કરોડોનું ટોલટેક્સ ભરતા કચ્છીજનોના ભાગ્યમાં તકલાદી રસ્તા
વરસાદમાં વહી ગઈ વાટ...!
જિલ્લાના આંતરિક રસ્તાઓ અને હાઈવેની દુર્દશાથી વાહન ચાલકોની પરીક્ષા : ઔદ્યોગિક અને બંદરીય વિકાસ બાદ ભારે અને અતિભારે વાહનોની વધી અવરજવર : ટ્રાફિકની જરૂરિયાત મુજબના ગુણવતા સભર માર્ગ ન બનતા નિર્માણનો ખર્ચ વહી જાય છે પાણીમાં : ઓવરલોડ પરિવહનના કારણે જિલ્લાના અનેક આંતરિક માર્ગો બન્યા ખખડધજ : અગાઉના માર્ગો ઉપર પાણી ન રહે તેવો ઢાળ રાખવામાં આવતી હતી...માર્ગની લાઈન લેવલીગ અમુક જગ્યા જળવાતી નથી
ચોમાસામાં કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે અનેક માર્ગોનું થયું ધોવાણ : શહેરી વિસ્તારોમાં નવા રસ્તાના બદલે લીપાપોતી કરી માર્ગને થીગડા મારી ગબડાવી દેવામાં આવે છે ગાડુંં
ભુજ : ભારતીય બંધારણમાં નાગરિકો માટે હક્ક અને ફરજ સિક્કાની બે બાજુ છે તેવું બાળકોને પ્રાથમિક કક્ષાએથી જ ભણાવવામાં આવે છે. નાગરિકોએ પોતાની બંધારણીય ફરજો અદા કરવાની હોય છે જયારે માળખાકીય સુવિધાઓ મેળવવાનો હકક બંધારણે નાગરિકોને આપ્યો છે, પરંતુ ભારતીય બંધારણનો આ મૂળભૂત સિદ્ધાંત કચ્છ જિલ્લામાં વિસરી દેવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દાયકા દરમ્યાન ઔદ્યોગીક, કૃષિ, બાગાયત અને બંદરીય ક્ષેત્રે જિલ્લાનો ખુબ વિકાસ થયો છે જેના પગલે કચ્છ જિલ્લામાં દોડતા વાહનોની સંખ્યા પણ વધી છે. કચ્છમાંથી ટોલટેક્સ રૂપે સરકારને મહિને કરોડોની આવક થઈ રહી છે. આ ઉપરાંત વાહનોના ટેક્સના ભરણામાં પણ કચ્છ જિલ્લો મોખરાના સ્થાને રહે છે. સરકારને નિયમિત વાહન વેરો કે ટોલટેક્સ ભરી પોતાની ફરજ બજાવતા કચ્છીજનોને સુવિધાજનક અને ગુણવતાસભર રસ્તાઓનો હકક મળ્યો નથી. ટ્રાફીક પોલીસ અને આરટીઓ હાજર હોવા છતાં ઓવરલોડ વાહનો પસાર થાય તેને ઉપર કાર્યવાહી માત્ર અમુક જણ પુરતી સ્મિત રહે છે. કચ્છ જિલ્લામાં અંતરિયાળ માર્ગો હોય કે સરહદથી સામખિયાળી સુધી જતા હાઈવેના રસ્તા હોય, તકલાદી રસ્તાઓ જ કચ્છીજનોના ભાગ્યમાં લખાયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દર વર્ષે જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડોના સમારકામ અને નવા માર્ગના નિર્માણ કામ થાય છે, પરંતુ ચોમાસાની સીઝન શરૂ થતા જ વરસાદમાં ‘‘વાટ’’ વહી જાય છે. આ વરસે કચ્છ જિલ્લામાં થયેલા વ્યાપક વરસાદના પગલે રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયું છે. વરસ પહેલા બનેલા રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયા છે ત્યારે માર્ગ નિર્માણ માટે થયેલ ખર્ચના પ્રજાના પૈસા પાણીમાં વહી જાય છે.કચ્છના પ્રબુધ્ધ નાગરિકો કહે છે કે, માર્ગ નિર્માણના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાથી કામની ગુણવતા પર તેની માઠી અસર થતી હોય છે. સરકાર રોડ પર વાહનો હંકારવા અલગ અલગ સ્વરૂપે ટેક્સ વસૂલે છે, પરંતુ તેના બદલામાં લોકોને સુવિધાજનક રસ્તા મળતા નથી. કચ્છ જિલ્લામાં શહેર કે ગામના આંતરિક રસ્તાઓ જ નહીં હાઈવેના રસ્તાઓ ખખડધજ થઈ ગયા છે.
રસ્તાઓ પર મોટા-મોટા ખાડાઓથી નાના-મોટા અકસ્માતો અને વાહનોને ખુબ નુકશાન થાય છે. ખખડધજ માર્ગ પરથી પસાર થતા કચ્છીજનો વિચારે છે કે આ રસ્તાઓ માટે સરકાર રોડ ટેક્સ કે ટોલટેક્સ કેમ વસૂલી શકે ? માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય છે કયાંક તો રસ્તો શોધવો પડે તે હવે રસ્તાઓ ધોવાઈ ગયા છે. ચોમાસાના વરસાદમાં બેસી જતા રસ્તાઓ અંગે કોઈ જવાબદારી નક્કી થતી નથી અને નવેસરથી ટેન્ડરો બહાર પાડી પ્રજાના પૈસે રસ્તાઓના નિર્માણ કે સમારકામના નવા તરકટ શરૂ કરી દેવામાં આવે છે.
કચ્છના અંતરિયાળ કાચા કે સિંગલ પટી માર્ગો પર મહાકાય ઓવરલોડ વાહનો સતત દોડતા રહે છે. વહન ક્ષમતા કરતા વધુ વજન ધરાવતા વાહનોથી રસ્તાઓની હાલત ખખડધજ બની જતી હોય છે. ખનીજ કે નમકનું સતત પરિવહન ચાલતું રહે છે તે જાણવા છતાં તંત્ર દ્વારા જરૂરિયાતની ક્ષમતા મુજબના રસ્તાઓ બનાવવામાં આવતા નથી અને એક જ રસ્તાનું વરસ દરમ્યાન વારંવાર સમારકામ કરી પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ કરવામાં આવે છે.
નિયમ અનુસાર હાઈવે નિર્માણનો ખર્ચ નીકળી ગયા પછી ટોલટેક્સની વસૂલાત બંધ કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં વિરોધાભાસ જોવા મળે છે. નિર્માણ ખર્ચ નીકળી ગયા છતાં મેન્ટેનન્સના નામે ટોલની વસૂલાત ચાલુ રાખવામાં આવે છે, પરંતુ દુર્ભાગ્યવશ લોકોને ગુણવતાસભર માર્ગો નસીબ થતા નથી.

Comments