ભુજના ત્રણ શખ્સો બંદુક સાથે પકડાયા : ર૬ કારતુસ કબજે
પુનડીમાં અસામાજીક પ્રવૃતિને અંજામ અપાય તે પહેલા
કોડાય પોલીસે ફિલ્મીઢબે વોચ ગોઠવીને આરોપીઓને ઝડપી લીધા
ભુજ : માંડવી તાલુકાના પુનડીમાં અસામાજીક પ્રવૃતિને અંજામ અપાય તે પહેલા ભુજના ત્રણ શખ્સોને કોડાય પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી ર૬ કારતુસ કબજે કર્યા હતા. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કોડાય પોલીસને બાતમી મળી હતી કે, ભુજથી બોલેરો કેમ્પરમાં બેસીને અમુક ઈસમો બંદુક અને કારતુસો સાથે પુનડી ગામની સીમમાં ગેરકાયદે પ્રવૃતિ કરવા માટે આવે છે. જે બાતમીના આધારે પીએસઆઈ વી. જી. પરમાર તેમજ સ્ટાફના વિપુલભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, વિપુલભાઈ પરમાર, હરચંદભાઈ પટેલ, દિલીપસિંહ સિંધવ, મોહનભાઈ લોઢા, વિપુલભાઈ બાંભણીયા અલગ અલગ વાહનોથી પુનડી ગામના પાટીયા પાસે વોચમાં હતા. બાતમીવાળી ગાડી આવતા તેને થોભવા માટે ઈશારો કરાયો પરંતુ વાહન ઉભું ન રાખતા પુનડી પાટીયાથી પીછો કરાયો હતો. એ દરમ્યાન ફાઉન્ડવેલ કંપની પાસે રોડ પર બોલેરોને ઓવરટેક કરતા ત્રણ આરોપીઓ ઉતરીને ભાગવા લાગ્યા હતા. જેને ઝડપી લેવામાં આવ્યા હતા. પુછપરછ કરતા ભુજના કેમ્પ એરીયામાં મદીના મંજિલની બાજુમાં રહેતા અકરમ અજીમ થેબા, મુળ કનૈયાબેના હાલે બાપાદયાળુ નગરમાં રહેતા સુલેમાન ઉમરશા શેખ અને ભુજના આશાપુરાનગરમાં રહેતા સાહીલ મીઠુ સનાની ધરપકડ કરવામાં આવી હતી. વાહનની ઝડતી લેતા તેમાંથી ગેરકાયદે લાયસન્સ વગરની બંદુક તેમજ ર૬ જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ સાથે બે લાખની બોલેરો નં. જી.જે.૧ર.સીડી પ૭૯૯ કબજે કરવામાં આવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments