Trending News
સ્થાનિક સમાચાર

ધોરડો સમીપે દબાણો સામે તંત્રની કાર્યવાહી

21 October



દિવાળીના તહેવારો પૂર્વે ભીરંડિયારાથી ધોરડો સુધીના માર્ગ પર દબાણો સામે તંત્રની કાર્યવાહી : દીપોત્સવી તહેવારોમાં ખાનગી ટેન્ટમાં બુકિંગ કરાવનાર સહેલાણીઓને પ્રવાસ કાર્યક્રમમાં કરવો પડશે ફેરફાર 


દીપોત્સવી તહેવારોમાં બુકિંગ કરાવનાર સહેલાણીઓ મૂકાશે મુંજવણમાં : તંત્રની કાર્યવાહીથી પ્રવાસીઓમાં કચ્છની છાપ ખરડાશે : સ્થાનિકોએ વ્યક્ત કર્યો કચવાટ



ભુજ : દેશ-વિદેશના સહેલાણીઓમાં લોકપ્રિય એવા કચ્છ રણોત્સવના પ્રારંભને આડે હવેે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. દિવાળી વેકેશન દરમિયાન કચ્છના સફેદ રણની મુલાકાત લેવા જિલ્લા બહારથી અનેક લોકોએ પ્રવાસ કાર્યક્રમોના આયોજનો પણ કર્યા છે. તેવામાં અમુક પ્રવાસીઓને પોતાના કાર્યક્રમો રદ્દ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે વહીવટીતંત્ર દ્વારા ભિરંડિયારાથી ધોરડો સુધીના વિસ્તાર અને બીએસએફ ટાવરથી ૬૬ કેવી પાવર હાઉસ સુધીના વિસ્તારમાં દબાણો દૂર કર્યા હતા. ખાનગી એજન્સીઓ દ્વારા ઊભા કરવામાં આવેલ ૩૦૦થી વધુ ટેન્ટ ખસેડી લેવામાં આવ્યા છે જેથી આ વર્ષે આવા ટેન્ટ માટે બુકિંગ કરાવી કચ્છ પ્રવાસનું આયોજન કરનાર સેંકડો સહેલાણીઓને પોતાના પ્રવાસ કાર્યક્રમો રદ્દ કરવાની ફરજ પડે તેવું જણાઈ રહ્યું છે. આ અંગે સ્થાનિકોથી મળતી માહિતી મુજબ દેશ-વિદેશના પ્રવાસીઓમાં હોટ-ફેવરીટ ડેસ્ટિનેશન બની ગયેલા કચ્છ રણોત્સવના વિવિધ પ્રાંરભ પૂર્વે વહીવટી તંત્રએ સપાટો બોલાવ્યો છે. ધોરડો તંબુનગરી સિવાય ભિરંડીયારાથી ધોરડો અને બીએસએફ ટાવરથી ૬૬ કેવી પાવર સ્ટેશન સુધીના વિસ્તારમાં વિવિધ એજન્સીઓ દ્વારા દબાણો ઊભા કરવામાં આવ્યા હતા. રણોત્સવ દરમિયાન જે સહેલાણીઓને ધોરડોની ટેન્ટસિટીમાં બુિંકંગ ન મળતા તેમના માટે આવા ખાનગી ધોરણે ઊભા થયેલા ટેન્ટ આશીર્વાદરૂપ બનતા હતા. ટુરિઝમ વિભાગ દ્વારા રિ-ડેવલપમેન્ટ માટે સૂચિત વિસ્તારોમાંથી દબાણકારોને પોતાના દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી. ખાનગી ટેન્ટ ઊભા કરનારી એજન્સીઓએ પોતાની વગનો ઉપયોગ કરી દબાણો બચાવી લેવા પ્રયત્નો પણ કર્યા હતા. તંત્રની વારંવારની નોટિસ છતાં દબાણ દૂર ન થતા આજે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જેમાં ૩૦૦થી વધુ ટેન્ટ સહિતના દબાણોને દૂર રી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. દિવાળી વેકેશન દરમિયાન આવા ખાનગી ટેન્ટમાં બુકિંગ કરાવનાર સેંકડો સહેલાણીઓને હવે પોતાના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડશે. આ વર્ષે ૧ર૪ દિવસ લાંબા રણોત્સવનો વિધિવત પ્રારંભ ૧૧ મી નવેમ્બરથી થવાનો છે પરંતુ દિવાળી વેકેશન દરમિયાન અનેક લોકોએ કચ્છ પ્રવાસમાં ધોરડોનો સમાવેશ કરી ખાનગી ટેન્માં બુકિંગ કરાવ્યું હતું. હવે તંત્ર દ્વારા આવા ટેન્ટ દૂર કરી દેવામાં આવતા પ્રવાસીઓને પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવો પડશે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્રની કામગીરી આવકાર્ય છે પરંતુ દીપોત્સ્વી તહેવારો બાદ કામગીરી હાથ ધરવામાં આવી હોત તો દીપોત્સવી તહેવારમાં બુકિંગ કરાવનાર પ્રવાસીઓને થનારી અસુવિધાને ટાળી શકાય હોત. અચાનક જ તંત્રએ ઝુંબેશ હાથ ધરી છે. જેથ ખાનગી ટેન્ટમાં બુકિંગ કરાવનાર પ્રવાસીઓમાં કચ્છ પ્રવાસનની ખરાબ છાપ ઊભી થશે તેવો કચવાટ પણ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM