડાશે 

નખત્રાણા : દિવાળી પછી દયાપર ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા ખેલ મહોત્સવનો પાંચ દિવસ કાર્યક્રમો યોજાશે જેમાં દસેક હજાર પાટીદારો એકત્ર થશે ત્યારે આ ખેલ મહોત્સવમાં પાણીનો મુદ્દો અને ભાજપ પ્રત્યે નારાજગી સહિતા મુદ્દા છવાય તો નવાઈ નહીં તેવું સૂત્રો કહી રહ્યા છે. 

લખપતમાં પાણી સપ્લાયર્સ કરતી એજન્સી બ્લેક લિસ્ટમાં મુકાઈ 

નખત્રાણા : પાણી પુરવઠા કચેરી દ્વારા લખપતને પાણી પુરવઠો સપ્લાય કરતી એજન્સી સામે પગલાં ભરી તેને બ્લેક લિસ્ટમાં મુકી તેમની સામે પેન્લટી વસૂલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાણી પુરવઠો સપ્લાર્ય કરતી એજન્સી ૧ર૭ મજૂર, કામદાર રાખવના બદલે ૭ માણસોથી તાલુકામાં કામ ચલાવવામાં આવતું હતું, જેની રજૂઆત થતા ઉચ્ચ અધિકારીની ટીમ તપાસ અર્થે આવતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા પાણી પુરવઠાએ એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકીને ૧ર લાખ જેટલી રકમ પેનલટી લાગુ કરી હતી. 
 

Comments

COMMENT / REPLY FROM