તહેવાર ઇફેક્ટ । કચ્છની લાંબા અંતરની તમામ ટ્રેનો હાઉસફુલ
કચ્છ એક્સપ્રેસ - સયાજીનગરી - એસી એક્સપ્રેસમાં તમામ ક્લાસમાં વેઇટિંગ લિસ્ટના ઝૂલતા પાટિયા : ઉત્તર ભારત અને બંગાળની ટ્રેનોમાં પણ લાંબી પ્રતિક્ષા યાદી : દિવાળીના દિવસોમાં મુંબઈથી વતન આવવા માંગતા કચ્છવાસીઓને નથી મળી રહ્યું બુકિંગ
ભુજ : ઔદ્યોગિક અને બંદરીય વિકાસથી ધમધમતા કચ્છ જિલ્લામાં પર પ્રાંતીઓની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. જોકે વસ્તી વધારાની સરખામણીમાં રેલ કનેક્ટિવિટીનો જોઈએ તેટલો વધારો થયો ન હોવાથી તહેવારના દિવસોમાં પ્રતીક્ષા યાદી લાંબી જ રહે છે. દિવાળીના રવિવારની આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોમાં બુકિંગ અત્યારે હાઉસફુલ ચાલી રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ભારતની ટ્રેનમાં રિઝર્વેશનની સ્થિતિ ખૂબ કફોડી બની છે. જેના કારણે દિવાળી અને છઠપૂજા માટે પોતાના વતનમાં જવા ઈચ્છતા ઉત્તર ભારતવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ મુંબઈ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરતા કચ્છીજનોને પોતાના વતન આવવા માટે પણ ટ્રેનમાં બુકિંગ નથી મળી રહ્યું. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર પછી ઉપરથી અને કચ્છ આવતી લાંબા અંતરની ટ્રેનોમાં દિવાળી વેકેશન દરમિયાન લાંબી પ્રતીક્ષા યાદી જોવા મળી રહી છે. કચ્છની ઉત્તર ભારતથી જોડતી ભાગલપુર, આલાહજરત એક્સપ્રેસ, પશ્ચિમ ભારતની કામખ્યા અને હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં પણ લાંબી પ્રતીક્ષા યાદી જોવા મળી રહી છે. કચ્છની મુંબઈ સાથે જોડતી કચ્છ એક્સપ્રેસ સયાજીનગરી અને એસી એક્સપ્રેસમાં પણ તમામ ક્લાસમાં વેઇટિંગના પાટીયા ઝૂલી રહ્યા છે. દિવાળી વેકેશન દરમિયાન કચ્છથી મુંબઈ જવા તમામ ટ્રેનોમાં લાંબી પ્રતીક્ષા યાદી જોવા મળી રહી છે. કચ્છથી ઉપરથી મહારાષ્ટ્ર, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, અને બંગાળની ટ્રેનોમાં સામાન્ય દિવસોમાં પણ પ્રતીક્ષા યાદી લાંબી જ હોય છે. દૈનિક કે સાપ્તાહિક લાંબા અંતરની ટ્રેનોમાં સામાન્ય દિવસોમાં પણ બુકિંગ આસાનીથી મળતું નથી. ક્યારેક તો આરએસી પણ કન્ફર્મ ન થતા પ્રવાસીઓને બેઠા બેઠા જ પ્રવાસ કરવો પડે છે. સામાન્ય દિવસોમાં જો આવી સ્થિતિ હોય તો તહેવારના દિવસોમાં તો કન્ફર્મ ટિકિટ મેળવવું સ્વપ્ન સમાન જ બની જાય છે. દિવાળી અને છઠપૂજાના તહેવાર નજીક આવ્યા હોવાથી હાલે પ્રવાસીઓમાં બુકિંગ માટે ઘસારો જોવા મળી રહ્યો છે. કચ્છને ઉત્તર ભારતથી જોડતી મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ ફુલ ચાલી રહ્યું છે. મોટાભાગની ટ્રેનોમાં ૧૫૦થી ૨૫૦ સુધીની પ્રતીક્ષા યાદી છે. કચ્છની મુંબઈથી જોડતી ટ્રેનોમાં દિવાળીના દિવસો દરમિયાન મુંબઈ થી કચ્છ આવવા અને દિવાળી બાદ કચ્છ થી મુંબઈ જવા માટે ૨૦૦થી વધુનું વેટિંગ ચાલી રહ્યું છે. રેલ્વે દ્વારા તત્કાલનો ક્વોટા પણ સારા પ્રમાણમાં હોય છે પરંતુ સામાન્ય દિવસોમાં લાઈનમાં ઊભેલા બીજા પ્રવાસીનો વારો આવે તે પહેલા જ વેઇટિંગ આવી જતું હોય છે. દિવાળી વેકેશન દરમિયાન તમામ ટ્રેનોનું વેઇટિંગ ક્વોટા આંખના પલકારામાં જ ફૂલ થઇ જશે. આ વર્ષે ભુજ અમદાવાદ વચ્ચે રેપિટ રેલવે શરૂ થતા મુંબઈ તરફ જવા ઇચ્છતા પ્રવાસીઓને અમદાવાદ થી અન્ય ટ્રેનો લાભ લેવાનો વિકલ્પ ઉમેરાયો છે. જોકે પોતાના પરિવાર સાથે દિવાળી પ્રવાસનું આયોજન કરનાર લોકો ટ્રેનો બદલવાની પણોજણમાં પડવાના બદલે કન્ફર્મ ટિકિટ સાથે પ્રવાસ કરવાનું વધુ પસંદ કરતા હોય છે.
.....................
કચ્છની હોટલોમાં ભાઈબીજ સુધીનું જ બુકિંગ
’
ભુજ : દિવાળીના વેકેશનના પ્રારંભ સાથે જ દર વર્ષે કચ્છમાં પ્રવાસનની સિઝન પુરબહારમાં ખીલી ઉઠે છે. દિવાળીના તહેવારોથી માંડી ઠેઠ રણોત્સવ સુધી કચ્છમાં દેશ-વિદેશના સહેલાણીઓનું આવાગમન રહેતું હોય છે. ખાસ કરીને દિવાળીના વેકેશન દરમિયાન ગુજરાત રાજ્યની વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ કચ્છના પ્રવાસે આવતા હોવાથી દર વર્ષે દિવાળીના વેકેશનના દિવસો સુધી ભુજ સહિત કચ્છના વિવિધ શહેરોમાં હોટલ ગેસ્ટ હાઉસમાં હાઉસફુલના પાટીયા ઝુલતા જોવા મળતા હોય છે. જોકે, અત્યાર સુધીના ટ્રેન્ડ અનુસાર આ વર્ષે કચ્છમાં ભાઈબીજ બાદના દિવસોમાં હજુ સુધી ગત વર્ષની સરખામણીએ બુકિંગ ઠંડું રહ્યું છે. ભુજમાં હોટલના વ્યવયાસ સાથે સંકળાયેલા હેમલભાઈ માણેકના જણાવ્યા અનુસાર તા.ર૭મી ઓક્ટોબરથી ગુજરાતમાં દિવળી વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે આ વખતે પ્રવાસીઓનું બુકિંગ ખાસ કરીને તારીખ ર/૧૧ અને ૩/૧૧ નું હાઉસફુલ થઈ ગયું છે. ગઈકાલે સરકારે દિવાળી સરકારી રજાઓ જાહેર કરી છે. તેની અસર હવે જોવા મળશે. પૂર્વ કચ્છની અમુક હોટલો તા.ર૭ ઓક્ટોબરથી તા.૩જી નવેમ્બર સુધી મોટાભાગની હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટેમાં બુકિંગ થઈ છે. જોકે, આ વર્ષે ગતવર્ષની સરખામણીએ વેકેશન દરમિયાન બુકિંગના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આવનાર દિવસોમાં પ્રવાસીઓનો પ્રવાહ વધે તેવી સંભાવના છે.

Comments