Trending News
સ્થાનિક સમાચાર

અદાણીની પવનચક્કીના મહાકાય વાહનોએ  હાજીપીરમાં ૪૮ કલાકથી રસ્તો બંધ કર્યો

22 October



અંદાજે ૯૦ ટન વજનના એક સાથે ૧પ થી ર૦ ટ્રેઈલરો આવી પહોંચતા નરા ફાટકથી હાજીપીર સુધી લાઈનો લાગી : રસ્તાની કેપેસિટી ૩પ થી ૪૦ ટન વજનની હોતા હવે ગ્રામ્ય વિસ્તારના લોકોનો યક્ષ પ્રશ્ન ‘નવો રસ્તો કયારે બનશે’ ? 

ગામ લોકો વિરોધ કરે તો ઠેકેદારો આરટીઓ, પોલીસમાં અમારી પહોંચ હોવાનું કહી દબાવતા હોવાનો આક્ષેપ : સાંકળા રસ્તાના કારણે ગામ લોકોના વાહનો નિકળી શકતા નથી 



ભુજ : અદાણી કંપની દ્વારા હાજીપીર પંથકમાં લઈ જવાતા પવનચક્કીના મોટા વાહનોએ ૪૮ કલાકથી રસ્તો બંધ કરી નાખતા આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હાજીપીર વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં ગાડીઓ આવી જવાથી દેશલપર ફાટકથી હાજીપીર સુધી ટ્રાફીકજામ થયોે છે. જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે રજુઆત કરાય તો ગાડી પહોંચાડનાર ઠેકેદાર ધમકી આપતા કહે છે કે અમારી આરટીઓ, કલેકટર, આઈજી સુધી પહોંચ છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો આવતા દિવસમાં આ ગાડીઓને રોકી દેવામાં આવશે તેવી ચીમકી સ્થાનીકો દ્વારા અપાઈ છે. વધુમાં જણાવાયુંં કે, ૯૦ થી ૧૦૦ ટનની એક એવી ૧૫ થી ૨૦ ગાડીઓની આજે નરા ફાટકથી હાજીપીર સુધી લાઈનો લાગી હતી. આ ગાડીઓને દિવસના નીકળવાનું હોય છે પણ તેઓ સવારે ત્રણ થી ચાર ની વચ્ચે ખાવડા તરફ પ્રયાણ કરે છે ત્યારે હાજીપીર પંથકના ગામડાઓમાં અગાઉ પણ ઘણી બધી લાખેણી ભેસો, ગાયો, નીલગાય મોતને ભેટયા છે. રસ્તાની કેપેસિટી ૩૦ થી ૪૦ ટનની છે સામે ભારે વાહનો હોતા જર્જરીત રસ્તો વધુ જોખમી બન્યો છે. સરકાર અને તંત્ર દ્વારા ખાવડાની આજુબાજુ વિસ્તારમાં પવનચક્કી નાખવાનો પ્રોજેક્ટ અદાણીને અપાયો છે.  ત્યારે અદાણીના પદાધિકારીઓએ પણ સ્થાનીકે લટાર મારી પરિસ્થિતિ જોવી જોઈએ. ટૂંકા રસ્તા હોવાના કારણે આ તોતિંગ રાક્ષસી વાહનો સામેથી આવતા વાહન નીકળી શકતા નથી. વાહનોને એક એક કરીને ચલાવવા જોઈએ તેના બદલે ૧૫થી ૨૦ વાહનો એક સાથે આવે તો ગ્રામ્ય વાહન વ્યવહાર ઠપ્પ થઈ જાય છે. ચાર દિવસ પહેલા હાજીપીર ગામમાં આ રાક્ષસી તોતિંગ વાહન ગામમાં ઘૂસી જતા રસ્તો બ્લોક કરી નાખ્યો છે. પણ હવે આરટીઓ કે પોલીસ તંત્ર સફાળા નહીં જાગે તો મોટી દુર્ઘટના થાય તો તમામ જવાબદારી સરકાર અને તંત્રની, અને ટ્રાન્સપોર્ટ વાળાની રહેશે તેવું અલ્ટીમેટમ આપી આ અંગે બે દિવસમાં કલેકટર અને આરટીઓ પાસે રજૂઆત જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવશે.
.

Comments

COMMENT / REPLY FROM