કચ્છમાં દિવાળીના તહેવાર ટાંકણે વાયરલ ફીવરના કેસો વધ્યા
વાતાવરણીય વિષમતાના કારણે બીમારીએ ઊંચક્યું માથું : જિલ્લામાં ઘેર ઘેર માંદગીના પથરાયા ખાટલા : સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાયા : સાદા તાવ સાથે ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ વગેરેના કેસો દેખાયા
ભુજ : કચ્છમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. દિવાળીના તહેવારને આજે પણ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. સામાન્ય રીતે દિવાળીના દિવસોથી કચ્છમાં ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે. પણ આ વર્ષે કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં દિવાળીના દિવસો દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન શાસ્ત્રીઓએ કરી છે. ઋતુઓના ચાલતા સંધિકાળમાં વિષમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણીય વિષમતાના કારણે કચ્છમાં વાયરલ બીમારીએ ફરી માથું ચક્યું છે. કચ્છમાં હાલ ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. સાદા તાવથી માંડી ચિકનગુનિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસો નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત તાવ શરદી અને ઉધરસના દર્દીઓથી જિલ્લાના સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યા છે. વિષમ વાતાવરણ ના લીધે સવારના ઝાકળ વર્ષા સાથે વાતાવરણમાં ઠંડક જોવા મળે છે તો દિવસ ચડતા તાપ સાથેનું પ્રમાણ વધે છે. વિષમ વાતાવરણના કારણે સીઝનલ રોગોનું પ્રમાણ વધ્યું છે. જિલ્લા મથક ભુજ સહિત કચ્છના દસેય તાલુકાઓમાં દવાખાના અને હોસ્પિટલોમાં ઓપીડી વધી છે. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ અને ગાંધીધામ સહિત જિલ્લાની મોટી ખાનગી અને સરકારી હોસ્પિટલો, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ વેલનેસ સેન્ટર ઉપરાંત નાના ખાનગી દવાખાનાઓમાં રોજના વાયરલ ફીવરના હજારો નવા કેસ નોંધાય છે. જેમાંથી કેટલાક કેસ ચિકનગુનિયા, ઝેરી મેલેરિયા કે ટાઈફોઈડના પણ હોય છે. હોસ્પિટલોમાં ઓપીડી ઉપરાંત સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ વધી છે. સમયાંતરે દર્દીઓ સાજા થઈ જતા એક્ટિવ કેસોની સંખ્યામાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. દવાખાનામાં દર્દીઓ સાથે લેબોરેટરીમાં રિપોર્ટ કરાવનારની સંખ્યા પણ વધી છે.
કચ્છમાં વિદ્યાદશમીનો તહેવાર પૂર્ણ થયા બાદ કમોસમી વરસાદ સાથે તાપ અને ઉકળાટનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા દિવાળીના દિવસોમાં છુટા છવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વર્ષના સૌથી મોટા દીપોત્સવી તહેવારો પૂર્વ જ ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે. વાતાવરણીય વિષમતા દૂર થાય અને શિયાળાનું વહેલાસર આગમન થાય તેવું કચ્છવાસીઓ ઝંખી રહ્યા છે.

Comments