યુવા વર્ગમાં સોશિયલ મીડિયાનો વધતો દુષ્પ્રભાવ
લવજેહાદ અને હનીટ્રેપ જેવા વધતા બનાવો કચ્છીજનો માટે લાલબતીરૂપ
સંદેશા વ્યવહાર ક્ષેત્રે ટેકનોલોજીના વધતા પ્રભાવની સાથે સમાજમાં પાશ્ચાત્ય દુષણોનું વધ્યું પ્રમાણ : સોશિયલ મીડિયાના સ્વછંદી ઉપયોગી અને અતિરેકથી યુવાધન ખોટા રસ્તે ચડી જઈ પરિવાર અને સમાજ માટે બને છે ચિંતાનું કારણ : યુવા વર્ગ પરિવારથી વિમુખ થઈ વર્ચ્યુઅલ સંબંધોને અગત્યતા આપે છે જે તેમના ભાવિ માટે જોખમરૂપ
કચ્છમાં લવ જેહાદ અને હનીટ્રેપ જેવ ઘટનાઓમાં થયેલા વધારો કચ્છીજનો માટે ચિંતાનું કારણ : આવા બનાવો માત્ર વ્યક્તિગત જીવન જ નહીં પરંતુ સમાજના માળખાને પણ મૂકે છે ખતરામાં : હનીટ્રેપ અને લવ જેહાદના બનાવોના મૂળમાં સોશિયલ મીડિયાની પાયારૂપ ભૂમિકા : દરેક મોરચ સહીયારા પ્રયાસો કરવામાં આવે તો જ આજની યુવા પેઢીને સોશિયલ મીડિયાના અતિરેકથી પારિવારિક અને સામાજીક મુલ્યોથી દૂર થતા અટકાવી શકાશે : પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કર્યો મત
ભુજ : સંદેશા વ્યવહાર ક્ષેત્રે ટેકનોલોજીના વધતા પ્રભાવની સાથે સમાજમાં પાશ્ચાત્ય દુષણોનું પ્રમાણ પણ ચિંતાજનક હવે વધી રહ્યું છે. આજે સમાજના દરેક વર્ગમાં સોશિયલ મીડિયાના ઉપયોગનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવા વર્ગ માટે તો સોશિયલ મીડિયા જીવનના અનિવાર્ય અંગ સમાન બની ગયું છે. જ્યાં એક તરફ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ યુવાનોને પોતાની પ્રતિભાના માધ્યમથી સમાજમાં ઓળખ પ્રસ્થાપિત કરવા, અભ્યાસ અને કારકિર્દીના ઘડતર માટે મદદરૂપ બન્યું છે ત્યાં બીજીતરફ સોશિયલ મીડિયાના સ્વછંદી ઉપયોગી અને અતિરેકથી યુવાધન ખોટા રસ્તે ચડી જઈ પરિવાર અને સમાજ માટે ચિંતાનું કારણ બને છે. સોશિયલ મીડિયાના કુપ્રભાવના પગલે યુવા પેઢીમાં પાશ્ચાત્ય દુષણો વધી રહ્યા છે. યુવા વર્ગ પરિવારથી વિમુખ થઈ વર્ચ્યુઅલ સંબંધોને અગત્યતા આપે છે જે તેમના ભાવિ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોથી સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી અનેક સમાજ માટે લાલબતીરૂપ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કચ્છમાં લવ જેહાદ અને હનીટ્રેપ જેવ ઘટનાઓમાં થયેલા વધારો કચ્છીજનો માટે ચિંતાનું કારણ બન્યું છે. લવજેહાદ અને હનીટ્રેપ જેવા બનાવો માત્ર વ્યક્તિગત જીવન જ નહીં પરંતુ સમાજના માળખાને પણ ખતરામાં મૂકે છે. લવજેહાદ જેવી ઘટનાઓમાં ધર્મના આધારે યુવતિઓને ખોટા માર્ગે દોરનાર તત્ત્વો બન્ને સમાજોનું અહિત કરી રહ્યા છે. હનીટ્રેપ હોય કે લવજેહાદ, આવા બનાવો આયોજનબદ્ધ રીતે પૂર્વનિયોજીત ષડયંત્રનો એક ભાગ હોય છે. જેમાં યુવાનોને ખોટા માર્ગોો દોરી તેમના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. હનીટ્રેપ અને લવ જેહાદના બનાવોના મૂળમાં સોશિયલ મીડિયાની પાયારૂપ ભૂમિકા હોય છે. કોઈપણ ષયડયંત્રની શરૂઆત માટે સોશિયલ મીડિયાની અતિરેક અને સ્વછંદી ઉપયોગના દુષ્પ્રભાવો અંગે જાગૃત કરવા અનિવાર્ય છે. આજના સમયે તરૂણ-તરૂણીઓના મા-બાપને સતત ચિંતા રહેતી હોય છે કે તેમના સંતાનો સોશિયલ મીડિયા પર કોના સંપર્કમાં આવે છે. આ ડિજિટલ માધ્યમો પર ખોટી ઓળખ ઊભી કરવાનું ખુબ આસાન હોવાથી તેનો દુરુપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ખોટી ઓળખ ધારણ કરી યુવતીઓને મોહવાશમાં ફસાવી લવજેહાદને અંજામ આપવામાં આવે છે. તો બીજી તરફ કોઈ વ્યક્તિને મોહિત કરી, ખોટી હુંફ આપી ફસાવ્યા બાદ તેને બ્લેકમેલ કરવાના હનીટ્રેપ જેવા બનાવો વધ્યા છે. હનીટ્રેપ જેવા કિસ્સાઓમાં બદનામીના ડરથી આત્મહતયા જેવા બનાવોનું કચ્છ સાક્ષી રહ્યું છે ત્યારે આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે કાળજીપૂર્વક પગલાં લેવા જરૂરી બન્યા છે. સામાજિક જાગૃત્તિ માટે દરેક મોરચે પ્રયાસો કરવામાં આવે તો જ આજની યુવા પેઢીને સોશિયલ મીડિયાના અતિરેકથી પારિવારિક અને સામાજીક મુલ્યોથી દૂર થતા અટકાવી શકાશે તેવું જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.

Comments